×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓનલાઇન પરીક્ષા કૌભાંડમાં ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યાનું ખુલ્યું

અમદાવાદ, બુધવાર

 દ્વારા અમેરિકા સ્ટુડન્ડ વિઝા પર જવા માટે ગ્રેજ્યુએશન  રેકોર્ડ એક્ઝામ પાસ કરાવી દેવાના   કૌભાંડને પર્દાફાશ કરીને અમદાવાદ સાયબર ક્રાઇમના અધિકારીઓએ  અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેમાં ઝડપાયેલી ગેંગના સાગરિતો દ્વારા સુરતની હોટલમાં ઓનલાઇન પરીક્ષાનું સેટઅપ ગોઠવીને લેપટોપની કી બોર્ડ  અને માઉસને બ્લુટુથથી કનેક્ટ કરીને  પરીક્ષાર્થીના બદલે અન્ય વ્યક્તિ પાસે પ્રશ્નોના જવાબ ટાઇપ કરાવીને પરીક્ષાર્થીઓને પાસ કરાવવાનું કૌભાંડ ચલાવવામાં આવતું હતું.   પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી ૪૦૦ જેટલા  વિદ્યાર્થીઓને જીઆરઇ , ટોફેલ, આઇઇએલટીએસ અને પીટીઇની પરીક્ષા આપીને પાસ કરાવાયા હતા.  આ કૌઁભાંડમાં હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતા સાયબર ક્રાઇમના અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.અમદાવાદના ઇસનપુરમાં રહેતા એક  વિદ્યાર્થીને  વધુ અભ્યાસ માટે અમેરિકા જવાનું હોવાથી તેણે ગ્રેજયુએશન રેકોર્ડ એક્ઝામ પાસ કરવી જરૂરી હતી. જેથી તેણે ઓનલાઇન તપાસ કરતા સુરતમાં આવેલી વોઇસ ઇમીગ્રેશન  ઇન્ડિયા નામની ઓફિસનું સરનામું અને ફોન નંબર મળ્યા હતા. જેમાં સુરતના વરાછામાં ઇમીગ્રેશનની ઓફિસ ધરાવાત  સાગર હિરાણીએ તેને પરીક્ષા ઓનલાઇન પાસ કરાવી દેવાની ખાતરી આપીને રજીસ્ટ્રેશનના ૧૯ હજાર લઇને પરીક્ષા સમયે ૫૦ હજાર રૂપિયા આપવાનું કહીને ફોર્મ ભરાવ્યું હતું.  જેમાં આ પરીક્ષા ઓનલાઇન હોવાથી તેમાં એટ હોમના વિકલ્પને પસંદ કર્યો હતો. જો કે સાગર હિરાણીએ તેને સુરતની હોટલમાં પરીક્ષાનું આપવાનું કહેતા યુવકને શંકા ગઇ હતી અને તેણે સાયબર ક્રાઇમ અમદાવાદમાં જાણ કરી હતી. જેના આધારે વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે સુરતના વરાછામાં આવેલી હોટલમાં ગયો ત્યારે પોલીસે તપાસ કરતા ઓનલાઇન પરીક્ષા પાસ કરવાનું ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ ઝડપાયું હતું. જે અંગે પોલીસે મહેશ્વરી ચેરલાસાગર હિરાણી અને ચંદ્રશેખર કરલપુડીની ધરપકડ કરીને પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો.

જેમાં જાણવા મળ્યું હતું કે  સાગર હિરાણી વરાછામાં ઇમીગ્રેશનની ઓફિસ ધરાવતો હતો. જે  પરીક્ષા માટે લીડ મળે તેને પાસ કરાવી આપવાનું કહીને ડીલ નક્કી કરતો હતો. જેમાં તેને વિદ્યાર્થી દીઠ ૧૫ હજાર રૂપિયાનું કમિશન મળતું હતું.જ્યારે  ચંદ્રશેખર  વિદેશમાં જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરાવવા માટે હોટલમાં પરીક્ષાનું સેટઅપ ગોઠવી આપતો હતો અને તેના ડમી માણસો ઓનલાઇન પરીક્ષા આપીને વિદ્યાર્થીઓને પાસ કરાવતા હતા.  અત્યાર સુધીમાં તેણે ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરાવી હતી. આ માટે તે એજન્ટોનું સૌથી મોટું નેટવર્ક પણ ધરાવતો હતો. જ્યારે મહેશ્વરી  ચેરલા હોટલમાં પરીક્ષાના સેટઅપમાં લેપટોપ સાથે કી બોર્ડ અને માઉસ કનેક્ટ કરીને ઓનલાઇન પેપરનો ફોટો પાડીને વોટ્સએપથી મોકલીને જવાબ મેળવીને જવાબ ટાઇપ કરતો હતો.  તે દિવસમાં ત્રણ પરીક્ષાઓ આપતો હતો. આમ, આ કૌભાંડમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.  જેના આધારે સાયબર ક્રાઇમ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.