×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કાનપુર IT રેડઃ પિયૂષ જૈને કહ્યું- ટેક્સ, પેનલ્ટીના 52 કરોડ કાપીને બાકીના આપો


- કન્નૌજ ખાતેથી કેટલું સોનું અને પૈસા મળ્યા તેની હજુ કોઈ ડિટેઈલ નથી આવી

નવી દિલ્હી, તા. 30 ડિસેમ્બર, 2021, ગુરૂવાર

સેંકડો કરોડની કાળી કમાણી મામલે ધરપકડ કરવામાં આવી છે તે પિયૂષ જૈને કોર્ટને જણાવ્યું કે, તેના ઉપર ટેક્સ ચોરી અને પેનલ્ટી સહિત 52 કરોડ રૂપિયાનો ટેક્સ બને છે. તેણે કોર્ટ સમક્ષ માગણી કરી છે કે, ડાયરેક્ટરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ (ડીજીજીઆઈ) 52 કરોડ રૂપિયા કાપીને બાકીની રકમ તેને પાછી આપી દે. પિયૂષ જૈને આ મામલે કોર્ટમાં અરજી કરી છે. હાલ પિયૂષ જૈન 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી અંતર્ગત કાનપુર જેલમાં બંધ છે. 

ડીજીજીઆઈના વકીલ અંબરીશ ટંડને બુધવારે જણાવ્યું કે, તેના ઘરેથી જે પૈસા મળી આવ્યા છે તે ટેક્સ ચોરીની રકમ છે. જપ્ત કરવામાં આવેલી રોકડ 42 બોક્સમાં રાખીને બેંકમાં જમા કરાવી દેવામાં આવી છે. ટંડનના કહેવા પ્રમાણે કાનપુર ખાતેથી 177 કરોડ 45 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે જેને 2 ભાગમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જમા કરાવાયા છે. પહેલી વખતમાં 25 બોક્સમાં 109 કરોડ 34 લાખ 74 હજાર 240 રૂપિયા જ્યારે બીજી વખતમાં 17 બોક્સમાં 68 કરોડ 10 લાખ 27 હજારની રકમ બેંકમાં મોકલવામાં આવી છે. 

ટંડને જણાવ્યું કે, બેંકમાં જમા રકમને ભારત સરકારના નામથી એફડીઆઈ કરવા માટે ડીજીજીઆઈ તરફથી લેટર આપવામાં આવ્યો છે. તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે, શું પિયૂષ જૈનને ફાયદો પહોંચાડવા માટે ડીજીજીઆઈએ જપ્ત રકમને તેના બિઝનેસ ટર્નઓવર તરીકે માની છે? પરંતુ તેમણે એવું ન હોવાની સ્પષ્ટતા કરી હતી. 

એવું કહેવામાં આવ્યું કે, પિયૂષ જૈને કાનપુર ખાતે 3 કંપનીઓ બનાવી હતી. તેણે પોતાના નિવેદનમાં સ્વીકાર્યું છે કે, તેણે આ કંપનીઓ દ્વારા 4 વર્ષમાં ગુપ્ત રીતે પાન મસાલા કમ્પાઉન્ડ વેચ્યા હતા. તેણે માલ કોના પાસેથી ખરીદ્યો, કોને વેચ્યો તેનો ખુલાસો નથી કર્યો જેનાથી સાબિત થાય છે કે, તેણે ટેક્સ ચોરી દ્વારા રકમ જમા કરી. તેમણે 32 કરોડ રૂપિયાનો ટેક્સ નોંધ્યો અને પેનલ્ટી સાથે 52 કરોડની રકમ બને છે. ટંડનના કહેવા પ્રમાણે હજુ તપાસ ચાલે છે અને કન્નૌજ ખાતેથી કેટલું સોનું અને પૈસા મળ્યા તેની હજુ કોઈ ડિટેઈલ નથી આવી. અત્યાર સુધીમાં જૈનના 7 ઠેકાણાઓ પર દરોડો પાડવામાં આવ્યો છે જ્યાંથી ટેક્સ ચોરી નોંધાઈ છે.