×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઔરંગાબાદમાં મોટી દુર્ઘટના: સિલિન્ડર બ્લાસ્ટ થતા પોલીસ જવાન સહિત 30થી વધુ લોકો દાઝ્યા


- મહિલાઓ છઠનો પ્રસાદ બનાવી રહી હતી ત્યારે સિલિન્ડરમાંથી ગેસ લીક થવાને કારણે ઘરમાં આગ લાગી હતી

ઔરંગાબાદ, તા. 29 ઓક્ટોબર 2022, શનિવાર

બિહારના ઔરંગાબાદમાં એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં 30થી વધુ લોકો દાઝી ગયા હતા. આટલું જ નહીં આગની જાણ થતાં પહોંચેલી પોલીસ ટીમના 7 જવાનો પણ દાઝી ગયા હતા. અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તમામ ઘાયલોને તાત્કાલિક સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હાલ ઘાયલોની સ્થિતિ જોખમની બહાર છે.


આ ઘટના ઔરંગાબાદના શાહગંજ વિસ્તારની છે જ્યાં અનિલ ગોસ્વામીના ઘરે મહિલાઓ છઠનો પ્રસાદ બનાવી રહી હતી ત્યારે સિલિન્ડરમાંથી ગેસ લીક ​​થવાને કારણે ઘરમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ આસપાસના લોકો પણ આગ ઓલવવા માટે પહોંચી ગયા હતા. આ દરમિયાન સૂચના મળતાં જ શહેર પોલીસ મથકની પેટ્રોલિંગ ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને પોલીસ કર્મચારીઓએ આગ ઓલવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. પરંતુ આ દરમિયાન સિલિન્ડર ફાટ્યો હતો જેના કારણે 7 પોલીસકર્મીઓ સહિત 30થી વધુ લોકો આગની લપેટમાં આવી ગયા હતા અને દાઝી ગયા હતા. 

હાલ ઘાયલોને સદર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જોકે, તેમાંથી 10ને સારી સારવાર માટે રેફર કરવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે આ તમામને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે અને તેમની સ્થિતિ સામાન્ય છે. બીજી તરફ જિલ્લા વહીવટીતંત્રે લોકોને આવા પ્રસંગોએ સાવચેત રહેવા વિનંતી કરી છે અને કહ્યું છે કે, સાવચેતી રાખવાથી આગજની જોખમોને ટાળી શકાય છે.