×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એન્જિનિયર-ડોક્ટર બનીને લગ્નનું પ્રલોભન આપતો, 100 મહિલાઓ પાસેથી કરોડો લૂંટ્યા


-  તેઓ 35થી 40 વર્ષની ઉંમરની મહિલાઓને પોતાનો શિકાર બનાવતા અને કોઈના કોઈ બહાને પૈસા કઢાવીને તેને નાઈજીરિયા પોતાના પરિવારજનોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતા હતા

નવી દિલ્હી, તા. 14 ઓક્ટોબર, 2021, ગુરૂવાર

દિલ્હીની શાહદરા પોલીસે એક એવા વિદેશી નાગરિકની ધરપકડ કરી છે જેણે લગ્નનું પ્રલોભન આપીને 100 કરતા વધારે મહિલાઓ પાસેથી 25 કરોડ રૂપિયા ઠગી લીધા છે. પોલીસે માસ્ટરમાઈન્ડ ઉપરાંત તેનો સાથ આપનારા અન્ય 2 આરોપીઓની પણ ધરપકડ કરી છે. તે મેટ્રિમોનિયલ વેબસાઈટ દ્વારા મહિલાઓનો કોન્ટેક્ટ કરતો હતો.

તે ઓનલાઈન મિત્રતા કર્યા બાદ અલગ-અલગ બહાના કાઢીને તેમના પાસેથી પૈસા કઢાવતો હતો અને પછી વાત કરવાનું બંધ કરી દેતો હતો. થોડા દિવસો પહેલા શાહદરા જિલ્લાના જગતપુરી થાણામાં એક 35 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા મેટ્રિમોનિયલ વેબસાઈટ દ્વારા તેનો મનમીત સાથે કોન્ટેક્ટ થયો હતો. ધીરે-ધીરે બંને વચ્ચે વાતચીત અને ચેટિંગ શરૂ થઈ હતી. એક દિવસ અચાનક મનમીતે પોતે કોઈ મુશ્કેલીમાં ફસાયો છે અને તેના તમામ બેંક ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે તથા તેને પૈસાની ખૂબ જ જરૂર છે તેમ જણાવ્યું હતું. આ સાંભળીને મહિલાએ તેણે જણાવ્યું તે બેંક એકાઉન્ટમાં કેટલાક રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યાર બાદ કોઈને કોઈ બહાના હેઠળ તે વ્યક્તિએ આશરે 15 લાખ રૂપિયા લીધા. એટલે સુધી કે મહિલાએ પોતાના સોનાના તમામ ઘરેણાં ગિરવે રાખીને તેને પૈસા આપી દીધા. મહિલાએ પોલીસને જણાવ્યું કે, તેણે તમામ પૈસા આપી દીધા ત્યાર બાદ તે વ્યક્તિએ તેના સાથેનો કોન્ટેક્ટ બંધ કરી દીધો હતો. 

પોલીસે મહિલાએ જેમાં પૈસા ટ્રાન્સફર કરાવેલા તે બેંક એકાઉન્ટ્સની ડિટેઈલ્સ કઢાવીને તપાસ શરૂ કરી હતી. તપાસમાં એક એકાઉન્ટ દિલ્હીનું હોવાની અને આરોપી એક સ્વાઈપ મશીન વાપરતો હોવાની જાણ થઈ હતી. આ પુરાવાઓના આધારે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે જેમાંથી 2 વિદેશી નાગરિક છે. જ્યારે દિલ્હીના આરોપીનું કામ કેશને પોતાના એકાઉન્ટમાં જમા કરાવીને કમિશન કાપીને આગળ પહોંચાડવાનું હતું. આરોપીઓના નામ લોરેન્સ ચિકે, ઔદુંડે ઓકુણ્ડે અને દીપક છે. 

આરોપીઓ મેટ્રિમોનિયલ વેબસાઈટ પર એનઆરઆઈના નામે પ્રોફાઈલ બનાવતા હતા અને પ્રોફેશન તરીકે પોતાને ડોક્ટર, એન્જિનિયર બતાવતા હતા. તેઓ 35થી 40 વર્ષની ઉંમરની મહિલાઓને પોતાનો શિકાર બનાવતા અને કોઈના કોઈ બહાને પૈસા કઢાવીને તેને નાઈજીરિયા પોતાના પરિવારજનોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતા હતા.