×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓક્સિજનના અભાવે કોરોના દર્દીના મોત નરસંહાર સમાન : હાઈકોર્ટ


- અલ્હાબાદ હાઈકોર્ટે યોગી સરકારની અને દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રની ઝાટકણી કાઢી

- ઓક્સિજનનું વિતરણ તમારા કરતાં આઈઆઈટી-આઈઆઈએમ સારી રીતે કરશે તેમને હેન્ડઓવર કરી દો : દિલ્હી હાઈકોર્ટ

- નાગરિકો સોશિયલ મીડિયા પર ઓક્સિજનની ભીખ માગી રહ્યા છે અને તંત્ર તેમને પરેશાન કરી રહ્યું છે : અલ્હાબાદ હાઈકોર્ટ

અલ્હાબાદ/નવી દિલ્હી : કોરોના મહામારીની બીજી લહેરના કારણે દેશભરમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને ઓક્સિજન, દવાઓ, હોસ્પિટલમાં બેડની અછત સહિત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભાંગી ગયું છે ત્યારે અલ્હાબાદ હાઈકોર્ટે બુધવારે યોગી સરકારની  જ્યારે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રની ઝાટકણી કાઢી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે ત્યાં સુધી કહી દીધું કે ઓક્સિજનના અભાવે કોરોના દર્દીઓના થઈ રહેલા મોત નરસંહાર સમાન છે જ્યારે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રને કહ્યું કે ઓક્સિજનનું વિતરણ તમારા કરતાં આઈઆઈટી અને આઈઆઈએમ સારી રીતે કરી શકશે. તમારે તેમને હેન્ડઓવર કરી દો. સુપ્રીમે પણ દિલ્હીને ઓક્સિજન પૂરો પાડવા મુદ્દે કેન્દ્રની ટીકા કરી હતી.

અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે હોસ્પિટલોમાં ઓક્સિજનના અભાવે કોરોના દર્દીઓના મોત ગૂનાઈત કૃત્ય અને નરસંહાર સમાન છે તેમ અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર અને રાજ્યની ઓથોરિટીઝની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું. ન્યાયાધીશ અજિત કુમાર અને સિદ્ધાર્થ વર્માની બેન્ચે સોશિયલ મીડિયા રિપોર્ટ્સના આધારે મેરઠ અને લખનઉની હોસ્પિટલોમાં ઓક્સિજનના અભાવે મોતની ઘટનાઓની તપાસનો આદેશ આપ્યો છે. બેન્ચે કહ્યું કે, અમને એ જોઈને દુખ થઈ રહ્યું છે કે હોસ્પિટલોને ઓક્સિજનનો પૂરવઠો ન મળવાથી કોરોનાના દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે. વર્તમાન સમયમાં વિજ્ઞાાન એટલું આગળ નિકળી ગયું છે કે હૃદયનું પ્રત્યારોપણ અને મગજની સર્જરી થઈ રહી છે. એવામાં આપણે પોતાના લોકોને આમ કેવી રીતે મરવા દઈ શકીએ.

કોર્ટે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી સ્ટોરીઝમાં ગરીબ નાગરિક પોતાના આપ્તજનોને બચાવવા માટે ઓક્સિજન સિલિન્ડરની ભીખ માગી રહ્યા છે જ્યારે જિલ્લા અને પોલીસ તંત્ર આવા લોકોને પરેશાન કરી રહ્યું છે. સરકાર દ્વારા જપ્ત કરવામાં આવેલા ગેરકાયદે ઓક્સિજન સિલિન્ડર, રેમડેસિવિર ઈન્જેક્શન-દવાઓ અને ઓક્સીમીટર ગોદામોમાં રાખી મૂકવાના સંદર્ભમાં હાઈકોર્ટે કહ્યું કે આ વસ્તુઓને ગોદામોમાં મૂકી રાખવા કોઈપણ રીતે જનહિતમાં નથી, કારણ કે ત્યાં આ બધી વસ્તુઓ ખરાબ થઈ જશે.

દરમિયાન દિલ્હીમાં ઓક્સિજનના અપૂરતા પૂરવઠા મુદ્દે દિલ્હી હાઈકોર્ટે ફરીથી કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી અને કહ્યું કે, તમે લોકો શું આયોજન કરી રહ્યા છો? એક-બે સપ્તાહ થઈ ગયા છે અને હજી પણ લોકો ઓક્સિજનના અભાવે મરી રહ્યા છે. આખો દેશ રડી રહ્યો છે. આઈઆઈટી અને આઈઆઈએમ તમારા કરતાં વધુ સારી રીતે ઓક્સિજન વિતરણનું આયોજન કરી શકશે. તમારે આ કામ તેમને હેન્ડઓવર કરી દેવું જોઈએ. વધુમાં હાઈકોર્ટે કહ્યું કે, વિદેશમાંથી મળેલી તબીબી સહાય લોકો માટે છે તેને બોક્સમાં મૂકી રાખવા માટે નથી. સરકારને મેડિકલ સહાય મળી છે તો તેનો અર્થ એ છે કે તે લોકોની મદદ માટે છે તેમ ન્યાયાધીશો વિપિન સાંઘી અને રેખા પાલીને બેન્ચે જણાવ્યું હતું. કેન્દ્ર અને દિલ્હી સરકાર દ્વારા મેડિકલ સાધનોનું જે રીતે વિતરણ થઈ રહ્યું છે તે અંગે એમિકસ ક્યુરી અને સિનિયર વકીલ રાજશેખર રાવે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજને ૨૬૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મળ્યા હતા જ્યારે તેને આટલા પ્રમાણમાં તેની જરૂર નહોતી. સરકાર દ્વારા અડસટ્ટે અને આપખુદ રીતે મેડિકલ સાધનોનું વિતરણ થઈ રહ્યું છે, જેથી ખરેખર જેને તેની જરૂર છે તેને આ વસ્તુઓ નથી મળી રહી.

દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ સરકારની પણ ટીકા કરતાં કહ્યું કે, તમારી સમસ્યા એ છે કે તમારી બધી જ નીતિઓ અને નિર્ણયો સંબંધિત વિભાગો સાથે વાત કર્યા વિના અથવા સલાહ લિધા વિના લેવાય છે. તમે તેમની સાથે વાત કરશો તો તમને ખબર પડશે કે શું ચાલી રહ્યું છે?