×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓમિક્રોનથી સંક્રમિત એક વ્યક્તિ 20 લોકોને બનાવી શકે છે પોઝિટિવ, ડો. ત્રેહાને રજૂ કર્યું વાયરસનું ભયંકર ચિત્ર


- વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સેવાકર્મીઓને બુસ્ટર ડોઝ મળવો જોઈએ 

નવી દિલ્હી, તા. 3 ડિસેમ્બર, 2021, શુક્રવાર

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને ભારતમાં પણ પગપેસારો કરી દીધો છે અને કર્ણાટકમાં 2 લોકો આ વાયરસથી સંક્રમિત આવ્યા છે. ભારત સરકારે સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અનેક મહત્વના નિર્ણયો લીધા છે અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવાના નિર્ણયને પણ ટાળી દેવામાં આવ્યો છે. 

જોકે તમામ જરૂરી પ્રોટોકોલના પાલન બાદ પણ જોખમવાળા દેશો (જ્યાંના લોકો ઓમિક્રોનથી સંક્રમિત થઈ ચુક્યા છે)થી આવનારા મુસાફરોના કારણે સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેવામાં દેશના ચર્ચિત ડોક્ટર અને મેદાંતા હોસ્પિટલના સંસ્થાપક ડો. નરેશ ત્રેહાને ઓમિક્રોન વેરિએન્ટને લઈ અનેક મહત્વની જાણકારીઓ આપી છે અને લોકોને વાયરસથી સાવધ રહેવા જણાવ્યું છે. 

તેમના કહેવા પ્રમાણે ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત હોય તેવી એક વ્યક્તિ 18થી 20 લોકોને કોરોના પોઝિટિવ કરી શકે છે. ડોક્ટર ત્રેહાને આ માટેનું કારણ આપતા જણાવ્યું કે, ઓમિક્રોનની R નોટ વેલ્યુ અન્ય વેરિએન્ટની સરખામણીએ ઘણી વધારે છે. 

ડો. ત્રેહાને લોકોને કોરોનાના આ વેરિએન્ટથી સુરક્ષિત રહેવાની સલાહ આપતા કહ્યું કે, આપણા પાસે વેક્સિનેશન સિવાય અન્ય કોઈ જ વિકલ્પ નથી કારણ કે, તેનાથી ન્યૂનતમ સુરક્ષા બની રહેશે. તેમણે ઓમિક્રોન વેરિએન્ટને લઈ જણાવ્યું કે, આ વાયરસ અંગે જાણવા અને તેને રોકવા માટે તેના માટેના મહત્તમ ડેટાની આવશ્યકતા છે.

તેમના મતે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સેવાકર્મીઓને બુસ્ટર ડોઝ મળવો જોઈએ અને હાલ આપણા પાસે બાળકો માટે કશું જ નથી તેને લઈ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. તે સિવાય જસલોક હોસ્પિટલના ડો. રાજેશ પારિખના કહેવા પ્રમાણે ઓમિક્રોન વેરિએન્ટ 500 ટકા વધારે ઝડપથી ફેલાઈ શકે છે.