×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉર્જા મથકો પાસે માત્ર 2 જ દિવસનો કોલસો બચ્યો, મહારાષ્ટ્રએ કેન્દ્ર પર સાધ્યું નિશાન


- મહારાષ્ટ્રમાં હાલ મહા વિકાસ અઘાડીની સરકાર હોવાથી તે હાલ પાવર પોલિટિક્સનો સામનો કરી રહ્યું હોવાનો દાવો

નવી દિલ્હી, તા. 28 એપ્રિલ 2022, ગુરૂવાર

મહારાષ્ટ્રમાં કોલસાના સંકટ અને તેના દ્વારા સર્જાયેલા વીજ સંકટને લઈ રાજ્ય સરકારે કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. મહારાષ્ટ્રના ઉર્જા મંત્રી નિતિન રાઉતે જણાવ્યું કે, કોલ ઈન્ડિયા પાસેથી ખૂબ જ ઓછો કોલસો મળી રહ્યો છે અને કેન્દ્ર આ મામલે કોઈ મદદ નથી કરી રહ્યું. કોલસાની તંગીના કારણે મહારાષ્ટ્ર ભયંકર વીજ સંકટનો સામનો કરી રહ્યું છે. વીજ સંકટ માત્ર મુંબઈ પૂરતું જ સીમિત નથી પરંતુ બાકીના વિસ્તારોમાં તે હજુ સુધી કાબૂમાં છે. 

રાઉતના કહેવા પ્રમાણે આશરે 20 લાખ મેટ્રિક ટનની તંગી છે અને રાજ્યના પ્રમુખ ઉર્જા મથકોમાં આગામી 2 જ દિવસમાં કોલસાનો સ્ટોક ખતમ થઈ જશે. 

રાઉતે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં હાલ મહા વિકાસ અઘાડીની સરકાર હોવાથી તે હાલ પાવર પોલિટિક્સનો સામનો કરી રહ્યું છે. આ કારણે કેન્દ્ર સરકાર તેને ઉચિત સહયોગ નથી આપી રહી જેથી કૃત્રિમ સંકટ સર્જાયું છે. 

વધુમાં જણાવ્યું કે, 'કોલસાની તંગી છે તેમાં કોઈ શંકા નથી. અમે કોલ ઈન્ડિયા લિમિટેડ સાથે સમજૂતિ કરેલી છે. અન્ય કેટલીય કંપનીઓ સાથે પણ એમઓયુ કરેલા છે. અમારો કોન્ટ્રાક્ટ 10 લાખ મિલિયન મેટ્રિક ટનનો છે. તેમાં 60-70 ટકાની ઉણપ છે. અમને પૂરો ક્વોટા મળવો જોઈએ પરંતુ માત્ર 85 ટકા પુરવઠો જ મળી રહ્યો છે. આ કારણે 50 ટકા જેટલી કોલસાની તંગી સર્જાઈ છે. જોકે અમારા વીજ સંયંત્રો દ્વારા ઉત્પાદન વધારવામાં આવ્યું છે અને અમે પીક પીરિયડમાં પર્યાપ્ત વીજળી પૂરી પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.'

રાઉતના કહેવા પ્રમાણે કોલ ઈન્ડિયા લિમિટેડ યોગ્ય રીતે કોલસાનો પુરવઠો પૂરો નથી પાડી રહ્યું. તે ગુણવત્તાયુક્ત કોલસાનો પુરવઠો પણ નથી આપી રહ્યું. અનેક વિસ્તારોમાં રેકની પણ કમી છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સોમવારે આશરે એક કલાકનો બ્લેકઆઉટ રહ્યો. આજે પણ અનેક વિસ્તારોમાં વીજકાપ થયો. મુંબઈમાં સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે સોમવારના વીજકાપ પાછળ ટેક્નિકલ કારણને જવાબદાર ગણાવ્યું હતું.