×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કર્ણાટકમાં મડાગાંઠ યથાવત્ : સિદ્ધારમૈયાને રાહુલ, શિવકુમારને સોનિયાનું સમર્થન


- સીએમપદ માટે દિલ્હીમાં બેઠકો અનિર્ણિત, આજે બેંગ્લુરુથી જાહેરાતની શક્યતા

- લિંગાયત ઉમેદવારને સીએમ નહીં બનાવાય તો 2024ની લોકસભા ચૂંટણીમાં જોઈ લેજો : કોંગ્રેસને કર્ણાટકમાં નવો પડકાર

નવી દિલ્હી : કર્ણાટકના ચૂંટણી પરિણામ આવ્યાને ત્રણ દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી મુખ્યમંત્રીપદ અંગે કોઈ નિર્ણય લઈ શકાયો નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે સીએમપદના દાવેદારો સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સાથે અલગ અલગ બેઠકો કરી હતી. પરંતુ આજે યોજાયેલી બેઠકો અનિર્ણિત રહી હતી. હાઈકમાન્ડ હજુ સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે નિર્ણય લઈ શકી નથી ત્યાં કોંગ્રેસના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવનારા લિંગાયત સમાજે તેમના ઉમેદવારને સીએમ બનાવવા નહીં તો ૨૦૨૪ની ચૂંટણીમાં જોઈ લેવાની ચેતવણી આપતા મડાગાંઠ વધુ ગુંચવાઈ ગઈ છે.

કોંગ્રેસે ચૂંટણી વિજયોના દુષ્કાળ વચ્ચે કર્ણાટકમાં વિધાસભના ચૂંટણી તો જીતી લીધી પરંતુ તે ત્રણ દિવસ થઈ જવા છતાં મુખ્યમંત્રીપદ અંગે કોઈ નિર્ણય લઈ શકાયો નથી. બેંગ્લુરુમાં રવિવારે સીએલપીની બેઠક પછી સીએમપદ અંગે દિલ્હીમાં નિર્ણય લેવાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીપદના બંને પ્રબળ દાવેદારો સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારને પણ દિલ્હી બોલાવાયા હતા.

સિદ્ધારમૈયા સોમવારે જ્યારે શિવકુમાર મંગળવારે દિલ્હી પહોંચ્યા હતા. બંને દિવસ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના આવાસ પર પક્ષના નેતાઓની બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો. જોકે, બંને પ્રબળ દાવેદારો અંગે ટોચના નેતાઓના મત અલગ અલગ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલ તેમજ કર્ણાટકના મહત્તમ ધારાસભ્યોનું સિદ્ધારમૈયાને સમર્થન છે જ્યારે પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધીનો ડીકે શિવકુમારને ટેકો છે. આથી ખડગે કોઈ નિર્ણય પર પહોંચી શક્યા નથી. તેઓ ફરી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે બેઠક કરશે અને બુધવારે બેંગ્લુરુથી મુખ્યમંત્રીપદના નામની જાહેરાત થાય તેવી સંભાવના છે.

દરમિયાન કર્ણાટકના પ્રદેશ કુરુબા સંઘે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે તેઓ બધા જ પછાત વર્ગોના લોકોની મદદ અને ઉત્થાન કરી શકે છે. તેમણે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવા કોંગ્રેસને મત આપ્યા છે. બીજીબાજુ ડીકે શિવકુમારને સોનિયા ગાંધી સાથે સારા સંબંધો છે અને મલ્લિકાર્જુન ખડગે પણ તેમની તરફેણમાં છે.

દરમિયાન કોંગ્રેસ હજુ સિદ્ધારમૈયા કે શિવકુમાર વચ્ચે પસંદગી કરી શકી નથી ત્યાં હાઈકમાન્ડ સામે નવો પડકાર આવ્યો છે. કોંગ્રેસના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવનારા લિંગાયત સમાજની સર્વોચ્ચ સંસ્થા અખીલ ભારતીય વીરશૈવ મહાસભાએ કહ્યું છે કે મુખ્યમંત્રી તેમના સમાજનો હોવો જોઈએ. કોંગ્રેસમાંથી ૩૪ લિંગાયત ધારાસભ્યો જીત્યા છે તેથી અમને તક મળવી જોઈએ. અમારા સમાજે ૫૦ બેઠકો પર હાર-જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે લિંગાયત નેતાને જ મુખ્યમંત્રી બનાવવા જોઈએ. વધુમાં કેબિનેટમાં પણ અમારા ધારાસભ્યોને યોગ્ય તક મળવી જોઈએ.