×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કટ્ટરવાદ અને આતંકવાદ વિશ્વ માટે ઘાતકઃ એસસીઓ સમિટને મોદીનું સંબોધન




વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના સભ્ય દેશોના નેતાઓને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. એમાં પીએમ મોદીએ કટ્ટરવાદ અને આતંકવાદને વિશ્વ માટે ઘાતક ગણાવીને ઉમેર્યું હતું કે સભ્ય દેશોએ આતંકવાદ સામે સંગઠિત થઈને લડત આપવાની જરૃર છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે શાંતિ અને સલામતી સામે કટ્ટરતા સૌથી મોટો પડકાર છે. વડાપ્રધાન મોદીએ બધા સભ્ય દેશોને અપીલ કરી હતી કે આતંકવાદ સામે બધાએ એકઠાં થઈને મજબૂત લડત આપવાની જરૃર છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ઓનલાઈન હાજરી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું હતું કે આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશો સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ અને જરૃર પડયે પ્રતિબંધો મૂકવા જોઈએ.
અફઘાનિસ્તાનનો ઉલ્લેખ કરીને મોદીએ ઉમેર્યું હતું કે શાંતિ, સુરક્ષા અને દેશો વચ્ચે આંતરિક વિશ્વાસના અભાવ પાછળ કટ્ટરવાદ જવાબદાર છે. એસસીઓએ ઈસ્લામ સાથે જોડાયેલા ઉદારવાદ, સહિષ્ણુતા અને સર્વસમાવેશક પરંપરાને મજબૂત સંપર્ક વિકસિત કરવા ઉપર ભાર મૂકવો જોઈએ. ઈતિહાસ તરફ નજર કરીશું તો જણાશે કે મધ્ય એશિયાની સંસ્કૃતિ ઉદારવાદી અને સહિષ્ણુ હતી. સૂફીવાદ જેવી પરંપરાનો ઉદ્ભવ સદીઓ પહેલાં આવા દેશોમાં થયો હતો. એસસીઓ આ પરંપરાને લોકો સુધી પહોંચાડવામાં નિમિત્ત બને તે જરૃરી છે.
વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું હતું કે કટ્ટરવાદ સામે લડાઈ પ્રાદેશિક સુરક્ષા માટે તો જવાબદાર છે જ, પરંતુ એ સિવાય એસસીઓના સભ્ય દેશોના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે અને તેમના સર્વાંગી વિકાસ માટે પણ જરૃરી છે. જો આતંકવાદ અને કટ્ટરવાદની વર્તમાન સ્થિતિ છે એવી જ સ્થિતિ આગળ રહેશે તો સંગઠનના સભ્ય દેશોના કરોડો યુવાનોના માનસ ઉપર તેની અસર પડશે અને તે ભવિષ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
પીએમ મોદીએ ઉમેર્યું હતું કે ભારત મધ્ય એશિયાના દેશો સાથે વધારે ગાઢ સંબંધો વિકસાવવા માટે કટિબદ્ધ છે. ભારત દરેક દ્વિપક્ષીય પહેલ માટે કટિબદ્ધ છે.