×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કાશી વિશ્વનાથ કોરિડોરઃ પરિસર નિર્માણ દરમિયાન પથ્થરનો મોટો હિસ્સો પડવાથી 1 મજૂરનું મોત


- વારાણસીની કાશી વિશ્વનાથ કોરિડોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને 55 હજાર સ્ક્વેર મીટરમાં બની રહેલી આ કોરિડોરને ભવ્ય સ્વરૂપ આપવાનું કામ સતત ચાલુ છે

નવી દિલ્હી, તા. 12 સપ્ટેમ્બર, 2021, રવિવાર

વારાણસીના કાશી વિશ્વનાથ ધામ કોરિડોર પરિસર નિર્માણ કાર્ય દરમિયાન પથ્થરનો એક મોટો હિસ્સો નીચે પડ્યો હતો. આ દુર્ઘટનામાં એક મજૂરે પોતાનો જીવ ગુમાવ્યો છે અને 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલ મજૂરોને વારાણસી ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટના અંગે જાણ થયા બાદ અનેક પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી. 

જોકે આ પહેલી વખત નથી કે કાશી વિશ્વનાથ કોરિડોરમાં આવી દુર્ઘટના બની હોય. થોડા મહિના પહેલા પણ એક દુર્ઘટનામાં 2 મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેઓ પણ કાશી વિશ્વનાથ કોરિડોરના નિર્માણ કાર્યમાં જ લાગેલા હતા. તેઓ નજીકની એક બે માળીય ઈમારતમાં રહેતા હતા પરંતુ એક દિવસ તે ઈમારત ધસી પડી હતી. તે દુર્ઘટનામાં 2 મજૂરોના મોત થયા હતા અને અન્ય 7 લોકો ઘાયલ થયા હતા. ત્યાર બાદ જૂન મહિનામાં નીલકંઠ સ્થિત એક મકાન ધસી પડ્યું હતું અને એક મજૂરે પોતાનો જીવ ગુમાવ્યો હતો. 

વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ

વારાણસીની કાશી વિશ્વનાથ કોરિડોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. 55 હજાર સ્ક્વેર મીટરમાં બની રહેલી આ કોરિડોરને ભવ્ય સ્વરૂપ આપવાનું કામ સતત ચાલુ છે. તેમાં કુલ 24 ભવન બનાવવાની તૈયારી થઈ રહી છે. સમગ્ર પ્રોજેક્ટ 339 કરોડ રૂપિયાનો છે અને તેનું મોટા ભાગનું સિવિલ વર્ક કમ્પ્લીટ થઈ ચુક્યું છે. વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર કે વિશ્વનાથ ધામ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં આ વર્ષે 15 નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે તેમ કહેવામાં આવે છે. તેવામાં એવો અંદાજો આવી રહ્યો છે કે, રામ મંદિર નિર્માણ પહેલા જ ભક્તોને કાશી વિશ્વનાથ કોરિડોર તૈયાર મળી જશે.