×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓડિશાઃ કેન્દ્રીય મંત્રીએ રૂમ બંધ કરીને અધિકારીઓ સાથે મારપીટ કરી, એકનો હાથ તૂટ્યો, હોસ્પિટલમાં દાખલ


- બે સરકારી અધિકારીઓએ કેન્દ્રીય મંત્રી વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદના આધાર પર બારીપદા ટાઉન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની વિવિધ કલમો અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો

નવી દિલ્હી, તા. 22 જાન્યુઆરી, 2022, શનિવાર

એક સરકારી અધિકારીએ કેન્દ્રીય મંત્રી વિશ્વેશ્વર ટુડુ પર એવો આરોપ લગાવ્યો છે કે, સમીક્ષા બેઠક દરમિયાન તેમણે તેમના પર હુમલો કરી દીધો અને માર મારીને તેમનો હાથ તોડી નાખ્યો. અધિકારીના હાથે પાટો બાંધવો પડ્યો છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

આ ઘટના કેન્દ્રીય મંત્રી વિશ્વેશ્વર ટુડુના ગૃહનગર ઓડિશાના બારીપદા ખાતેની છે. વિશ્વેશ્વર ટુડુ કેન્દ્રમાં આદિવાસી મામલાઓના અને જળશક્તિ રાજ્ય મંત્રી છે. વિશ્વેશ્વર ટુડુ મયૂરભંજ ખાતેથી ભાજપના સાંસદ છે અને ગત વર્ષે જુલાઈમાં કેબિનેટ પુનર્ગઠન દરમિયાન વડાપ્રધાન મોદીએ તેમને રાજ્ય મંત્રી બનાવ્યા હતા. 

કેન્દ્રીય મંત્રીએ પોતાની ઓફિસમાં એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ એન્ડ મોનિટરીંગ યુનિટના નાયબ નિયામક અશ્વિની કુમાર મલિક અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર દેબાશીષ મહાપાત્રાને બોલાવવામાં આવ્યા હતા. આ ઘટના શુક્રવારની છે. 

રીવ્યુ મીટિંગ દરમિયાન મંત્રી ઉશ્કેરાયા

પીડિતોના કહેવા પ્રમાણે રીવ્યુ મીટિંગ દરમિયાન કોઈ વાતને લઈ મંત્રી ખૂબ જ ઉગ્ર થઈ ગયા હતા અને તેમણે દરવાજો અંદરથી બંધ કરીને બંને અધિકારીઓ પર ખુરશી વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં દેબાશીષ મહાપાત્રાનો હાથ તૂટી ગયો છે જ્યારે અશ્વિની કુમાર મલિકને ઈજાઓ પહોંચી છે. બંને અધિકારીઓને બારીપદાની પીઆરએમ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. 

એક વરિષ્ઠ પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે બે સરકારી અધિકારીઓએ કેન્દ્રીય મંત્રી વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદના આધાર પર બારીપદા ટાઉન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની વિવિધ કલમો અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

દેબાશીષ મહાપાત્રના કહેવા પ્રમાણે 'મંત્રી પહેલા અમને એમ કહીને વઢ્યા કે અમે પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું છે. અમે તેમને સમજાવવા પ્રયત્ન કર્યો કે, જો આદર્શ આચારસંહિતાના સમયે અમે ફાઈલો સાથે તેમના કાર્યાલયમાં જાત તો તે અનુચિત ગણાત. પરંતુ તેમણે નારાજ થઈને મારપીટ શરૂ કરી દીધી.'

આ તરફ કેન્દ્રીય મંત્રીના કહેવા પ્રમાણે પંચાયતની ચૂંટણી પહેલા તેમની છબિ ખરડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને આ આરોપો ખોટા અને પાયાવિહોણા છે.