×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કરનાલ ખાતે યુવકે 5 લોકો પર ચઢાવી દીધી ગાડી, મહિલા સહિત 2ના મોત


- એક્સિડેન્ટ કર્યા બાદ યુવક ગાડી લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને પોલીસે આરોપી યુવક તથા તેના પિતા વિરૂદ્ધ હત્યાનો કેસ નોંધ્યો

નવી દિલ્હી, તા. 11 ઓક્ટોબર, 2021, સોમવાર

હરિયાણાના કરનાલ ખાતે એક માથાફરેલા યુવકે પોતાના પિતાની નજર સામે જ 5 લોકો પર ગાડી ચઢાવી દીધી હતી. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. યુવકે જે લોકોને ગાડી નીચે કચડવા પ્રયત્ન કરેલો તેમણે 'ગાડી સ્પિડમાં ચલાવવા અંગે' ફરિયાદ કરી હતી. આ કારણે નારાજ થયેલા માથાફરેલા યુવકે લગ્નની વિદાયના દિવસે જ 5 લોકો પર ગાડી ચઢાવી દીધી હતી. 

કરનાલના નીલોખેડી ખાતેનો આ બનાવ ખૂબ જ ચર્ચિત બન્યો છે. જાણવા મળ્યા મુજબ એક ઘરમાં લગ્ન પ્રસંગ હતો અને મહેમાનો આવેલા હતા. ઘરમાં ખૂબ જ ભીડભાડ હતી. ગામનો એક યુવક જેને પહેલા પણ અનેક વખત સ્પિડમાં ગાડી ન ચલાવવા માટે સમજાવવામાં આવેલો તે અનેક સમજાવટ છતાં ખૂબ જ સ્પિડમાં ગાડી ચલાવી રહ્યો હતો. 

લગ્નના દિવસે પણ તે યુવકને સમજાવવામાં આવેલો પરંતુ ત્યાર બાદ વાત શાંત પડી ગયેલી. લગ્ન બાદ સંબંધીઓ જ્યારે ઘરે જઈ રહ્યા હતા ત્યારે યુવકના પિતાને તેમનો દીકરો ખૂબ તેજ ગતિએ ગાડી ચલાવે છે તેવી ફરિયાદ કરવામાં આવેલી. આ કારણે નારાજ થયેલા યુવકે પોતાના પિતાની નજર સામે જ ઘરની બહાર ઉભેલા 5 લોકો પર ગાડી ચઢાવી દીધી હતી જેમાં એક મહિલા સહિત 2 લોકોના મોત થયા હતા. તે સિવાય 3 લોકો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે. 

એક્સિડેન્ટ કર્યા બાદ યુવક ગાડી લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી યુવક અને તેના પિતા વિરૂદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે. આ તરફ મૃતકોના પરિવારજનોના કહેવા પ્રમાણે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ પોસ્ટમોર્ટમ નહીં કરાવે.