×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એપ્રિલમાં ફુગાવો 7.79 ટકા : આઠ વર્ષની ટોચે


- મોંઘવારીએ માઝા મૂકી : ખાદ્ય વસ્તુઓ અને ઇંધણના સતત વધી રહેલા ભાવ

- સતત ચોથા મહિને રીટેલ ફુગાવો આરબીઆઇના ૬ ટકાના લક્ષ્યાંકથી વધુ : આરબીઆઇ આગામી મહિને પણ વ્યાજ દરમાં વધારે કરે તેવી શક્યતા : જેના પગલે લોન વધુ મોંઘી બનશે : ગયા સપ્તાહમાં રેપો રેટ 0.40 ટકા વધારી 4.40 ટકા કરાયો હતો

- માર્ચમાં આઇઆઇપી આધારિત ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.9 ટકાનો વધારો : ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ઘટાડો

નવી દિલ્હી : દેશમાં મોંઘવારી ઘટવાનું નામ લઇ રહી નથી. એપ્રિલમાં જાહેર થયેલા રીટેલ ફુગાવાના આંકડા નિરાશાજનક રહ્યાં છે. એપ્રિલમાં રીટેલ ફુગાવો છેલ્લા આઠ વર્ષના ઉચ્ચ સ્તરે રહેતા કેન્દ્ર સરકાર, આરબીઆઇ અને દેશની પ્રજાની ચિંતામાં વધારો થયો છે. સતત વધી રહેલા ફુગાવાને પગલે બેંકો લોનના વ્યાજ દર વધારશે અને તેના લોનના હપ્તાની રકમ વધવાની શક્યતા છે. ખાદ્ય વસ્તુઓ અને ઇંધણના ભાવ વધવાને કારણે એપ્રિલ મહિનામાં રીટેલ ફુગાવો વધીને ૭.૭૯ ટકાની આઠ વર્ષની ટોચે પહોંચી ગયો છે. ફુગાવો વધવાને કારણે આગામી મહિનામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) ફરી એક વખત વ્યાજ દરોમાં વધારો કરશે તેવી શક્યતા છે. 

ઉલ્લેખનીય છે કે વધતા જતા ફુગાવા અંગે ચિંતા વ્યક્ત કરતા આરબીઆઇએ ગત સપ્તાહમાં રેપો રેટ ૦.૪૦ ટકા વધારીને ૪.૪૦ ટકા કર્યો હતો. છેલ્લા ચાર મહિનાથી રીટેલ ફુગાવો છ ટકાથી વધારે રહેશે. રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ખાદ્ય વસ્તુઓ અને ઇંધણના ભાવ વધી રહ્યાં છે. 

આ અગાઉ મે, ૨૦૧૪માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત રીટેલ ફુગાવો ૮.૩૩ ટકા નોંધવામાં આવ્યો હતો.માર્ચ, ૨૦૨૨માં રીટેલ ફુગાવો ૬.૯૫ ટકા અને એપ્રિલ, ૨૦૨૧માં ૪.૨૩ ટકા હતો.  એપ્રિલમાં ખાદ્ય વસ્તુઓનો ફુગાવો વધીને ૮.૩૮ ટકા થઇ ગયો છે. જે એક મહિના અગાઉ ૭.૬૮ ટકા તથા એક વર્ષ અગાઉના સમાન ગાળામાં ૧.૯૬ ટકા હતા તેમ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. 

ઇંધણ અને વીજળી કેટેગરીના ફુગાવો વધીને ૧૦.૮૦ ટકા થઇ ગયો છે. જે ગયા મહિને ૭.૫૨ ટકા હતો. એપ્રિલ, ૨૦૨૨માં શાકભાજીના ભાવમાં ૧૫.૪૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જે ગયા મહિને ૧૧.૬૪ ટકા હતો.

બીજી તરફ આજે માર્ચ મહિનાના ઓદ્યૌગિક ઉત્પાદનના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. મેન્યુફેકચરિંગ સેક્ટરના નબળા દેખાવને પગલે ઓદ્યૌગિક ઉત્પાદનમાં ગયા વર્ષના માર્ચની સરખામણીમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.માર્ચ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧.૯ ટકાનો વધારો નોંધાયો છે. ગયા વર્ષે માર્ચમાં ઓદ્યૌગિક ઉત્પાદનમાં ૨૪.૨ ટકાનો વધારો નોંધાયો હતો.ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઇઆઇપી) આધારિત ઓદ્યોગિક ઉત્પાદનમાં માર્ચ, ૨૦૨૧માં ૨૪.૨ ટકાનો વધારો નોંધાયો હતો. ચાલુ વર્ષે જાન્યુઆરી અને ફેબુ્રઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧.૫ ટકાનો વધારો થયો હતો.