×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કાશ્મીર પોલીસ ભરતી કૌભાંડ : ગુજરાત સહિત દેશના 33 સ્થળે સીબીઆઇના દરોડા


- ઉમેદવારોએ સબ-ઇન્સ્પેક્ટરની પરીક્ષાના પેપર માટે 20 થી 30 લાખની લાંચ આપી હતી

- બોર્ડના પૂર્વ ચેરમેન, ડીએસપી, સીઆરપીએફના પૂર્વ અધિકારી, ઉમેદવારો સહિત 33 સામે ફરિયાદ બાદ કાર્યવાહી

- આ વર્ષે માર્ચમાં લેખીત પરીક્ષા યોજાયા બાદ જુલાઇમાં ઉપરાજ્યપાલે ભરતી અટકાવી હતી

શ્રીનગર/નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના સબ-ઇન્સ્પેક્ટર રિક્રૂટમેન્ટ પરીક્ષા કૌભાંડની તપાસ સીબીઆઇ કરી રહી છે. આ ભરતી કૌભાંડને લઇને સીબીઆઇએ ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યોના દેશભરમાં ૩૩ સ્થળોએ દરોડા પાડયા હતા. જે સ્થળોએ દરોડા પડાયા છે તેમાં જમ્મુ કાશ્મીર સર્વિસ સિલેક્શન બોર્ડના પૂર્વ ચેરમેન ખાલિદ જેહાંગીર અને જમ્મુ કાશ્મીરના ડીએસપી તેમજ સીઆરપીએફના અધિકારીનો પણ સમાવેશ થાય છે. 

જે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે તેમાં ગુજરાતના ગાંધીનગરમાં, જમ્મુ કાશ્મીરના જમ્મુ, શ્રીનગર, હરિયાણાના કર્નાલ, મહેન્દ્રગઢ, રેવાડી, દિલ્હી, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ,કર્ણાટકના બેંગાલુરુનો પણ સમાવેશ થાય છે. આ શહેરો ઉપરાંત કુલ ૩૩ જેટલા સ્થળોએ સીબીઆઇ તપાસ કરી હતી. આ સમગ્ર કૌભાંડમાં કુલ ૩૩ લોકોની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

જમ્મુ કાશ્મીરમાં સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટે આ વર્ષે ૨૭મી માર્ચે પરીક્ષા યોજાઇ હતી, જ્યારે ૪ જૂનના રોજ પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે એક મહિના પછી એટલે કે ૮મી જુલાઇએ ઉપરાજ્યપાલે સીબીઆઇને તપાસ સોપવાની ભલામણ કરતા સમગ્ર ભરતી પ્રક્રિયા પર રોક લગાવી દેવામાં આવી હતી. એવા આરોપો છે કે બેંગાલુરુની એક ખાનગી કંપની સાથે મળીને જમ્મુ કાશ્મીર સર્વિસ સિલેક્શન બોર્ડના અધિકારીઓેએ પરીક્ષામાં પોતાના માનિતાઓને લેવા માટે ગેરરીતીનું કાવતરુ ઘડયું હતું. 

લેખીત પરીક્ષામાં જમ્મુ, રાજૌરી અને સાંબા જિલ્લાના ઉમેદવારોને મળેલા સૌથી વધુ ટકાને લઇને સવાલો ઉઠયા હતા. બેંગાલુરુની એક ખાનગી કંપનીને પેપર સેટ કરવાની કામગીરીમાં ગેરરીતી આચરવામાં આવી હતી. હાલ આ મામલે સીબીઆઇ દ્વારા ૩૩ સ્થળોએ દરોડા પડાયા હતા. આ કેસના અન્ય આરોપીઓમાં મેડિકલ ઓફિસર ડો. કર્નૈલસિંહ, જેકે પોલીસના એએસઆઇ અશોક કુમાર, સીઆરપીએફના પૂર્વ અધિકારી અશ્વિની કુમાર, ઇડીયુમેક્સ ક્લાસિસના માલિક અવિનાશ ગુપ્તા, કોચિંગ ક્લાસિસના મેનેજર અક્ષય કુમાર, અને બેંગાલુરુની મેરિટટ્રેક સર્વિસ પ્રા. લિ. નામની કંપનીનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન સીબીઆઇએ ખુલાસો કર્યો છે કે આ પરીક્ષા પહેલા જ પેપર મેળવવા માટે ઉમેદવારો દ્વારા અધિકારીઓ અને વચેટીયાઓને ૨૦થી ૩૦ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન દસ્તાવેજો અને ડિજિટલ ડિવાઇસ જપ્ત કર્યા હતા.