×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તર ભારતમાં આગ ઝરતી ગરમી, ઓરેન્જ એલર્ટ


નવી દિલ્હી, તા.૨૮
દેશમાં અનેક રાજ્યોમાં હાલ હીટવેવની સ્થિતિ સર્જાયેલી છે અને સામાન્ય માણસે હજુ પાંચ દિવસ સુધી વધુ તીવ્ર બનનારા હીટવેવનો સામનો કરવો પડશે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ તથા ઉત્તર ભારતના અન્ય રાજ્યો માટે 'ઓરેન્જ' એલર્ટ જાહેર કરી છે. આગામી દિવસોમાં તાપમાન ૪૬ ડિગ્રી સે.ને પાર જશે તેમ હવામાન વિભાગે કહ્યું હતું. બીજીબાજુ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ૪૩.૫ ડિગ્રી સેલ્સિયસ સાથે ૧૨ વર્ષમાં એપ્રિલનો આ સૌથી ગરમ દિવસ રહ્યો હતો. આ સિવાય હરિયાણા, પંજાબ, ગુરુગ્રામમાં પણ તાપમાનનો પારો ૪૫.૬ ડિગ્રી સે.ને પાર ગયો હતો.
હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ભારત અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવ રહેશે. મહત્તમ તાપમાન સરેરાશ કરતાં બે ડિગ્રી સેલ્સિયસ વધવાની શક્યતા છે. પંજાબ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર અને મધ્ય પ્રદેશમાં તાપમાન સામાન્ય કરતાં ૩.૧ ડિગ્રી સે.થી પાંચ ડિગ્રી સે. સુધી વધવાની શક્યતા છે. ઉત્તર ભારતના કેટલાક સ્થળો પર ગરમીનો પારો ૪૭ ડિગ્રીને પણ પાર જવાની સંભાવના છે. ઉત્તર ભારતમાં માર્ચની ગરમીએ ૧૨૨ વર્ષનો વિક્રમ તોડયો હતો અને ગરમીનો પ્રકોપ હજુ જળવાઈ રહેશે તેમ હવામાન વિભાગે કહ્યું હતું.
દિલ્હીમાં તાપમાનનો પારો સતત વિક્રમી સ્તરે રહ્યો છે. રાજધાનીમાં છેલ્લે ૧૮મી એપ્રિલ ૨૦૧૦ના રોજ ૪૩.૭ ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું. દિલ્હીમાં એપ્રિલ મહિનામાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન ૨૯મી એપ્રિલ ૧૯૪૧ના રોજ ૪૫.૬ ડિગ્રી સે. નોંધાયું હતું. દિલ્હીમાં પારો હજુ વધીને ૪૫-૪૬ ડિગ્રી સુધી જવાની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે. દિલ્હીમાં અનેક સ્થળો પર મહત્તમ તાપમાન સરેરાશ કરતાં પાંચ ડિગ્રી સે. વધુ નોંધાયું છે.
સ્વતંત્ર હવામાનશાસ્ત્રી નવદીપ દહિયાએ કહ્યું હતું કે, રાજસ્થાનના ચુરુ, બારમેર, બિકાનેર અને શ્રીગંગાનગર જેવા સ્થળો પર ૪૫ ડિગ્રી સે.થી વધુ તાપમાન સામાન્ય બાબત છે, પરંતુ એપ્રિલના અંતમાં ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ૪૫-૪૬ ડિગ્રી સે. તાપમાન અસાધારણ બાબત છે. હવામાન વિભાગે દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે, જે દિલ્હીના રહેવાસીઓ માટે અતિ હીટવેવની ચેતવણી સમાન છે. દિલ્હીમાં શુક્રવારે પારો ૪૪ ડિગ્રી સે.ને પાર થઈ જશે તેમ મનાય છે.
દિલ્હીમાં ગરમી વધવાની સાથે વીજ વપરાશમાં પણ અસાધારણ વધારો થયો છે. ગુરુવારે દિલ્હીમાં એપ્રિલ મહિનામાં વીજ વપરાશ પહેલી વખત ૬,૦૦૦ મેગાવોટને વટાવી ગયો હતો, જે બુધવારના ૫,૭૬૯ મેગાવોટની વીજ માગ કરતાં ૩.૭ ટકાનો વધારો દર્શાવે છે, તેમ ડિસ્કોમના અધિકારીઓએ કહ્યું હતું. આ વર્ષે દિલ્હીમાં તાપમાન અસાધારણ ગરમ છે ત્યારે શહેરમાં વીજળીની માગ મહિનાની શરૂઆતમાં ૩૪ ટકા જેટલી વધી ગઈ હતી. વિક્રમી ગરમીની સાથે વીજળીની માગ પણ છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ રહેવાની સંભાવના છે. દિલ્હીમાં ૨જી જુલાઈ ૨૦૧૯ના રોજ વીજળીની માગ ૭,૪૦૯ મેગાવોટ હતી, જે અત્યાર સુધીમાં સૌથી વધુ હતી. આ વર્ષે વીજળીની માગ ૮,૨૦૦ મેગાવોટને પાર થઈ જાય તેવી અપેક્ષા છે તેમ ડિસ્કોમના અધિકારીએ જણાવ્યું હતું.
આ સિવાય હરિયાણા અને પંજાબમાં તાપમાન ૪૫.૬ ડિગ્રી સે. સાથે હીટવેવની સ્થિતિ જોવા મળી હતી. હરિયાણામાં ૪૫.૬ ડિગ્રી સે. સાથે ગુરુગ્રામ સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. વધુમાં ચંડીગઢમાં મહત્તમ તાપમાન ૪૨.૨ ડિગ્રી સે. નોંધાયું હતું. પંજાબમાં પટિયાલા અને ભટિન્ડામાં તાપમાન ૪૩.૬ ડિગ્રી સે. રહ્યું હતું. રાજસ્થાનમાં ૭ જિલ્લામાં તાપમાન ૪૫ ડિગ્રી સે.ને પાર રહ્યું હતું જ્યારે ૧૦ જિલ્લામાં તાપમાન ૪૩ ડિગ્રીથી વધુ નોંધાયું હતું.