×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કટ્ટરપંથીઓ સામે ઝુકી ઈમરાન ખાનની સરકાર, TLPના 860 એક્ટિવિસ્ટને જેલમાંથી છોડવામાં આવશે


- ટીએલપીના નિવેદન પ્રમાણે તેમનું પ્રદર્શન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી પાર્ટી પ્રમુખ સાદ રિઝવી સહિત સેંકડો કાર્યકરોને મુક્ત ન કરવામાં આવે

નવી દિલ્હી, તા. 03 નવેમ્બર, 2021, બુધવાર

પાકિસ્તાનમાં વ્યાપેલી હિંસા હવે અટકી શકે છે. ત્યાં કટ્ટરપંથી ઈસ્લામિક પાર્ટી તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (ટીએલપી) અને ઈમરાન સરકાર વચ્ચે એક સીક્રેટ ડીલ થઈ હોવાની વાત સામે આવી છે. તે અંતર્ગત મંગળવારે ટીએલપીના આશરે 860 કાર્યકરોને મુક્ત કરવામાં આવ્યા છે. તેના પહેલા ઈમરાન સરકાર અને ટીએલપી વચ્ચે થયેલી વાતચીત નિષ્ફળ રહી હતી. 

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગૃહ વિભાગે એક આદેશ જાહેર કરીને જણાવ્યું કે, ટીએલપીના આશરે 860 કાર્યકરોને છોડી દેવામાં આવ્યા છે. તેમને કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. તેમના વિરૂદ્ધ કોઈ કેસ દાખલ નહોતો કરવામાં આવ્યો. પાકિસ્તાને 2015માં બનેલી ટીએલપી પર પ્રતિબંધ લગાવી રાખેલો છે. ટીએલપી પોતાની પાર્ટીના પ્રમુખ સાદ રિઝવીની મુક્તિ અને ફ્રાંસના રાજદૂતને હાંકી કાઢવાની માગણી પર અડગ હતી. ગત વર્ષે નવેમ્બરમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોંએ ક્લાસમાં પૈગંબર મોહમ્મદનું કાર્ટુન બતાવવાને અભિવ્યક્તિની આઝાદી ગણાવ્યું હતું. ત્યારથી જ ટીએલપી દ્વારા પાકિસ્તાનમાંથી ફ્રાંસના રાજદૂતને હાંકી કાઢવાની માગણી થઈ રહી હતી. આ વર્ષે એપ્રિલ મહિનામાં આ માગણીને લઈ હિંસા પણ ભડકી ઉઠી હતી. ત્યાર બાદ ટીએલપીના પ્રમુખ સાદ રિઝવીને પોલીસે કસ્ટડીમાં લીધો હતો. 

ઈમરાન સરકારે ગત સપ્તાહે 350 કાર્યકરોને પણ મુક્ત કર્યા છે. ટીએલપીના હજારો કાર્યકરોને ભલે મુક્ત કરી દેવામાં આવ્યા હોય પરંતુ આ સંઘર્ષ પૂરો થાય તેની કોઈ જ શક્યતા નથી. ટીએલપીના નિવેદન પ્રમાણે તેમનું પ્રદર્શન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી પાર્ટી પ્રમુખ સાદ રિઝવી સહિત સેંકડો કાર્યકરોને મુક્ત ન કરવામાં આવે.