×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓછા મતદાનથી પાટીલની ચિંતા વધી, ચૂંટણી પરિણામ પહેલા તાબડતોબ કરી આ કાર્યવાહી

અમદાવાદ, 6 ડિસેમ્બર 2022, મંગળવાર

ગુજરાતમાં મતદાન પૂર્ણ થયું છે અને આઠમી ડિસેમ્બરે પરિણામ આવશે. ત્યારે મતદાન બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલમાં ભાજપ બહુમત તરફ આગળ હોવાનું તારણ રજુ કરવામાં આવ્યું હતું. પરંતુ ગુજરાતમાં આ વખતે સરેરાશ 64 ટકા જેટલું મતદાન થયું હોવાથી ત્રણેય પક્ષોમાં ચિંતા છે. એક્ઝિટ પોલમાં ભલે ભાજપને બહુમત મળી રહ્યો હોય પણ ઓછા મતદાનને લઈને પક્ષમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એક બેઠક બોલાવી હતી. જેમાં જિલ્લાઓના પ્રમુખો સાથે ચર્ચાઓ કરી હતી. પાટીલે જિલ્લાવાર થયેલા ઓછા મતદાનને લઈને સમીક્ષા કરી હતી. હવે પરિણામમાં શું થાય છે એના પર નેતાઓની નજર જામેલી છે. બીજી બાજુ ભાજપમાં ઉકળતો ચરૂ હોવાનું પણ સામે આવ્યું છે. 

ગુજરાતમાં 2017 કરતાં 4 ટકા ઓછું મતદાન
બંને તબક્કામાં થયેલા કુલ મતદાનના ફાઈનલ આંકડા ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કામાં કુલ 64.30 ટકા મતદાન નોંધાયું છે. જે ગત ચૂંટણી કરતા 4 ટકા ઓછું છે. ગુજરાતમાં 2017માં બંને તબક્કામાં કુલ 68 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, રાજ્યમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં નોંધાયું છે. નર્મદા જિલ્લામાં કુલ 78.42 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન બોટાદ જિલ્લામાં નોંધાયું છે. બોટાદ જિલ્લામાં 57.59 ટકા મતદાન નોંધાયું છે. 

જસદણ બેઠક પર ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ
જસદણમાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના નેતાએ જ જસદણ બેઠક પરથી કુંવરજી બાવળીયાને હરાવવા માટે કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કર્યો છે. આ બાબતની એક ઓડિયો ક્લીપ વાઈરલ થતાં જ ભાજપમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. કુંવરજી બાવળીયાએ આ અંગે કહ્યું હતું કે, ઓડિયો સાબિત કરે છે કે ગજેન્દ્ર રામાણીએ ચૂંટણી દરમિયાન મારા વિરુદ્ધ  કામ કર્યું છે. જસદણ પંથકની એક ઓડિયોક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં જસદણમાં ભાજપ નેતા ગજેન્દ્ર રામાણી ખુદ કોંગી ઉમેદવાર ભોળા ગોહેલને સમર્થન આપતા હોવાની વાત કરે છે તથા ઓડિયોક્લિપમાં 'જય ભોળાનાથ' કોડવર્ડ સાથે ભાજપનાં ઉમેદવાર કુંવરજી બાવળીયાને હરાવવાની વાત પણ કરે છે.આ મામલે કુંવરજી બાવળીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, આ ટોળકી પહેલેથી જ પાર્ટી વિરુદ્ધનું કામ કરે છે.અને તેમાં ભરત બોઘરા પણ સામેલ છે. હવે કમલમમાં ફરિયાદ થશે.

CM ભૂપેન્દ્ર પટેલ અંબાજી પહોંચ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ પહેલાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી પહોંચીને માતાજીના આશિર્વાદ મેળવ્યા હતાં.મંદિર ટ્રસ્ટે કુમકુમ તિલક કરી ખેસ પહેરાવી સીએમનું સ્વાગત કર્યું હતું. પોતાના પત્ની અને પરિવાર સાથે માં અંબાના દ્વારે પહોંચેલા સીએમ એ દર્શન કરીને ભાજપની જીતની પ્રાર્થના કરી હતી.અંબાજી મંદિરે ભુપેન્દ્ર પટેલે પરિવાર સાથે માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી અને માંના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા, ભટ્ટજી મહારાજ દ્વારા તેમને રક્ષા પોટલી બાંધી અને આશીર્વાદ આપ્યા હતા. માતાજીના શિખરે ધજા રોહણ કરી ધન્યતા અનુભવી હતી. ભટ્ટજી મહારાજે ભૂપેન્દ્ર પટેલને ચૂંદડી ઓઢાડી સ્મુર્તિ ચિન્હ અર્પણ કર્યું હતું.