×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓક્સિજન સપ્લાયમાં અવરોધો ઊભા કરનારાને ફાંસીએ લટકાવીશું : દિલ્હી હાઈકોર્ટ


- દિલ્હીમાં ઓક્સિજનની અછતથી દિલ્હી હાઈકોર્ટ ખફા

- દિલ્હીની એક જ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 25નાં મોત થયા પછી સ્થિતિ બેકાબુ

નવી દિલ્હી: દિલ્હીમાં સતત પાંચમા દિવસે  પણ ઓક્સિજનની અછત વરતાઈ રહી  છે. બીજી તરફ ઓક્સિજન સપ્લાયને લઈને દિલ્હી હાઈકોર્ટ ખફા છે.

જીવન જીવવાનો માણસનો મૌલિક અને બંધારણીય અધિકાર છે, એમાં વિઘ્ન લાવવું તે ગુનાઈત કૃત્ય છે 

હાઈકોર્ટે કદાચ અભૂતપૂર્વ કહી શકાય તેવી ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે શનિવારે કહ્યુ હતું કે, જો કેન્દ્ર, રાજ્ય કે સ્થાનિક તંત્રનો કોઈ અધિકારી ઓક્સિજન સપ્લાયમાં અડચણ ઉભી કરી હશે તો તેને અમે લટકાવી દઈશું.

જીવન જીવવાનો માણસનો મૌલિક અને બંધારણીય અધિકાર છે. એમાં વિધ્ન લાવવું તે ગુનાઈત કૃત્ય છે અને એવા ગુનેગારોને માફી આપી શકાય નહીં - એવું ઐતિહાસિક નિરીક્ષણ દિલ્હી હાઈકોર્ટે રજૂ કર્યું હતું.

દિલ્હીની એક હોસ્પિટલે ઓક્સિજન સપ્લાય માટે કરેલી પિટિશનની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.કોર્ટે દિલ્હી સરકારને કહ્યુ હતું ઃ અમને કહો કે કોણ ઓક્સિજનના સપ્લાયમાં વિઘ્ન ઉભુ કરી રહ્યુ છે...એ વ્યક્તિને અમે લટકાવી દઈશું. અમે કોઈને છોડવાના નથી. જો આવા કોઈ સ્થાનિક અધિકારીઓ હોય તો તે અંગે કેન્દ્રને પણ જાણ કરો. જેથી કેન્દ્ર તેની સામે કાર્યવાહી કરી શકે. નાનામાં નાનો અધિકારી હશે કે મોટામાં મોટો અધિકારી હશે, કોઈને છોડવામાં આવશે નહીં.

જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ રેખા પલ્લીની બેંચે કોરોનાની આવી સ્થિતિમાં ઓક્સિજનની અછતના મુદ્દાને ખૂબ જ ગંભીર ગણાવ્યો હતો.

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને જવાબ પૂછ્યો હતો કે હજું સુધી ઓક્સિજનની અછત કેમ દૂર થઈ નથી? આગામી આયોજન શું છે? 

ઉલ્લેખનીય છે કે અગાઉ દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢીને કહ્યું હતું કે આખો દેશ અત્યારે રામભરોસે ચાલી રહ્યો છે, સરકાર પાસે કોઈ જ આયોજન નથી.

ઓક્સિજનના કારણે દિલ્હીમાં હાહાકાર મચી ગયો  છે. ઓક્સિજનની અછતના કારણે શુક્રવારે સાંજે દિલ્હીની વધુ એક હોસ્પિટલના ૨૫ દર્દીઓ મોતને ભેટયા હતા. ઓક્સિજન સપ્લાયની અછત હજી પણ યથાવત છે અને સેંકડો દર્દીઓ પર મોતનો ખતરો મંડરાઈ રહ્યો છે.

દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં જ ૫૦૦ કરતા વધારે દર્દીઓ હાલમાં ઓક્સિજન સપોર્ટ પર છે. દિલ્હીની એક પછી એક હોસ્પિટલો ઓક્સિજન માટે સરકારની મદદ માંગી રહી છે. સરોજ હોસ્પિટલે નવા દર્દીઓી ભરતી બંધ કરી દીધી છે.કારણ કે ઓક્સિજનની કમી છે. મહારાજા અગ્રસેન હોસ્પિટલે અરજી કરી હતી, તેના સંદર્ભમાં આ સુનાવણી થઈ હતી.