×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગનો સિલસિલો : બેન્ક મેનેજરની હત્યા


- કાશ્મીરમાં હિન્દુઓની હત્યાનો 1990નો સમય પાછો ફર્યો, ખબર નથી કોણ ક્યારે ક્યાં ગોળી મારી દે : કર્મચારીનો બળાપો

- કુલગામમાં રાજસ્થાની વિજયકુમાર બેનીવાલને આતંકીએ ગોળીઓ ધરબી, ઘટના સીસીટીવીમાં કેદ : હિન્દુ કર્મચારીઓએ સરકારી વસાહતની માગ ફગાવી

- એક મહિનામાં આઠમા, પાંચ મહિનામાં ૧૭મા ટાર્ગેટ કિલિંગથી લોકો ભયભીત, ટ્રકો તૈયાર રાખી છે, ગમે ત્યારે પલાયન કરવું પડી શકે : કાશ્મીરી પંડિત

શ્રીનગર : કાશ્મીરમાં ગુરુવારે ટાર્ગેટ કિલિંગનો સિલસિલો યથાવત્ રહ્યો છે. કુલગામમાં જ સ્કૂલ શિક્ષિકા રજની બાલાની હત્યાના બે જ દિવસમાં કુલગામ જિલ્લામાં ઈલાકાઈ દેહાતી બેન્કની મોહનપોરા શાખામાં એક આતંકીએ રાજસ્થાની બેન્ક મેનેજર વિજયકુમારની ગોળી મારીને હત્યા કરી હતી. વધુ એક હિન્દુ કર્મચારીની હત્યાથી ખીણમાં કાશ્મીરી પંડિતો સહિત હિન્દુઓમાં આક્રોશ વધ્યો છે. તેમણે શુક્રવારથી ખીણમાંથી પલાયન કરવાનો પણ નિર્ણય કર્યો છે. કાશ્મીરી પંડિતોએ હિન્દુઓની હત્યાના વિરોધમાં દેખાવો કર્યા હતા. વધુમાં તેઓ સરકારી વસાહતની માગણી ફગાવીને સલામત સ્થળે પોસ્ટિંગની માગ પર અડગ રહ્યા છે. બીજીબાજુ ગૃહમંત્રી અમિત શાહે એનએસએ અજિત ડોભાલ અને રૉ પ્રમુખ સાથે બેઠક યોજી કાશ્મીરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

રાજસ્થાની વિજયની સપ્તાહ પહેલાં જ કુલગામ શાખામાં ટ્રાન્સફર થઈ

દક્ષિણ કાશ્મીર જિલ્લામાં ઈલાકાઈ દેહાતી બેન્કની આરેહ મોહનપોરા શાખામાં મેનેજર વિજય કુમાર એક સપ્તાહ પહેલાં જ કુલગામ શાખામાં ટ્રાન્સફર થઈ હતી. 

રાજસ્થાનના હનુમાનગઢના નિવાસી વિજય કુમાર અગાઉ કેન્દ્ર સરકાર, જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની સંયુક્ત માલિકીની બેન્કની કોકેરનાગ શાખામાં કામ કરતા હતા. વિજય કુમાર ગુરુવારે બેન્કમાં કામ કરતા હતા ત્યારે એક આતંકીએ બેન્ક પરિસરમાં ઘૂસીને તેમને ગોળીઓથી વિંધિ નાંખ્યા હતા અને ભાગી ગયો હતો. વિજય કુમારને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ રસ્તામાં તેમનું મોત નીપજ્યું હતું. 

આતંકીનો વિજયકુમારને ગોળી મારતો સીસીટીવી ફૂટેજનો વીડિયો વાઈરલ થયો હતો. આ ઘટના પછી સલામતી દળોએ તુરંત વિસ્તારને ઘેરી લીધો હતો અને હત્યારા આતંકીની શોધ શરૂ કરી છે.

ગયા વર્ષે 8મી જૂને સરપંચની હત્યાથી ટાર્ગેટ કિલિંગ શરૂ થયું

કુલગામમાં જ બે દિવસ પહેલાં હિન્દુ શિક્ષિકા રજની બાલાની પણ ગોળી મારીને હત્યા કરાઈ હતી. આ ઘટના તાજી છે ત્યારે કાશ્મીર ખીણમાં હિન્દુ કર્મચારીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. છેલ્લા એક મહિનામાં કાશ્મીર ખીણમાં કાશ્મીરી પંડિતો અને હિન્દુઓને નિશાન બનાવતા ટાર્ગેટ કિલિંગની આઠ ઘટનાઓ ઘટી છે. કાશ્મીરમાં કલમ ૩૭૦ નાબૂદ થયા પછી પહેલી વખત આતંકીઓનો આતંક સતત વધી રહ્યો છે. 

કાશ્મીરમાં ગયા વર્ષે ૮મી જૂને સરપંચ અજય પંડિતની હત્યાથી ટાર્ગેટ કિલિંગનો સિલસિલો શરૂ થયો. 

ત્યાર પછી ૫મી ઑક્ટોબરે શ્રીનગરના કેમિસ્ટ એમએલ બિંદ્રુની હત્યા કરાઈ. ૭ ઑક્ટોબરે સ્કૂલ પ્રિન્સિપાલ સતિંદર કૌર અને શિક્ષક દિપક ચંદની હત્યા કરી હતી.

સરકાર માટે દરેક કર્મચારીને સંરક્ષણ આપવું શક્ય નથી : હિન્દુ કર્મચારી

આતંકીઓ હવે કાશ્મીરી પંડિતો અને હિન્દુઓના ટાર્ગેટ કિલિંગ તરફ વળ્યા હોવાથી હિન્દુઓ માટે કાશ્મીર ખીણમાં જાણે ૧૯૯૦નો સમય પાછો ફર્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હિન્દુ કર્મચારીઓનું કહેવું છે કે અહીં કોણ ક્યારે ક્યાં ગોળી મારી દે તે જ ખબર નથી પડતી. પરિણામે હિન્દુ કર્મચારીઓએ સરકાર સમક્ષ સલામત સ્થળે પોસ્ટિંગની માગ કરી છે. તેમણે સરકારી વસાહત સ્થાપવાની સરકારની માગણી ફગાવી દીધી છે. હિન્દુ કર્મચારીઓ તેમના પોતાના જિલ્લાઓમાં ટ્રાન્સફરની તેમની માગણી પર અડગ રહ્યા છે. ઉત્તર કાશ્મીરના કુપવારા જિલ્લામાં પોસ્ટેડ એક શિક્ષિકા અંજના બાલાએ કહ્યું કે, અમને સરકારી વસાહત અથવા પ્રમોશનની કોઈ જરૂર નથી. અમે માત્ર ખીણમાંથી ટ્રાન્સફર ઈચ્છીએ છીએ, કારણ કે દરેક કર્મચારીને સંરક્ષણ આપવું સરકાર માટે શક્ય નથી.

ટ્રકો તૈયાર રાખી છે, ગમે ત્યારે પલાયન કરવું પડી શકે : કાશ્મીરી પંડિત

કાશ્મીર ખીણમાં ટાર્ગેટ કિલિંગની વધતી ઘટનાઓ વચ્ચે કાશ્મીરી પંડિતોએ શુક્રવારથી મોટી સંખ્યામાં પલાયન કરવાનો નિર્ણય કર્યો છે. કાશ્મીર ખીણમાં દેખાવો કરી રહેલા સરકારી કર્મચારીઓના કો-ઓર્ડિનેટર અમિત રૈનાએ કહ્યું કે ટ્રાન્ઝિટ કેમ્પોમાં રહેતા સરકારી કર્મચારીઓએ આંદોલન પાછું ખેંચી લીધું છે. અમે હવે જમ્મુ જવાનો નિર્ણય કર્યો છે. દરરોજ લઘુમતી હિન્દુઓની હત્યા થઈ રહી છે. હવે હિન્દુઓ પાસેથી કાશ્મીર ખીણ છોડીને પલાયન કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. બારામુલ્લામાં કાશ્મીરી પંડિત કોલોનીમાં રહેતા અવતાર કૃષ્ણ ભટે કહ્યું, અમે ટ્રકો તૈયાર રાખી છે, કારણ કે ગમે ત્યારે અહીંથી પલાયન કરવું પડી શકે છે. અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ હિન્દુ પરિવારો કાશ્મીરમાંથી પલાયન કરી ગયા છે. છેલ્લા પાંચ મહિનામાં ગુરુવારે ૧૭મું ટાર્ગેટ કિલિંગ થયું હતું. આતંકીઓ કાશ્મીરી પંડિતો, પ્રવાસી હિન્દુઓ અને સરકારી નોકરી કરનારા મુસ્લિમોને નિશાન બનાવી રહ્યા છે.

પખવાડિયામાં ગૃહમંત્રીની બીજી વખત ઉચ્ચ સ્તરીય બેઠક

દરમિયાનમાં જમ્મુ અને કાશ્મીરમાં મહત્વપૂર્ણ બેઠક પહેલાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલે ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી હતી અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ગુપ્તચર સંસ્થા રૉના વડા સામંત ગોયલ પણ હાજર હતા. વધુમાં અમિત શાહના અધ્યક્ષપદે શુક્રવારે પણ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે. કાશ્મીર ખીણમાં ટાર્ગેટ કિલિંગની વધતી ઘટનાઓ વચ્ચે પખવાડિયામાં ગૃહમંત્રીએ બીજી વખત ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવી પડી છે.

અમરનાથ યાત્રાના માર્ગો પર 12,000 જવાનો તૈનાત કરાશે

કાશ્મીરમાં કોરોનાકાળના બે વર્ષ પછી પહેલી વખત અમરનાથ યાત્રા યોજાઈ રહી છે ત્યારે યાત્રાના રૂટ પર સલામતી સ્થિતિની પણ ગૃહમંત્રીએ સમીક્ષા કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાના બંને માર્ગો પર અર્ધલશ્કરી દળોના વધારાના ૧૨,૦૦૦ જવાનો તૈનાત કરાય તેવી શક્યતા છે. ઉપરાંત ડ્રોન કેમેરા પણ શ્રદ્ધાળુઓના રક્ષણની ખાતરી માટે સલામતી દળોને મદદ કરશે.

કેએફએફે બેન્ક મેનેજરની હત્યાની જવાબદારી લીધી

પંડિતો, બહારના લોકોની આ જ હાલત થશે : કેએફએફની ધમકી

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એક આતંકીએ ગુરુવારે બેન્ક કર્મચારીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આતંકી સંગઠન કાશ્મીર ફ્રિડમ ફાઈટર્સ (કેએફએફ)એ આ હત્યાની જવાબદારી લીધી છે અને તેણે કાશ્મીરી પંડિતો તથા બહારના લોકોની આવી જ હાલત થશે તેવી ધમકી પણ આપી છે. બેન્ક મેનેજર વિજયકુમારની હત્યા કરવાની સાથે કેએફએફે એક પત્રમાં ચેતવણી આપી છે કે કાશ્મીરના ડેમોગ્રાફિક (ભૌગોલિક સ્થિતિ) પરિવર્તનમાં સામેલ થનારા લોકોની આ જ હાલત થશે. કુલગામમાં બેન્ક મેનેજર વિજય કુમારની હત્યાની અમે જવાબદારી લઈએ છીએ. પત્રમાં લખ્યું છે, બહારના લોકો એમ ન માને કે મોદીના નેતૃત્વવાળી સરકાર તેમને અહીં સ્થાયી થવા દેશે, તેમના માટે આ આંખ ખોલનારી ઘટના છે. હવે બહારના લોકોએ વાસ્તવિક્તા સમજી લેવી જોઈએ કે તેમણે અહીં જીવ ગુમાવવો પડી શકે છે. વિચારો, ક્યાંક મોડું ન થઈ જાય અને આગામી વખતે તમારો વારો હશે...