×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓવૈસીના નિવેદન મુદ્દે વીડી સાવરકરના પૌત્રએ કહ્યું- દેશમાં એક જ રાષ્ટ્રપિતા ન હોઈ શકે, હજારો કુરબાનીઓ ભૂલાવી દેવાઈ


- "વીર સાવરકરે માત્ર પોતાના માટે દયા અરજી નહોતી લખી પરંતુ તે દરમિયાન પોર્ટબ્લેયર જેલમાં બંધ તમામ કેદીઓ માટે તેમણે અંગ્રેજોને પત્ર લખ્યો હતો"

નવી દિલ્હી, તા. 14 ઓક્ટોબર, 2021, ગુરૂવાર

દેશમાં ફરી એક વખત વીર સાવરકર મુદ્દે વિવાદનો મધપૂડો છંછેડાયો છે. હકીકતે એક કાર્યક્રમ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, સાવરકરે મહાત્મા ગાંધીના કહેવાથી અંગ્રેજો સામે દયા અરજી લખેલી. આ મુદ્દે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ઈતિહાસને તોડી-મરોડીને રજૂ કરવાનો આરોપ લગાવ્યો હતો. ઓવૈસીએ જણાવ્યું હતું કે, જો આ જ રીતે ચાલતું રહ્યું તો એક દિવસ આ લોકો મહાત્મા ગાંધીને હટાવીને સાવરકરને રાષ્ટ્રપિતા બનાવી દેશે. 

ઓવૈસીના આ નિવેદન મુદ્દે વીર સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે જણાવ્યું કે, 'ભારત જેવા દેશનો એક જ રાષ્ટ્રપિતા ન હોઈ શકે. સ્વતંત્રતાની લડાઈમાં હજારો એવા છે જેને ભૂલાવી દેવામાં આવ્યા છે.' આ સાથે જ રંજીત સાવરકરે પોતાને 'રાષ્ટ્રપિતા'ની અવધારણા સ્વીકાર્ય નથી તથા કોઈ માગણી નથી કરી રહ્યું કે, વીર સાવરકરને 'રાષ્ટ્રપિતા' કહેવામાં આવે કારણ કે, આ અવધારણા સ્વયં સ્વીકાર્ય નથી તેમ કહ્યું હતું. 

રાજનાથ સિંહે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીના કહેવાથી જ જેલમાં બંધ સાવરકરે અંગ્રેજોને માફીનામુ લખ્યું હતું. સાવરકર મુદ્દે ખોટા તથ્યો ફેલાવવામાં આવ્યા. સાવરકર માટે એવું કહેવાય છે કે, તેમણે અનેક વખત અંગ્રેજોને દયા અરજી લખી પરંતુ સત્ય એ છે કે, ગાંધીજીના કહેવાથી જ સાવરકરે આ બધું કર્યું હતું. 

સાવરકરને રાષ્ટ્રપિતા બનાવવાના ઓવૈસીના નિવેદન મુદ્દે પલટવાર કરતા સંઘે કહ્યું હતું કે, 'ઓવૈસીની વિચારસરણી અમને નથી ખબર પરંતુ અમારા ત્યાં પિતા હોય છે, બનાવવામાં નથી આવતા.' આરએસએસના અખિલ ભારતીય ઈતિહાસ સંકલનના સંગઠન મંત્રી બાલમુકુંદે જણાવ્યું કે, ઓવૈસી કોઈ ઈતિહાસકાર નથી અને કોઈ તેમને ઈતિહાસકાર માનતું પણ નથી. તેમણે આ પ્રકારના વિષયોમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ. તેમને રાજનીતિ કરવી છે તો કરે. જેલમાં બંધ દરેક કેદી પાસે દયા અરજી દાખલ કરવાનો અધિકાર હોય છે. વીર સાવરકરે માત્ર પોતાના માટે દયા અરજી નહોતી લખી પરંતુ તે દરમિયાન પોર્ટબ્લેયર જેલમાં બંધ તમામ કેદીઓ માટે તેમણે અંગ્રેજોને પત્ર લખ્યો હતો.