×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કર્મચારીઓને લોહરીની ભેટ : દેશના 5માં રાજ્યમાં ‘જુની પેન્શન યોજના’ લાગુ, કોંગ્રેસે પાળ્યુ વચન

શિમલા, તા.13 જાન્યુઆરી-2023, શુક્રવાર

હિમાચલ પ્રદેશના લોકોને લોહરીના તહેવાર પર મોટી ખુશખબરી મળી છે. અહીં જુની પેન્શન યોજના (OPS) લાગુ થવાની રાહ જોવાનો અંત આવ્યો છે. મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુક્ખૂએ વચન મુજબ પ્રથમ કેબિનેટની બેઠકમાં OPS લાગુ કરવાની મંજુરી આપી દીધી છે. ટ્વિટર પર જાહેરાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આજથી જ OPS અંગેનું નોટિફિકેશન જારી કરી દેવાશે. કોંગ્રેસ પક્ષે હિમાચલમાં સરકાર બનવાની સાથે જ OPS લાગુ કરવાનું વચન આપ્યું હતું. હિમાચલ પ્રદેશના લોકો કોંગ્રેસની જીત બાદ ‘જુની પેન્શન યોજના’ લાગુ થવાની રાહ જોઈ રહ્યા હતા.

મુખ્યમંત્રી સુક્ખૂએ ટ્વિટ કરી જાહેરાત કરી

મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ શુક્રવારે ટ્વિટર પર ઓપીએસ લાગુ થવાની જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે, કોંગ્રેસની વિચારધારા પ્રેમ, ભાઈચારા અને સત્યની મિસાલ છે. હું આજે લોહરીના શુભ અવસરે હિમાચલના કર્મચારીઓની લાંબા સમયથી પડતર માંગ OPSને લાગુ કરતા ખુબ જ ખુશી વ્યક્ત કરી રહ્યો છું મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, હિમાચલના વિકાસ માટે સરકાર સાથે ખભેથી ખભા મિલાવી કર્મચારીઓ સંપૂર્ણ યોગદાન આપશે.

OPS લાગુ કરનાર હિમાચલ પાંચમું રાજ્ય બન્યું

ઓપીએસ લાગુ થવાની જાહેરાત કરનાર હિમાચલ પ્રદેશ પાંચમું રાજ્ય બન્યું છે. સૌપ્રથમ છત્તીસગઢે ‘જુની પેન્શન યોજના’ને લાગુ કરી હતી. ત્યારબાદ ઝારખંડ, રાજસ્થાન અને પંજાબે પણ ‘જુની પેન્શન યોજના’ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. હિમાચલના સુક્ખૂ સરકારના નિર્ણયથી આશરે 1.36 લાખ કર્મચારીઓને ફાયદો થશે. સરકારી કર્મચારીઓ ‘જુની પેન્શન યોજના’ ફરી શરૂ કરવાની ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા.

રાજ્યમાં OPS 2003માં બંધ કરાઈ હતી

રાજ્યમાં કર્મચારીઓ માટે જુની પેન્શન યોજનાને વર્ષ 2003માં બંધ કરી દેવામાં આવી હતી. આ યોજનાને ફરી શરૂ કરવા રાજ્ય સરકારના કર્મચારીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા. તાજેતરમાં જ હિમાચલમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓએ વચન આપ્યું હતું કે, જો પક્ષ હિમાચલમાં સત્તા પર આવશે તો જુની પેન્શન યોજના ફરી શરૂ કરશે. આ મુદ્દાને કોંગ્રેસે ચૂંટણી મેનિફેસ્ટોમાં પણ મુખ્ય રીતે સામેલ કર્યું હતું.

આજથી જ OPSનો અમલ

કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી સુક્ખૂએ કહ્યું કે, આજે હિમચાલમાં યોજાનાર કેબિનેટની પ્રથમ બેઠકમાં કર્મચારીઓ માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસની સરકારે જુની પેન્શન યોજનાને ફરી મંજુરી આપી દીધી છે અને આ યોજનાના કર્મચારીઓને આજથી લાભ મળવાનું શરૂ થઈ જશે. સુક્ખૂએ કહ્યું કે, જે વચન આપ્યું તે પૂર્ણ કર્યું, અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. કેબિનેટે લોહરીના પર્વે OPSની ભેટ આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, OPSને લાગુ કરવાથી રાજ્ય સરકારના 1.36 લાખ કર્મચારીઓને લાભ મળશે.