×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'કલંકિતોની વાપસી મંજૂર નથી, હક્ક-સત્ય માટે લડીશ', રાજીનામા બાદ સિદ્ધુનો પહેલો વીડિયો સંદેશો


- વીડિયોના અંતમાં સિદ્ધુએ કહ્યું હતું કે, સિદ્ધાંતો પર આંચ આવે તો અથડાવું જરૂરી છે, જીવતા હોવ તો જીવતા દેખાવ તે જરૂરી છે

નવી દિલ્હી, તા. 29 સપ્ટેમ્બર, 2021, બુધવાર

પંજાબમાં ચાલી રહેલા ઘમસાણ વચ્ચે નવજોત સિંહ સિદ્ધુએ બુધવારે એક વીડિયો સંદેશો જાહેર કર્યો હતો. પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુનું આ પહેલું મહત્વનું નિવેદન છે. સિદ્ધુના કહેવા પ્રમાણે તેઓ પોતાના મુદ્દાઓ સાથે સમજૂતી નથી કરી શકતા, તેઓ સત્ય અને હક્કની લડાઈ લડતા રહેશે. 

નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, 'પ્યારા પંજાબીઓ, 17 વર્ષની રાજકીય સફર એક ઉદ્દેશ્ય સાથે ખેડી છે. પંજાબના લોકોની જિંદગી વધુ સારી બનાવવી અને મુદ્દાઓનું રાજકારણ કરવું તે જ મારો ધર્મ હતો અને આ જ મારી ફરજ છે. હું કોઈ અંગત લડાઈ નથી લડ્યો. મારી લડાઈ મુદ્દાઓની છે, પંજાબનો પોતાનો એક એજન્ડા છે. આ એજન્ડા સાથે હું મારા હક્ક-સત્યની લડાઈ લડતો રહ્યો છું, આ માટે કોઈ સમજૂતી જ નથી.'

વધુમાં જણાવ્યું હતું કે, 'મારા પિતાએ એક જ વાત શીખવાડી છે, જ્યાં પણ મુશ્કેલી સર્જાય ત્યારે સત્યની લડાઈ લડો. જ્યારે પણ હું જોઉં છું કે સત્ય સાથે સમજૂતી થઈ રહી છે, જ્યારે હું જોઉં છું કે જેમણે થોડા સમય પહેલા બાદલ સરકારને ક્લીન ચીટ આપી, બાળકો પર ગોળીઓ ચલાવી તેમને જ ન્યાયની જવાબદારી અપાઈ હતી. જેમણે ખુલીને બેલ (જામીન) આપ્યા, તે એડવોકેટ જનરલ છે.'

વીડિયો સંદેશામાં સિદ્ધુએ જણાવ્યું કે, 'ના હું હાઈકમાનને ગુમરાહ કરી શકું કે ના હું તેમને ગુમરાહ થવા દઈ શકું. પંજાબના લોકો માટે હું કોઈ પણ વસ્તુની કુરબાની આપીશ, પરંતુ મારા સિદ્ધાંતો પર લડીશ, કલંકિત નેતા, કલંકિત ઓફિસર્સની વાપસી કરીને એજ સિસ્ટમ ઉભી ન કરી શકાય.' વીડિયોના અંતમાં તેમણે કહ્યું હતું કે, સિદ્ધાંતો પર આંચ આવે તો અથડાવું જરૂરી છે, જીવતા હોવ તો જીવતા દેખાવ તે જરૂરી છે.