×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કર્ણાટકની કેબિનેટમાં કોને કરાશે સામેલ ? રાહુલ ગાંધીએ ખડગેને કહ્યું, ‘મુસ્લિમ, દલિત અને મહિલાઓનો કરો સમાવેશ’

બેંગાલુરુ, તા.19 મે-2023, શુક્રવાર

કર્ણાટકમાં શનિવારે મુખ્યમંત્રી પદે સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી પદે ડીકે શિવકુમારનો શપથગ્રહણ સમારોહ યોજાશે. સમારોહ માટે બેંગ્લોરમાં કાંટેરવા સ્ટેડિમને સંપૂર્ણ તૈયારી કરી દેવાયો છે. શપથગ્રહણની તૈયારીઓ વચ્ચે બંને નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા. દરમિયાન લાંબી મડાગાંઠના અંતે રાજ્યમાં મુખ્યમંત્રીના નામ પર મહોર મરાયા બાદ કોંગ્રેસ સામે વધુ એક પડકાર ઉભો થયો છે. આ નવો પડકાર નવી કેબિનેટની રચનાનો છે, જેના માટે ઘણા સમુદાયો માંગ ઉઠાવી રહ્યા છે.

નવી કેબિનેટ માટે રાહુલે ખડગે સાથે કરી ચર્ચા

સૂત્રોના જણાવ્યા અનુસાર નવી કેબિનેટની રચના અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ ખડગેને કહ્યું કે, કેબિનેટમાં તમામ વર્ગો, ખાસ કરીને મુસ્લિમ, દલિત, પછાત વર્ગ અને મહિલાઓને સ્થાન મળવ્યું જોઈએ, જેમણે કોંગ્રેસને મત આપ્યા છે.

સિદ્ધારમૈયા સામે પ્રથમ પડકાર ‘કેબિનેટમાં કોને સમાવવા’

કર્ણાટકના નવા નિયુક્ત મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે પ્રથમ પડકાર યોગ્ય સંતુલન સાથે કેબિનેટની રચના કરવાનો હશે, જે તમામ સમુદાયો, ધર્મો, વર્ગો અને જૂની અને નવી પેઢીના ધારાસભ્યોનું પ્રતિનિધિત્વ કરશે. કર્ણાટક કેબિનેટમાં મંત્રીઓની મંજૂર સંખ્યા 34 છે અને ઘણા ધારાસભ્યો મંત્રીપદની આશા રાખીને બેઠા છે.

કેબિનેટમાં સ્થાન મેળવવા આ સમુદાયોની માંગ

લિંગાયતના 39 ધારાસભ્યો, વોક્કાલિગાના 21, એસસીના 22, એસટીના 15, મુસ્લિમના 9 અને કુરુબાના 8 ધારાસભ્યો સહિત અન્ય લોકો કેબિનેટમાં મુખ્ય પદની માંગ કરી રહ્યા છે.

સંભવિત કેબિનેટ મંત્રીઓની યાદી

સૂત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બંને જૂથના ધારાસભ્યોને કર્ણાટક કેબિનેટમાં સ્થાન મળી શકે છે. કેબિનેટમાં 5 લિંગાયતો - લક્ષ્મણ સાવદી, એમબી પાટીલ, જગદીશ શેટ્ટાર, લક્ષ્મી હેબ્બાલકર, ઈશ્વર ખાંદ્રે, મુસ્લિમ સમુદાયના 2 - ઝમીર અહેમદ ખાન અને યુટી ખાદીર, એસસી સમુદાયના જી.પરમેશ્વર અને ઓબીસી નેતા બીકે હરિપ્રસાદ શપથ લે તેવી સંભાવના છે.

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ભવ્ય વિજય થયો હતો. કુલ 224 બેઠકોમાંથી કોંગ્રેસે 135 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપ અને ભૂતપૂર્વ PM એચડી દેવગૌડાની આગેવાની હેઠળના જનતા દળે (સેક્યુલર) 66 અને 19 બેઠકો જીતી હતી.