×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓગસ્ટમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 12.41%, 11 મહિનાના તળિયે

અમદાવાદ,તા.14 સપ્ટેમ્બર 2022,બુધવાર

રિટેલ ફુગાવાના મોરચે સામાન્ય કપરી સ્થિતિ બાદ આજે આવેલ ઓગસ્ટ માસના જથ્થાબંધ ફુગાવાના આંકડા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને સરકાર માટે સારા સમાચાર લાવ્યા છે. ઓગસ્ટ માસમાં જથ્થાબંધ ફુગાવો 11 મહિનાના તળિયે પહોંચ્યો છે.

મંગળવારે મોડી સાંજે આવેલ અમેરિકાના મોંઘવારીના આંકડાએ સૌને ચોંકાવી દીધા છે. ફેડના અથાગ પ્રયાસ છતા મોંઘવારી અનુમાન કરતા વધુ રહી છે અને અમેરિકન શેરબજારની સાથે વૈશ્વિક બજારમાં ભારે તારાજી સર્જાઈ હતી. જોકે ભારતમાં વૈશ્વિક મોંઘવારી અને કટોકટીની અસર નહિવત રહેવાની આશાએ અને ફુગાવના આંકડા એકંદરે સારા રહેતા શેરબજારમાં પણ શાનદાર રિકવરી જોવા મળી છે.

ઓગસ્ટ માસનો જથ્થાબંધ મોંઘવારી સૂચકાંક (WPI) 12.41 ટકાના દરે જોવા મળ્યો હતો, જે છેલ્લા 11 મહિનાનું સૌથી નીચલું સ્તર છે. જુલાઈ મહિનામાં જથ્થાબંધ ફુગાવો 13.93 ટકા હતો, જ્યારે ઓગસ્ટ 2021માં તે 11.64 ટકા હતો.

જોકે ઓગસ્ટ 2022માં જથ્થાબંધ ફુગાવો સતત 17મા મહિને 10 ટકાથી ઉપર રહ્યો હતો. ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો ધારણા કરતા ઓછો રહ્યો છે. અંદાજ હતો કે ઓગસ્ટ 2022માં જથ્થાબંધ ફુગાવો 13 ટકા પર રહી શકે છે.

માસિક આધારે ઓગસ્ટમાં ખાદ્ય ચીજોની જથ્થાબંધ મોંઘવારી 9.41 ટકાથી વધીને 9.93 ટકા થઈ ગઈ છે. પ્રાઈમરી આર્ટિકલ્સનો જથ્થાબંધ મોંઘવારી દર જુલાઈમાં 15.04 ટકાથી ઘટીને 14.93 ટકા પર આવી ગયો છે. શાકભાજીનો જથ્થાબંધ મોંઘવારી દર 18.25 ટકાથી વધીને 22.3 ટકા થયો છે

આ સિવાય ફ્યુઅલ અને પાવરનો WPI 43.75 ટકાથી ઘટીને 33.67 ટકા થયો છે. મેન્યુફેક્ચરિંગમાં WPI મોંઘવારી 8.16 ટકાથી ઘટીને 7.51 ટકા પર આવી ગયો છે. ઓગસ્ટ બટાકાનો જથ્થાબંધ મોંઘવારી દર જુલાઈમાં 53.50 ટકાથી ઘટીને 43.56 ટકા, ડુંગળીનો મોંઘવારી દર -25.93 ટકાથી ઘટીને -24.76 ટકા, ઇંડા, માંસ અને માછલીનો WPI જુલાઈમાં 5.55 ટકાથી વધીને 7.88 ટકા રહ્યો છે.

MoM આધાર પર ઓગસ્ટમાં કોમોડિટીઝ ઇન્ડેક્સ 0.5 ટકા ઘટ્યો છે. મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ ઇન્ડેક્સમાં 0.1 ટકાનો નજીવો વધારો જોવા મળ્યો હતો અને ફૂડ ઇન્ડેક્સ પણ 0.9 ટકા વધ્યો છે.

સરકારી આધિકારીક આંકડા અનુસાર કોર WPI જુલાઈના 8.3 ટકાની સામે ઓગસ્ટમાં 7.8 ટકા હતો.

વધુ વાંચો : ત્રણ મહિના બાદ ફરી મોંઘવારીમાં વધારો : ઓગસ્ટમાં રિટેલ ફુગાવો 7%, IIP ઘટ્યો