×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કાલથી આ રાજ્યોમાં લોકડાઉન, જાણો કડક નિયંત્રણો હેઠળ શું ખુલ્લું અને બંધ રહેશે

નવી દિલ્હી, 9 મે 2021 રવિવાર

કોવિડ -19 રોગચાળાને કારણે આખો દેશ અસરગ્રસ્ત છે. અને આ જીવલેણ વાયરસના ફેલાવાને રોકવા માટે, ઘણા રાજ્યોએ સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે. જુદા જુદા રાજ્યોમાં લોકડાઉન કેટલો સમય લાગુ રહેશે અને આ સમયગાળા દરમિયાન શું ખુલ્લું અને બંધ રહેશે, તે માટે સરકાર દ્વારા ગાઇડલાઇન્સ આપવામાં આવી છે.

તમિલનાડુ - કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે શુક્રવારે મુખ્ય પ્રધાન એમકે સ્ટાલીન આ બેઠકમાં હેલ્થકેર સંબંધિત નિષ્ણાતોની સલાહના આધારે લોકડાઉનનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન સ્ટાલિને એક નિવેદનમાં જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના ફેલાવાને રોકવા માટે લોકડાઉન અમલમાં મૂકવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, સોમવાર (10 મે) થી 24 મે સુધી સંપુર્ણ લોકડાઉન રાજ્યમાં અમલી રહેશે. આ સમયગાળા દરમિયાન, જરૂરી સેવાઓ સિવાય તમામ દુકાનો અને ખાનગી અને સરકારી કચેરીઓ બંધ રહેશે. આ ઉપરાંત સરકારી દારૂની દુકાન, બાર, સ્પા, જીમ, બ્યુટી પાર્લર, સલુન્સ, સિનેમા હોલ, ક્લબ, ઉદ્યાનો, સમુદ્ર બીચ પણ બંધ રહેશે.

કર્ણાટક - કર્ણાટકનાં મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ શુક્રવારે રાજ્યમાં સંપૂર્ણ 14 દિવસના લોકડાઉનની જાહેરાત કરી. તેમણે કહ્યું કે 10 મેથી 24 મે દરમિયાન સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન થશે. આ સમય દરમિયાન, આવશ્યક સેવાઓ સિવાય કોઈને પણ બહાર નિકળવા દેવામાં આવશે નહીં.

રાજસ્થાન- રાજસ્થાન સરકારે 10 થી 24 મે દરમિયાન રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાની પણ જાહેરાત કરી છે. આ સમય દરમિયાન આવશ્યક સેવાઓ સિવાય બધું જ બંધ રહેશે. કરિયાણું, દૂધ, શાકભાજી, ફળ અને અન્ય જરૂરી માલની દુકાનોને થોડા સમય માટે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

કેરળ - કેરળ સરકારે શનિવાર (8 મે) નાં રોજ સવારથી જ લોકડાઉન લગાવી દીધું છે, જે 16 મે સુધી અમલમાં રહેશે. બધા સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ, થિયેટરો, જીમ, મનોરંજન ક્લબ, બાર, ઓડિટોરિયમ, ધાર્મિક સ્થળો, બજારો, ખાનગી અને સરકારી કચેરીઓ અહીં બંધ રહેશે. જો કે, આવશ્યક ચીજવસ્તુઓ માટે અવરજવર પર પ્રતિબંધ રહેશે નહીં. રાશનની દુકાનો, શાકભાજીની દુકાનો સહિતની આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો સાંજે સાડા સાત વાગ્યા સુધી ખુલી રહેશે.આ સિવાય રાજ્યમાં બેંકો, વીમા કંપનીઓ, વિમાનો, બસો કે ટ્રેનોની અવરજવર પણ ચાલુ રહેશે.

ગોવા - ગોવામાં રાજ્યવ્યાપી લોકડાઉનની પણ જાહેરાત કરવામાં આવી છે. જોકે સરકારે તેને કર્ફ્યુ ગણાવ્યો છે. આદેશ મુજબ રાજ્યમાં આજે (રવિવાર (9 મે) થી આગામી 15 દિવસ સુધી એટલે કે 23 મે સુધી સખત કર્ફ્યુ લાગુ રહેશે. આ સમય દરમિયાન માત્ર તબીબી પુરવઠો સહિત આવશ્યક સેવાઓની મંજૂરી આપવામાં આવશે. કરિયાણાની દુકાન સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. આ ઉપરાંત સવારે સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી રેસ્ટોરન્ટનાં ટેક અવે ઓર્ડર માટે પરવાનગી આપવામાં આવી છે.

મહારાષ્ટ્ર - મહારાષ્ટ્રનાં પુણેમાં સરકારે આખા સપ્તાહનાં લોકડાઉનને લાગુ કર્યું છે. જે લોકો કોઈ કારણ વગર બહાર નિકળશે તેમના પર પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી છે. વીકએન્ડ લોકડાઉનમાં, માત્ર દવાની દુકાનો સ્ટોર્સ ખોલવાની મંજૂરી છે.

દેશનાં કેટલાક રાજ્યો જેવા કે પોંડિચેરીમાં પણ 24 મે સુધી લોકડાઉન રહેશે, તો હિમાચલ પ્રદેશ, મેઘાલય, અને મિઝોરમ અને મણિપુરમાં કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા છે, જેમાં નાઇટ કર્ફ્યું અને આંશિક લોડકાઉનનો અમલ કરાવવામાં આવી રહ્યો છે, શોપિંગ મોલ ,થિયેટરો અને રેસ્ટોરન્ટ પણ બંધ કરવામાં આવ્યા છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે થોડો સમય દુકાનો ખુલ્લી રાખવાની મંજુરી આપવામાં આવી છે.