×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓપરેશન બ્લુ સ્ટારની 37મી વરસી, હરમંદિર સાહેબમાં ખાલિસ્તાનના ઝંડા દેખાયા, નારા લાગ્યા

નવી દિલ્હી,તા.6 જૂન 2021,રવિવાર

પંજાબમાં અલગાવવાદનુ ભૂત ફરી ધૂણી રહ્યુ છે. તાજેતરમાં ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાન તરફી તત્વો પણ નજરે પડ્યા હતા અને હવે ઓપરેશન બ્લુ સ્ટારની 37મી વરસી પર હરમંદિર સાહેબમાં ખાલિસ્તાનના ઝંડા અને અલગાવવાદી જરનૈલ સિંહ ભિન્દરાનવાલેના પોસ્ટ પણ નજરે પડ્યા હતા.

દરમિયાન શ્રી અકાલ તખ્ત સાહેબના જથ્થેદાર જ્ઞાની હરપ્રીત સિંહે એક સંદેશ વાંચ્યો હતો. આ પહેલા થયેલી અરદાસમાં ભિન્દરાનવાલે, બાબા ઠારા સિંહ અને જરનૈલ સુબેગ સિંહને કોમના શહીદ જાહેર કરાયા હતા. આ દરમિયાન લાલ કિલ્લા પર ખાલિસ્તાનનો ઝંડો ફરકાવવાની ઘટનાનો મુખ્ય આરોપી દિપ સિધ્ધુ પણ નજરે પડ્યો હતો.

એ પછી સરકારે સમગ્ર અમૃતસરમાં સુરક્ષા વધારી દીધી છે. શ્રી અકાલ તખ્ત સાહેબના જથ્થેદાર જ્ઞાની હરપ્રીત સિંહે પોતાના સંદેશામાં કહ્યુ હતુ કે, 37 વર્ષ પહેલા ભારતની સેનાએ પાકિસ્તાન અને ચીનની જેમ શ્રી હરમંદિર સાહેબ પર ટેન્કો અને તોપો વડે હુમલો કર્યો હતો અને વિજેતા સેનાની જેમ શિખો સાથે વ્યવહાર કર્યો હતો.

આ હુમલા શિખ કોમની પીઠ પર પડેલો એવો ઘા છે જે સતત દર્દ આપી રહ્યો છે અને દર વર્ષે આપણે ખાલિસ્તાન ઝિંદાબાદ કહીને આ દર્દ ઓછુ કરવાનો પ્રયત્ન કરીએ છે. આપણને ખબર છે કે આની દવા શું છે અને કેવી રીતે મેળવવાની છે. 37 વર્ષ પહેલા અકાલ તખ્ત સાહેબ અને દેશના વિવિધ 37 ગુરુદ્વારા પર થયેલા હુમલામાં શિખો શહીદ થયા હતા.

અન્ય એક આગેવાને પણ કહ્યુ હતુ કે, 1984માં જે હુમલો થયો હતો તેના પર લોકતંત્રનો બુરખો પહેરાવવામાં આવ્યો હતો. અકાલી દળ અને કોંગ્રેસ એક બીજા સાથે મળેલા છે અને બંને એક બીજાને બચાવવાની કોશીશ કરી રહ્યા છે.

લાલ કિલ્લા પર ઝંડો ફરકાવનાર દિપ સિંહ સિધ્ધુએ મીડિયાને કહ્યુ હતુ કે, 37 વર્ષ પહેલા ઓપરેશન બ્લુ સ્ટારના નામે નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. હવે આ બધુ સામે આવી રહ્યુ છે. જો ખેડૂત આંદોલન કરીને અમે અમારા હક માટે નારો લગાવીએ છે તો અમારા પર દેશદ્રોહીનુ લેબલ મારવામાં આવે છે. એવી રાજકીય સિસ્ટમ બની ચુકી છે જેના કારણે ક્યારેય તમને ન્યાય નહીં મળી શકે.