×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કર્ણાટકમાં હુમનાબાદથી PM મોદીએ શરૂ કર્યો પ્રચાર, ડબલ એન્જિન સરકાર જાળવી રાખવા કરી અપીલ

image : Twitter


કર્ણાટકમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. આવી સ્થિતિમાં રાજ્યમાં ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે.  પીએમ મોદી આજે કર્ણાટકમાં રોડ શો અને ચૂંટણી જનસભાને પણ સંબોધિત કરી રહ્યા છે. રાજ્યમાં પ્રચાર માટે હુમનાબાદમાં જાહેર સભામાં પીએમ મોદીએ કહ્યું કે, "આ કર્ણાટકને દેશમાં નંબર 1 રાજ્ય બનાવવાની ચૂંટણી છે. કોંગ્રેસ અને જેડીએસ ખેડૂતો વિરોધી છે. કર્ણાટકના લોકોને પીએમ મોદીએ કહ્યું કે પહેલા તમારી સાથે લોન માફીના નામે  છેતરપિંડી કરવામાં આવી હતી. એટલા માટે હવે રાજ્યમાં ડબલ એન્જિન સરકાર જરૂરી થઈ ગઈ છે."

પીએમએ કહ્યું - રાજ્યમાં ફરી એકવાર ભાજપની સરકાર બનશે 

પીએમ મોદીએ જનસભામાં કહ્યું કે કર્ણાટકની ચૂંટણી માત્ર પાંચ વર્ષ માટે સરકાર બનાવવા માટે નથી, પરંતુ તે રાજ્યને દેશમાં નંબર વન બનાવવા માટે પણ છે. કર્ણાટકને દેશનું નંબર વન રાજ્ય બનાવવા માટે રાજ્યમાં 'ડબલ એન્જિન' સરકાર યથાવત્ રહે તે જરૂરી છે. રાજ્યમાં 'ડબલ એન્જિન' સરકાર એટલે ડબલ સ્પીડ. કર્ણાટકમાં ફરી એકવાર ભાજપની સરકાર બનશે.

ફેબ્રુઆરીથી આ વર્ષે પીએમ મોદીની કર્ણાટકની આ નવમી મુલાકાત 

ફેબ્રુઆરીથી આ વર્ષે પીએમ મોદીની કર્ણાટકની આ નવમી મુલાકાત છે. રાજ્યમાં 10 મેના રોજ 224 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીના પરિણામો 13 મેના રોજ આવશે. હુમનાબાદ રેલી પછી, પીએમ મોદી વિજયપુરા જશે, જ્યાં તેઓ બપોરે 1 વાગ્યે બીજી જાહેર સભાને સંબોધિત કરશે. આ જાહેરસભાને સંબોધિત કર્યા બાદ તેઓ બેલાગવી જિલ્લાના કુડાચી જશે. પીએમ મોદી લગભગ પોણા બે વાગ્યે ત્યાં લોકોને સંબોધિત કરશે. બાદમાં પીએમ મોદી સાંજે બેંગ્લોર નોર્થમાં રોડ શો કરવા માટે રવાના થશે. બેંગલુરુમાં રાજભવનમાં રાત્રિના આરામ કર્યા પછી તેઓ જાહેર સભાઓ કરવા માટે રવિવારે સવારે કોલાર, રામનગર જિલ્લાના ચન્નાપટના અને હાસન જિલ્લાના બેલુર જશે. વડાપ્રધાન રવિવારે મૈસુરમાં રોડ શો પણ કરશે. કાર્યક્રમ બાદ તેઓ મૈસૂરથી દિલ્હી જવા રવાના થશે.