×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કલમ 370 પર સુનાવણી દરમિયાન CJI ડીવાઈ ચંદ્રચૂડની મહત્વપૂર્ણ ટિપ્પણી, કહ્યું- 'ક્યારેય રદ્દ ન કરી શકાય, તે કહેવું ખોટું'

નવી દિલ્હી, તા.10 ઓગસ્ટ-2023, ગુરુવાર

સુપ્રીમ કોર્ટમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને પડકારતી અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે, ત્યારે મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડે કલમ 370ને નિષ્ક્રિય કરી જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને નાબૂદ કરવાના મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીના આજે પાંચમા દિવસે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. 

ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, ભારતમાં વિલય બાદ જમ્મુ-કાશ્મીરનું સાર્વભૌમત્વ ખતમ થઈ ગયું છે. એ વાત સાચી છે કે સંસદ રાજ્યની કેટલીક બાબતો પર કાયદો બનાવી શકી નથી, પરંતુ આનાથી જમ્મુ-કાશ્મીરના ભારત સાથેના સંબંધો પર કોઈ અસર પડતી નથી. ભારતમાં વિલયનો અર્થ જ એ હતો કે, જમ્મુ-કાશ્મીરે તેનું સાર્વભૌમત્વ ભારતને સોંપી દીધું. 

જમ્મુ-કાશ્મીર બાર એસોસિએશન તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ ઝફર શાહની દલીલો સાંભળતી વખતે ચંદ્રચુડે આ ટિપ્પણી કરી હતી. ઝફર શાહે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં ‘બંધારણીય સ્વાયત્તતા’ મળેલી હતી... સંસદ દ્વારા પસાર કરાયેલા દરેક કાયદાનો ત્યાં અમલ થઈ શકતો નથી.

ન્યાયાધીશોએ શું ટિપ્પણી કરી ?

આજે સુનાવણી દરમિયાન 5 જજોની બંધારણીય ખંડપીઠના સભ્ય જસ્ટિસ સંજય કિશન કૌલે પણ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, કલમ 370ને ક્યારેય નાબૂદ ન કરી શકાય, તે કહેવું ખોટું હશે... અમારે માત્ર એ જોવાનું છે કે તેને દૂર કરવા સરકાર દ્વારા કરાયેલી પ્રક્રિયા યોગ્ય હતી કે નહીં.

સુપ્રીમ કોર્ટે અગાઉ શું ટિપ્પણી કરી હતી ?

અગાઉ સુનાવણીના ત્રીજા દિવસે કોર્ટે મહત્વની ટિપ્પણી કરી કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં જનમતનો પ્રશ્ન જ ઊભો થતો નથી. કોર્ટે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની દલીલ દરમિયાન આ વાત કહી હતી. સિબ્બલે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય હતો, તેના માટે અગાઉથી રાજ્યના લોકોનો અભિપ્રાય લેવાયો નથી.

‘કલમ 370 હટાવવા મામલે બ્રેક્ઝિટ જેવો જનમતસંગ્રહ યોજવાનો સવાલ જ નથી’

ઉલ્લેખનિય છે કે, 8મી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે એક મહત્વની ટિપ્પણી કરતા કહ્યું હતું કે કલમ 370 નાબૂદ કરવા પર બ્રેક્ઝિટ જેવા જનમતનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે કલમ 370ની નાબૂદી બંધારણીય રીતે માન્ય હતી કે નહી તે અંગે કોર્ટ મૂલ્યાંકન કરી રહી છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ભારત એક બંધારણીય લોકશાહી છે, જ્યાં તેના લોકોની ઈચ્છા સ્થાપિત સંસ્થાઓ દ્વારા જ જાણી શકાય છે. ઉલ્લેખનિય છે કે, સીજેઆઈની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની દલીલ બાદ 'બ્રેક્ઝિટ' પર આ ટિપ્પણી કરી હતી.

સિબ્બલે શું કહ્યું હતું ?

સિબ્બલે કહ્યું હતું કે બંધારણની કલમ 370 નાબૂદ કરવી એ બ્રેક્ઝિટ જેવું રાજકીય કાર્ય હતું, જ્યાં બ્રિટિશ નાગરિકોના અભિપ્રાય લોકમત દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. સિબ્બલે વધુમાં કહ્યું હતું કે જ્યારે 5 ઓગસ્ટ 2019 ના રોજ કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી ત્યારે આવો કોઈ અભિપ્રાય કોઈ પાસેથી લેવામાં આવ્યો ન હતો. નેશનલ કોન્ફરન્સના નેતા મોહમ્મદ અકબર લોન વતી સિબ્બલ હાજર થયા હતા  જેમણે કલમ 370 નાબૂદને પડકાર્યો હતો.

સિબ્બલે સંસદની સત્તા પર પણ સવાલો કર્યા

અગાઉ મંગળવારે સિબ્બલે કહ્યું હતું કે, સંસદે જમ્મુ અને કાશ્મીરમાં લાગુ બંધારણની જોગવાઈને એકપક્ષીય રીતે બદલવાના કાયદાને મંજૂરી આપી છે. આ અદાલતે નક્કી કરવાનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ભારત સરકાર આ કરી શકે છે. સિબ્બલે જમ્મુ અને કાશ્મીરની બંધારણ સભાની ગેરહાજરીમાં કલમ 370 નાબૂદ કરવાની સંસદની શક્તિ પર વારંવાર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે કલમ 370ને રદ કરવાની અથવા તેમાં સુધારો કરવાની ભલામણ કરવાની સત્તા માત્ર બંધારણ સભાને જ છે. બંધારણ સમિતિનો કાર્યકાળ 1957માં સમાપ્ત થયો ત્યારથી, જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણીય જોગવાઈને કાયમી ગણવામાં આવી હતી. 

ચંદ્રચુડ સિબ્બલની દલીલોથી પ્રભાવી ન થયા

જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતનો બંધારણીય બેંચમાં સમાવેશ થાય છે. જોકે જસ્ટિસ ચંદ્રચુડ સિબ્બલની દલીલોથી પ્રભાવિત થયા ન હતા અને કહ્યું હતું કે બંધારણીય લોકશાહીમાં લોકોના અભિપ્રાય જાણવાનું કામ સ્થાપિત સંસ્થાઓ દ્વારા થવું જોઈએ. તમે બ્રેક્ઝિટ લોકમત જેવી પરિસ્થિતિની કલ્પના કરી ન કરી શકો. જો કે બેન્ચ સિબ્બલના મત સાથે સંમત થયા હતા કે બ્રેક્ઝિટ એક રાજકીય નિર્ણય હતો, પરંતુ કહ્યું હતું કે આપણા જેવા બંધારણમાં જનમત લેવાનો કોઈ પ્રશ્ન જ નથી. સિબ્બલે અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાના કેન્દ્રના નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું કે બંધારણ તેની મંજૂરી આપતું નથી.