×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કાશ્મીરમાં આતંકીઓ બેફામ : ત્રણ મજૂરોની હત્યા


બિહારથી આવેલા મજૂરોના ઘરમાં ઘૂસી બેફામ ગોળીબાર કરાયો

નિર્દોષોની હત્યાનો બદલો લેવા આતંકવાદીઓ અને તેમને સહાનભૂતિ આપનારાઓને વીણી-વીણીને ઠાર કરાશે : લેફ્ટનન્ટ ગવર્નર

પૂંચ અને રાજૌરીમાં જવાનો પર હુમલાના કેસમાં માતા-પુત્ર સહિત ત્રણ શંકાસ્પદોની અટકાયત અને પૂછપરછ 

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ દ્વારા નાગરિકો પરના હુમલાઓ યથાવત્ છે અને આજે કુલગામ જિલ્લાના વાનપોહમાં આતંકવાદીઓએ ત્રણ પરપ્રાંતીય મજૂરોની હત્યા કરી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે મજૂરોને રહેવા માટે આપવામાં આવેલા મકાનમાં આતંકવાદીઓ ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ગોળીબાર કર્ય હતો.

નાગરિકો પર હુમલાની વધી રહેલી ઘટનાઓ અંગે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ નિવેદન આપ્યું હતું કે સામાન્ય નાગરિકોની હત્યના પ્રતિકાર સ્વરૃપે આતંકવાદીઓ અને આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખનારાઓને વીણી-વીણીને ઠાર કરવામાં આવશે.

આતંકીઓ દ્વારા સ્થાનિકોની હત્યાના વધી રહેલા બનાવો અંગે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું હતું કે મૃત્યુ પામેલા નાગરિકોના લોહીના દરેક ટીપાનો બદલો લેવાશે અને પ્રતિકાર સ્વરૃપે આતંકવાદીઓ અને તેમને સહાનુભૂતિ આપનાવારોને વીણી-વીણીને મારવામાં આવશે.

સિંહાએ કહ્યું હતું કે કાશ્મીરમાં શાંતિ, સામાજિક-આર્થિક વિકાસ અને લોકોના વ્યક્તિગત વિકાસમાં હસ્તક્ષેપ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. જો કે સરકાર જમ્મુ-કાશ્મીરના વિકાસ પ્રત્યે કટિબદ્ધ છે. તપાસ એજન્સીઓ દ્વારા આ મુદ્દે આજે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગત દિવસોમાં પૂંચ અને રાજૌરીમાં આતંકી હુમલામાં ભારતના નવ જવાનો શહીદ થયા હતા. આ હુમલા અંગે હાથ ધરાયેલી તપાસમાં આજે  કાશ્મીરમાં માતા-પુત્ર સહિત ત્રણ શંકાસ્પદોને અટકાયતમાં લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ભટ્ટા દુરિયન જંગલ વિસ્તારમાં રહેતી 45 વર્ષીય મહિલા તેના પુત્ર અને અને અન્ય એક પુરૃષની આજે અટકાયત કરવામાં આવી છે.

તપાસ એજન્સીને શંકા છે કે આ વ્યક્તિઓએ આતંકવાદીઓને લોજિસ્ટિક સુવિધા અને અન્ય મદદ આપી હતી. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે તે મુદ્દે તપાસ ચાલી રહી છે કે આ વ્યક્તિઓઓ આતંકવાદીઓને આશ્રય અને અન્ય સુવિધાઓ સ્વૈચ્છિક રીતે આપી હતી કે ગનપોઇન્ટ પર મજબૂરીના કારણે આપી હતી.

પરપ્રાંતીય મજૂરોને આર્મી - પોલીસના કેમ્પમાં રખાશે

જમ્મુ-કાશ્મરીમાં પરપ્રાંતીય મજૂરો પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. જેથી જમ્મુ-કાશ્મીર દ્વારા જારી કરવામાં આવેલી નવી ઇમરજન્સી એડવાઇઝરી પ્રમાણે પરપ્રાંતીય મજૂરોને આર્મી અને પોલીસના કેમ્પરમાં રાખવામાં આવશે.

પરપ્રાંતીય મજૂરોની સુરક્ષા માટે તેમને તાત્કાલિક આ કેમ્પોમાં સ્થળાંતરિત કરવા માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવમાં આવી છે. કાશ્મીરમાં રવિવારે આતંકીઓએ બિહારના ત્રણ મજૂરોની હત્યા કરી છે અને ગત દિવસોમાં પણ ઘણાં પરપ્રાંતીય કામદારોની આતંકીઓ દ્વારા હત્યા થઇછે.

ISના સકંજામાંથી બહાર આવેલો યુવાન ફરી સ્લીપર સેલમાં જોડાયો

ઇસ્લામિક સ્ટેટના સકંજામાંથી બહાર આવેલો અને ટર્કીમાં બચાવ કરાયેલો એક કાશ્મીરી યુવાન ફરી સ્લીપર સેલમાં જોડાયો  હોવાનો ઘટસ્ફોટ સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યો છે. 

ખાન્યાર શહેરમાં રહેતા અફશાન પરવેઝની ઉંમર અત્યારે 25 વર્ષ છે. 2017માં તેનો પરિવાર તેન કોલેજ કરાવવા ઇચ્છતો હતો પણ તે યુરોપ જઇ ધાર્મિક શિક્ષણ મેળવવા માગતો હતો. ઘરે ઝગડો કરી તે યુરોપ નીકળ્યા બાદ બહાર આવ્યું હતું કે તે ટર્કીમાં છે અને આઇ.એસ.ના સકંજામાં છે.

તેના મા-બાપની અરજીને ધ્યાને રાખી ભારતીય અધિકારીઓએ ટર્કી જઇ તેનો બચાવ કર્યો હતો. જો કે હવે ફરી બહાર આવ્યું છે કે ભારત વિરોધી આતંકી ચળવળના સ્લીપર સેલમાં પરવેઝ પણ છે અને આઇ.એસ. સહિતના સંગઠનો દ્વારા જારી કરવામાં આવતા જેહાદી સાહિત્યનો ફેલાવો કાશ્મીરી યુવાનો સુધી તે કરી રહ્યો છે. ગત દિવસોમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.