×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કાળાબજાર કોણ અટકાવે કેન્દ્ર કે રાજ્યો ? : પ્રજાને ખોખો…


- કેન્દ્ર સરકારે સુપ્રીમને જણાવ્યું કાળાબજાર અને સંગ્રહખોરી રોકવાની જવાબદારી રાજ્યોની છે

- રસી માટે અમારી નીતિ બરાબર સુપ્રીમ ચંચુપાત ન કરે : કેન્દ્ર સરકાર  

- કેન્દ્ર કોરોનાની દવા અને ઓક્સિજનના કાળાબજાર તાત્કાલિક અટકાવે : હાઈકોર્ટ

નવી દિલ્હી : દેશ કોરોના મહામારીની વિનાશક અને જીવલેણ બની રહેલી બીજી લહેરનો સામનો કરી રહ્યો છે ત્યારે અનેક લોકો બેખોફ બનીને કોરોનાથી પીડિત દર્દીઓ અને તેમના પરિવારજનોની નિ:સહાય સ્થિતિનો લાભ ઊઠાવી કોરોનાની દવા, ઓક્સિજન સિલિન્ડર તેમજ કોરોનાની સારવાર માટેના સાધનોના કાળાબજાર કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે તાત્કાલિક આ કાળાબજારીઓને અટકાવવા માટે પગલાં લેવા જોઈએ તેમ દિલ્હી હાઈકોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને નિર્દેશ આપ્યા હતા. જોકે, કાળાબજાર, દવા તથા ઓક્જિન કોન્સન્ટ્રેટર્સ જેવા મેડિકલ ઈક્વિપમેન્ટની સંગ્રાહખોરી અટકાવવા માટેના હાઈકોર્ટના આદેશોના પાલનની જવાબદારી કેન્દ્ર સરકારે રાજ્યોના માથે ઢોળી દીધી છે.

દિલ્હી હાઈકોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને કોરોનાની સારવાર માટેના સાધનો, દવાઓના કાળાબજાર અને સંગ્રાહખોરી અટકાવવા માટે કોર્ટના આદેશોનું તાત્કાલિક પાલન કરવા જણાવ્યું હતું. ન્યાયાધીશો વિપિન સાંઘી અને રેખા પાલીની બેન્ચે કોરોનાની સારવાર માટેના મેડિકલ સાધનો અને દવાઓને આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ આવશ્યક કોમોડિટી જાહેર કરવાની માગણી કરતી એક પીઆઈએલની સુનાવણી વખતે જણાવ્યું હતું કે, દવાઓ અને મેડિકલ સાધનોના કાળાબજાર અને સંગ્રાહખોરી અટકાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે જે પણ થઈ શકે તે કરવું જોઈએ. કોર્ટે દિલ્હી સરકાર પાસે દવાઓ અને મેડિકલ ઈક્વિપમેન્ટના જપ્ત કરેલા જથ્થા અંગેનો યથાસ્થિતિ અહેવાલ પણ માગ્યો હતો.

દરમિયાન કોરોનાની સારવારના મેડિકલ સાધનો અને દવાઓના કાળાબજાર તથા સંગ્રાહખોરી અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલતી એક સુનાવણીમાં કેન્દ્ર સરકારે કોર્ટના આદેશનું પાલન કરવાની જવાબદારી રાજ્યોના માથે ઢોળી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે, બધી જ રાજ્ય સરકારોએ તાત્કાલિક અલગ સ્તરે વિશેષ ટીમો બનાવીને કોરોનાની સારવાર માટેના મેડિકલ સાધનો અને દવાના કાળાબજાર તથા સંગ્રાહખોરીને ડામી દેવા જોઈએ તેમજ માનવતાવિહિન આવો વેપાર સાંખી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ સમગ્ર દેશમાં પૂરો પાડવો જોઈએ.

સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરતાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)એ બધા જ રાજ્યોના ડ્રગ્સ કંટ્રોલર્સ (એસડીસી)નો સંપર્ક કર્યો હતો અને દવાઓના કાળાબજાર તથા સંગ્રાહખોરી સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવા જણાવ્યું હતું. કેન્દ્રે કહ્યું કે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્ય સરકારોને આવશ્યક ચીજવસ્તુ ધારા, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ અને અન્ય કાયદાઓ હેઠળ દવાઓના સંગ્રાહખોરી અને કાળાબજારને રોકવા જરૂરી તમામ પગલાં લેવા જણાવ્યું છે.

દરમિયાન રસીકરણની નીતિ અંગે સતત ઘેરાઈ રહેલી કેન્દ્ર સરકારે પોતાનો બચાવ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં અન્ય એક સુનાવણીમાં કેન્દ્ર સરકારે ડોર-ટુ-ડોર રસીકરણની સંભાવનાઓ નકારી કાઢી હતી અને કહ્યું કે, કોવિન પ્લેટફોર્મ પર રજિસ્ટર્ડ કોવિડ રસીકરણ કેન્દ્રો પર રસીકરણની કેન્દ્રની નીતિ યોગ્ય ે. સુપ્રીમ કોર્ટે તેમાં હસ્તક્ષેપ કરવાની કોઈ જરૂર નથી. આ નીતિ સારી, પ્રસ્તુત અને તર્કસંગત છે. રસીકરણ પછી આડઅસરની સંભાવનાઓને જોતાં રસીકરણ કાર્યક્રમ હેઠળ પર્યાપ્ત જગ્યા, પર્યાપ્ત કોલ્ડ સ્ટોરેજ સુવિધા, પર્યાપ્ત સંખ્યામાં રસી અને મેડિકલ સપોર્ટ સ્ટાફ તથા પર્યાપ્ત વ્યવસ્થા જેવા મહત્વના માપદંડોના આધારે કોરોના રસીકરણ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે.

કેન્દ્રની કોરોના સંબંધી નીતિ વિષેના સોગંદનામાને સુપ્રીમ 13મીએ ધ્યાને લેશે

સુપ્રીમકોર્ટ કોરોના રસી અને હોસ્પિટલ સંબંધી નીતિ વિષે કેન્દ્ર સરકારે સુપરત કરેલા સંમતિ -સોગદનામાને ૧૩મેએ ધ્યાને લેશે. કોર્ટમાં કોરોના રોગચાળાને નાથવા માટે સરકારે લીધેલા પગલાં સંબંધી એક સ્વયંભૂ કેસની સુનાવણી થઇ રહી છે. 

સુપ્રીમ કોર્ટે સરકારને કોરોના દરમિયાન રસી તથા આરોગ્ય સંભાળ વિષેની એની નીતિ વિર્ષે પુન: વિચારણા કરવા જણાવ્યું એ પછી કેન્દ્રે ઉપરોક્ત સોગંદનામું રજૂ કર્યું. સર્વોચ્ય અદાલતે કેન્દ્ર સરકારને બે સપ્તાહમાં કોરોનાના  બીજા મોજાંમાં દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા  સંબંધી રાષ્ટ્રીય નીતિ ઘડી કાઢવા પણ નિર્દેશ કર્યો છે.