×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓમિક્રોન વેરિએન્ટઃ સંક્રમિત થઈ ચુકેલા લોકો માટે જોખમ, WHOએ કહ્યું- વેક્સિનેશન બની શકે ઉપયોગી


- 'આપણે સમગ્ર વસ્તીને વેક્સિન લગાવવામાં જેટલો વધારે સમય લગાવીશું તેટલી વધારે ઝડપથી વાયરસ મ્યુટેટ થશે અને ફેલાશે'

નવી દિલ્હી, તા. 29 નવેમ્બર, 2021, સોમવાર

ઓમિક્રોન વેરિએન્ટના જોખમ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અહેવાલ પ્રમાણે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, કોરોનાનો આ નવો વેરિએન્ટ કેટલો સંક્રામક અને જોખમી છે. સાથે જ એ પણ નથી ખબર પડી કે, તેના લક્ષણો અત્યાર સુધી મળેલા વેરિએન્ટ કરતા અલગ છે કે નહીં. આ કારણે આ વેરિએન્ટના સંભવિત જોખમને ધ્યાનમાં રાખી સાવધાની વર્તવાની જરૂર છે, ડરવાની નહીં. 

વૈશ્વિક સંસ્થાના વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે વિશ્વના તમામ દેશો ઓમિક્રોન પર સંશોધન કરી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ) પણ તેમના સાથે મળીને કામ કરી રહ્યું છે. આ અધ્યયનો પૂરા થવામાં કેટલાક સપ્તાહનો સમય લાગશે. માટે જ્યાં સુધી તમામ વસ્તુઓ સ્પષ્ટ ન થઈ જાય ત્યાં સુધી એમ ન કહી શકાય કે, આ નવો વેરિએન્ટ કેટલો વધારે ખતરનાક અને સંક્રામક છે. 

ફક્ત યુવાનો પર પ્રારંભિક સંશોધન

વુના કહેવા પ્રમાણે તમામ વિશ્વવિદ્યાલયોમાં કરવામાં આવેલા પ્રારંભિક સંશોધનો યુવાનો પર કરવામાં આવ્યા છે. યુવાનોમાં પહેલેથી જ વધુ ગંભીર બીમારીઓ નથી હોતી માટે તે અંગેનો વિસ્તૃત રિપોર્ટ આવવામાં કેટલાક સપ્તાહનો સમય લાગી શકે છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે દક્ષિણ આફ્રિકામાં સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પરંતુ તેનું કારણ ઓમિક્રોન છે કે અન્ય કોઈ તે જાણવાનું હજુ બાકી છે. 

સંક્રમિત થઈ ચુકેલાઓને વધુ જોખમ

વુના કહેવા પ્રમાણે પ્રારંભિક પરિણામોથી જાણવા મળ્યું છે કે, જે લોકોને પહેલા કોરોના સંક્રમણ થઈ ચુક્યું છે તેમણે વધારે બચીને રહેવાની જરૂર છે. કારણ કે નવા વેરિએન્ટમાં ઝડપથી મ્યુટેશન થઈ રહ્યું છે અને તે કોરોના સંક્રમિત થઈ ચુકેલા લોકોમાં ઝડપથી ફેલાઈ શકે છે. તે સિવાય નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ પણ વધારે સાવધ રહેવાની જરૂર છે. 

વેક્સિનેશન જરૂરી

વુના ડીજીએ જણાવ્યું કે, આપણે સમગ્ર વસ્તીને વેક્સિન લગાવવામાં જેટલો વધારે સમય લગાવીશું તેટલી વધારે ઝડપથી વાયરસ મ્યુટેટ થશે અને ફેલાશે. આ કારણે વેક્સિનેશનની ઝડપ વધારવી ખૂબ જ જરૂરી છે. સૌને વેક્સિનના બંને ડોઝ મળી રહે તે ખૂબ જ જરૂરી છે.