×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કાબુલ એરપોર્ટ પર ISના બે આત્મઘાતી હુમલા : ૪૦નાં મોત

અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોએ અગાઉથી જ હુમલાની ચેતવણી આપી હતી

હુમલાખોરોનો કાબુલ એરપોર્ટ બહાર ઊભેલા લોકો પર ગોળીબાર, મૃતકોમાં બાળકો-મહિલાઓ, અમેરિકન મરીન સૈનિકો સામેલ, ૬૦થી વધુ ઘાયલ

અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી અબ્દુલ્લા અબ્દુલ્લાને નજરકેદ કરાયા

કાબુલ એરપોર્ટ બહાર પાણીની એક બોટલનો ભાવ રૂ. ૩,૦૦૦, એક પ્લેટ ચોખાની કિંમત રૂ. ૭,૫૦૦

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૨૬

કાબુલના હામિદ કરઝઈ એરપોર્ટ પર ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના આતંકી હુમલા અંગે અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયાએ આપેલી ચેતવણી વચ્ચે ગુરુવારે રાત્રે કાબુલ એરપોર્ટ બહાર આઈએસના બે આત્મઘાતી હુમલામાં ૧૩ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ૬૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે. ઈજાગ્રસ્તોમાં અફઘાન નાગરિકોની સાથે કેટલાક અમેરિકનોનો પણ સમાવેશ થાય છે. અગાઉ અમેરિકાએ આઈએસનું આતંકી સંગઠન આઈએસઆઈએસ- ખુરાસન (કે) કાબુલ એરપોર્ટ પર હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યું હોવાની ચેતવણી આપી હતી. દરમિયાન આઈએસઆઈએસે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. બીજીબાજુ તાલિબાનોએ ગુરુવારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ, ભૂતપૂર્વ વિદેશ મંત્રી અબ્દુલ્લા અબ્દુલ્લાને નજરકેદ કર્યા છે.

અમેરિકા, બ્રિટન, ભારત સહિત વિશ્વના અનેક દેશો યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાંથી તેમના નાગરિકો સહિત હજારો લોકોને કાબુલ એરપોર્ટ પરથી એરલીફ્ટ કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે અને તાલિબાનોના શાસનના ભયથી હજારો અફઘાન નાગરિકો દેશ છોડવા કાબુલ એરપોર્ટ બહાર એકત્ર થયા છે ત્યારે અમેરિકન પ્રમુખ જો બાઈડેને અગાઉથી જ કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલાની ચેતવણી આપી હતી. અમેરિકાની આ ચેતવણી ગુરુવારે રાત્રે સાચી પડી હતી. 

આઈએસના બે આત્મઘાતી હુમલાને પગલે કાબુલ એરપોર્ટ પર હૃદય વિદારક દૃશ્યો સર્જાયા હતા. આઈએસના હુમલાખોરોએ એરપોર્ટ બહાર ઊભા રહેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર પણ કર્યો હતો. આઈએસઆઈએસ-ખુરાસન અમેરિકા અને તાલિબાનોની શાંતિ વાટાઘાટોનું વિરોધી છે. એરપોર્ટ બહાર હુમલા છતાં હજારો અફઘાન નાગરિકો વિદેશમાં આશરો લેવાની આશાએ બેસી રહ્યા છે. 


બ્રિટિશ આર્મ્ડ ફોર્સ મંત્રી જેમ્સ હેપ્પીએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનાં હજારો લોકો દેશ છોડવા માટે કાબુલ એરપોર્ટ બહાર એકત્ર થયા છે ત્યારે અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટનું સંગઠન આઈએસઆઈએસ-કે આતંકી હુમલાનું કાવતરું ઘડી રહ્યું હોવાની વિશ્વસની સૂત્રો પાસેથી માહિતી મળી છે. અમેરિકન ગુપ્તચર એજન્સીઓએ પણ ચેતવણી આપી છે કે આઈએસના આતંકીઓ કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી અથવા કાર બોમ્બથી હુમલો કરી શકે છે. આ સાથે અમેરિકા, બ્રિટન સહિત યુરોપના દેશોએ તેમના નાગરિકોને કાબુલ એરપોર્ટ બહારથી સલામત સ્થળે જતા રહેવા સૂચના આપી છે. 

નોંધપાત્ર બાબત એ છે કે અમેરિકા અને બ્રિટનની આ ચેતવણીની તાલિબાનોએ પણ પુષ્ટી કરી છે. દરમિયાન તાલિબાનોએ કાબુલમાં અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી તથા રાષ્ટ્રીય સુલહ પરિષદના અધ્યક્ષ અબ્દુલ્લા અબ્દુલ્લાને નજરકેદ કરી દીધા છે. તાલિબાનોએ બંને વરિષ્ઠ નેતાઓની સલામતી પણ હટાવી દીધી છે. આ બંને નેતા તાલિબાન સાથે અફઘાનિસ્તાનમાં નવી સરકાર રચવા માટેની વાટાઘાટોમાં સામેલ હતા. બીજીબાજુ તાલિબાનના એક પ્રવક્તાએ બંને નેતાઓને નજરકેદ કરાયા હોવાના અહેવાલો નકારી કાઢ્યા છે.

સીએનએનના અહેવાલોને ટાંકીને રશિયન ન્યૂઝ એજન્સી સ્પુતનિકે જણાવ્યું છે કે તાલિબાને બંને નેતાઓની કાર પણ જપ્ત કરી લીધી છે. એવામાં હામિદ કરઝઈ અને અબ્દુલ્લા અબ્દુલ્લા હાલ સંપૂર્ણપણે તાલિબાનો પર આશ્રિત છે. આ સપ્તાહની શરૂઆતમાં જ તાલિબાનોએ અફઘાનિસ્તાન પર શાસન કરનારી તેની ૧૨ સભ્યોની પરિષદમાં કરઝઈ અને અબ્દુલ્લા તથા તાલિબાનના સહ-સંસ્થાપક અબ્દુલ ગની બરાદરનો સમાવેશ કર્યો હતો. અફઘાનિસ્તાનની તાલિબાની સરકારમાં મુલ્લા અબ્દુલ ગની બરાદર, તાલિબાનના સ્થાપક મુલ્લા ઓમરના પુત્ર મુલ્લા મોહમ્મદ યાકૂબ અને હક્કાની નેટવર્કના સૌથી વરિષ્ઠ સભ્ય ખલીલ હક્કાનીનો પણ સમાવેશ થશે.

દરમિયાન અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા પછી ચારેબાજુ અરાજક્તાનું વાતાવરણ છે. અમેરિકા અને યુરોપના દેશો તેમને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢશે એવી આશામાં હજારો લોકો કાબુલ એરપોર્ટની બહાર એકત્ર થયા છે. પરિણામે અહીં ખાવા-પીવાની વસ્તુઓના ભાવ આકાશને આંબી રહ્યા છે. એક અફઘાન નાગરિકે કહ્યું કે ભોજન અને પાણી ખૂબ જ ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે. 

કાબુલ એરપોર્ટ પર પાણીની એક બોટલનો ભાવ ૪૦ અમેરિકન ડોલર એટલે કે અંદાજે ૩,૦૦૦ રૂપિયા અને એક પ્લેટ ચોખાનો ભાવ ૧૦૦ અમેરિકન ડોલર એટલે કે અંદાજે ૭,૫૦૦ રૂપિયા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ વસ્તુઓ અફઘાનના ચલણમાં નહીં પરંતુ ડોલરમાં જ વેચાઈ રહી છે. અહીં લોકોની ભીડ એટલી છે કે મહિલાઓ અને બાળકોની સ્થિતિ દયનીય થઈ ગઈ છે. આમ છતાં લોકો કલાકો અને દિવસોથી તેમનો વારો આવે તેની રાહ જોઈને બેસી રહ્યા છે.