×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કાશ્મીરમાં વધુ એક કાશ્મીરી પંડિતની હત્યાથી લોકોમાં ભારે રોષ, હાઇવે જામ કર્યો


- કાશ્મીરી પંડિતો ભગવાન ભરોસે, આતંકી હુમલા વધ્યા

- સુરક્ષા ગાર્ડની હાજરીમાં જ થયેલી હત્યાની જવાબદારી કાશ્મીર ફ્રીડમ ફાઇટર સંગઠને લીધી, હુમલાખોરો ફરાર

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકીઓ દ્વારા કાશ્મીરી પંડિતો પર હુમલા વધ્યા છે. આતંકીઓએ કરેલા હુમલામાં વધુ એક કાશ્મીરી પંડિતની હત્યા કરી દેવામાં આવી છે. જેને પગલે કાશ્મીરમાં પંડિતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં પંડિતો રસ્તા પર ઉતર્યા હતા અને કાશ્મીરના અનેક વિસ્તારોમાં ધરણા પ્રદર્શન કર્યા હતા. અગાઉ પણ આ જ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો હોવા છતા પ્રશાસન તરફથી યોગ્ય કાર્યવાહી ન થતા વધુ એક કાશ્મીરી પંડિતની હત્યાથી રોષ વધ્યો છે. 

છેલ્લા એક વર્ષમાં આતંકીઓ દ્વારા અનેક કાશ્મીરી પંડિતોની હત્યા કરી દેવામાં આવી છે. શનિવારે વધુ એક કાશ્મીરી પંડિત પૂરન કૃષ્ણ ભટની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ડીઆઇજી સુજીત કુમારે કહ્યું હતું કે કેએફએફ કાશ્મીર ફ્રીડમ ફાઇટર્સ નામના આતંકી સંગઠન દ્વારા આ હત્યા કરવામાં આવી હતી. આ સંગઠને હત્યાની જવાબદારી પણ સ્વિકારી છે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આતંકીઓ દ્વારા શોપિયાંમાં પૂરન કૃષ્ણ ભટ્ટની હત્યા શરમજનક ઘટના છે. 

બીજી તરફ આ હત્યાની ઘટનાને પગલે કાશ્મીરી પંડિતોમાં રોષ વધી ગયો છે અને તેઓ ન્યાયની માગણી કરી રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આતંકીઓએ શોપિયાંમાં કાશ્મીરી પંડિત પૂરણ કૃષ્ણ પર પૂર્વાયોજિત કાવતરાના ભાગરુપે જ આ હુમલો કર્યો હતો. પંડિત જ્યારે ચૌધરી ગૂંડ વિસ્તારમાં આવેલા બાગ તરફ જઇ રહ્યા હતા ત્યારે જ ત્યાં અચાનક આવેલા આતંકીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. 

આ ઘટનાને અંજામ આપીને આતંકીઓ નાસી છૂટયા હતા. જ્યારે હાલ સમગ્ર વિસ્તારને સૈન્ય દ્વારા ઘેરી લેવામાં આવ્યો છે અને મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. હાલ કાશ્મીરી પંડિતોએ ફરી વખત ન્યાય માટે રસ્તા પર ઉતરવુ પડયું હતું, પંડિતોએ જમ્મુ રોડને બ્લોક કરી દીધો હતો. દરમિયાન આતંકીઓ સાથે લિંક હોવાનું સામે આવ્યા બાદ ચાર સરકારી કર્મચારીઓ અને એક બેંક મેનેજરની નોકરીમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે ત્યાં ગાર્ડ પણ હાજર હતો.