×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એક્શનના અણસાર વચ્ચે ટ્વીટરે પાછું આપ્યું વેંકૈયા નાયડુનું બ્લુ ટીક, RSS નેતાઓના હેન્ડલ પર કાર્યવાહી


- અનેક ટ્વીટર એકાઉન્ટ એવા પણ છે જે કેટલાય વર્ષોથી એક્ટિવ નથી થયા છતાં તેના પર બ્લુ ટીક લાગેલું છે

નવી દિલ્હી, તા. 5 જૂન, 2021, શનિવાર

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનું ટ્વીટર એકાઉન્ટ ફરીથી વેરિફાઈ થઈ ગયું છે. શનિવારે સવારે અચાનક જ તેમના એકાઉન્ટ પરથી 'બ્લુ ટીક' દૂર થઈ ગયું હતું. આ મામલે ટ્વીટર ઈન્ડિયાએ લાંબા સમયથી એકાઉન્ટ લોગઈન ન થવાના કારણે તેમ બન્યું હોવાની સ્પષ્ટતા આપી હતી. જોકે વેરિફાઈ હટાવ્યાના થોડા કલાકોમાં જ ટ્વટીરે તેમના એકાઉન્ટનું બ્લુ ટીક પાછું આપી દીધું છે. 

આ બધા વચ્ચે સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ સહિત આરએસએસ સાથે સંકળાયેલા અનેક નેતાઓના એકાઉન્ટ પરથી બ્લુ ટીક દૂર થવાના કારણે સરકાર નારાજ છે અને સરકાર ટ્વીટર વિરૂદ્ધ એક્શન લે તેવા અણસાર છે. જાણવા મળ્યા મુજબ આઈટી મંત્રાલય તેને ટ્વીટરનો બદઈરાદો માને છે અને તેના વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. 

એક અહેવાલ પ્રમાણે આઈટી મંત્રાલય આજે ટ્વીટરને નોટિસ પાઠવશે અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના ટ્વીટર એકાઉન્ટ પરથી બ્લુ ટીક કોઈ પણ જાતની જાણકારી વગર કેમ દૂર કર્યું તેવો સવાલ કરશે. આ ભારતના બંધારણીય પદની અવગણના છે. 

હકીકતે શનિવારે સવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના પર્સનલ ટ્વીટર હેન્ડલ @MVenkaiahNaidu પરથી બ્લુ ટીક દૂર થઈ ગયું હતું. બ્લુ ટીક દ્વારા એકાઉન્ટ વેરિફાઈ હોવાની ખબર પડે છે. જોકે ઉપરાષ્ટ્રપતિના ટ્વીટર હેન્ડલ @VPSecretariat પરથી બ્લુ ટીક દૂર નહોતું થયું. જોકે થોડા સમયમાં જ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના ટ્વીટર એકાઉન્ટ પર બ્લુ ટીક આવી ગયું હતું. 

આ મામલે સ્પષ્ટતા કરતા ટ્વીટર ઈન્ડિયાએ કહ્યું હતું કે, 'એકાઉન્ટ લાંબા સમયથી લોગઈન નહોતું થયું માટે બ્લુ ટીક દૂર થઈ ગયું હતું.' જોકે હજુ પણ આરએસએસના તમામ દિગ્ગજ નેતા સુરેશ જોશી, સુરેશ સોની અને અરૂણ કુમારના ટ્વીટર એકાઉન્ટને વેરિફાઈ નથી કરવામાં આવ્યા. 

એક રીતે જોઈએ તો અનેક ટ્વીટર એકાઉન્ટ એવા પણ છે જે કેટલાય વર્ષોથી એક્ટિવ નથી થયા છતાં તેના પર બ્લુ ટીક લાગેલું છે. પૂર્વ નાણા મંત્રી અને દિવંગત બીજેપી નેતા અરૂણ જેટલીના ટ્વીટર એકાઉન્ટ પરથી અંતિમ ટ્વીટ 7 ઓગષ્ટ, 2019ના રોજ થઈ હતી છતાં તેમનું એકાઉન્ટ હજુ પણ વેરિફાઈ છે. 

જ્યારે ટ્વીટરના નિયમ પ્રમાણે પાછલા 6 મહિનામાં લોગઈન કરવું જરૂરી છે અને તો જ તેને એક્ટિવ એકાઉન્ટ માનવામાં આવશે. જોકે તેના માટે ટ્વીટ, રિટ્વીટ, લાઈક, ફોલો, અનફોલો કરવું જરૂરી નથી. પરંતુ એકાઉન્ટ એક્ટિવ રાખવા 6 મહિનામાં એક વાર લોગઈન થવું જરૂરી છે અને પ્રોફાઈલ અપડેટ રાખવી જરૂરી છે.