×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કર્ણાટકમાં CMના નામ પર મંથન વચ્ચે નક્કી થયો શપથ ગ્રહણનો દિવસ, 18 મેએ યોજાશે સમારોહ

બેંગલુરુ, તા.14 મે-2023, રવિવાર

કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો બહુમતી સાથે વિજય થયા બાદ રાજ્યમાં મુખ્યમંત્રીની પસંદગી કરવા દોડધામ જોવા મળી રહી છે. હાલ બેંગ્લોરમાં ધારાસભ્યોની મહત્વની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી અંગે નિર્ણય લેવાશે. દરમિયાન સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 18 મેએ યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાન વિચારધારા ધરાવતા પક્ષોને પણ આમંત્રણ મોકલાશે. જો કે હાલમાં કોંગ્રેસ સામે સૌથી મોટો પડકાર મુખ્યમંત્રીની ચૂંટણીનો છે. પાર્ટીના નિવેદન મુજબ કર્ણાટકમાં આગામી મુખ્યમંત્રી કોણ હશે તેનો નિર્ણય નિરીક્ષકો તમામ ધારાસભ્યો સાથે વાત કર્યા બાદ જ લેવામાં આવશે.

CMની રેસમાં 2 ઉમેદવારો : ડી.કે.શિવકુમાર અને સિદ્ધારમૈયા

કોંગ્રેસ પ્રમુખ ખડગેએ કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્ય દળ (CLP)ના નેતાની પસંદગી કરવા માટે વરિષ્ઠ નેતાઓ સુશીલ કુમાર શિંદે, જીતેન્દ્ર સિંહ અને દીપક બાબરિયાને નિરીક્ષકો તરીકે નિમણૂક કરી છે. કોંગ્રેસ ધારાસભ્ય દળની મહત્વની બેઠકમાં નેતાની પસંદગી અંગે નિર્ણય લેવામાં આવશે. દરમિયાન મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ 2 ઉમેદવારો ડી.કે.શિવકુમાર અને સિદ્ધારમૈયાના સમર્થકોએ દબાણ કરવાનું શરૂ કરી દીધું છે. 

નેતાની પસંદગી કરવા કોંગ્રેસે 3 નિરીક્ષકોની કરી નિમણૂક

કર્ણાટકની રાજધાની બેંગલુરુની હોટલ સંગરીલામાં કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક ચાલી રહી છે. બીજી તરફ હોટલની બહાર શિવકુમારના સમર્થકો ડીકેની તસવીર સાથેના પોસ્ટર અને ઝંડા સાથે પહોંચી ગયા છે અને તેમને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે. તેઓ ‘અબકી બાર ડીકે સરકાર’ના નારા લગાવી રહ્યા હતા. 

શિવકુમારના પોસ્ટર-બેનર લઈને આવેલા સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા

બેંગલુરુની હોટલ સંગરીલામાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક ચાલી રહી છે. હોટલની બહાર ડી.કે.શિકુમારની તસવીર, પોસ્ટર અને ઝંડા સાથે પહોંચેલા સમર્થકોએ ડીકેને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે. તેઓ ‘અબકી બાર ડીકે સરકાર’ના નારા લગાવી રહ્યા હતા.