×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તરાખંડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, ચારધામ યાત્રા રોકવામાં આવી, તમામ શાળાઓ બંધ


- કેદારનાથની યાત્રાએ ગયેલી આશરે 5,000 ગાડીઓ સોનપ્રયાગ અને ગુપ્તકાશીમાં ફસાઈ ગઈ 

નવી દિલ્હી, તા. 18 ઓક્ટોબર, 2021, સોમવાર

દેશના અનેક વિસ્તારોની સાથે ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આશંકાને ધ્યાનમાં રાખીને સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અયોધ્યાનો પ્રવાસ અધૂરો છોડીને ઉત્તરાખંડ પાછા આવી ગયા છે. આ સાથે જ તેમણે તમામ અધિકારીઓને એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે. 

આ તરફ રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ એસડીઆરએફની 29 ટીમોને પ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. સાથે જ ચારધામ યાત્રા પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. 

પ્રશાસને કોઈ પણ યાત્રીને ઋષિકેશથી ઉપર જવાની મનાઈ ફરમાવી દીધી છે. નેશનલ હાઈવે પર અનેક કિમી લાંબો જામ લાગી રહ્યો છે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આગામી 2 દિવસ પ્રદેશ માટે ખૂબ જ ભારે સાબિત થઈ શકે છે. તેવામાં હવામાન વિભાગે સતર્ક રહેવાની સાથે જ બિનજરૂરી યાત્રા ન કરવાની સલાહ આપી છે. 

આ તરફ સરકારે કેદારનાથ અને બદ્રીનાથ યાત્રા પર રોક લગાવી દીધી છે. તમામ યાત્રીઓને પાછા મોકલવામાં આવી રહ્યા છે. સ્થિતિ એવી છે કે, કેદારનાથની યાત્રાએ ગયેલી આશરે 5,000 ગાડીઓ સોનપ્રયાગ અને ગુપ્તકાશીમાં ફસાઈ ગઈ છે. જે યાત્રીઓ કે પર્યટકો રેડ એલર્ટ જાહેર થયું તે પહેલા જ પહાડો તરફ યાત્રા કે પર્યટન સ્થળે પહોંચવા નીકળી ગયા છે તેમને ઋષિકેશ અને નરેંદનગરમાં જ રોકી દેવામાં આવ્યા છે અને પાછા જવા કહેવામાં આવ્યું છે. 

પ્રદેશ સરકારે તમામ જિલ્લાધિકારીઓને સતર્ક રહેવા માટેનો નિર્દેશ આપ્યો છે. સાથે જ એસડીઆરએફની 29 ટીમોને અલગ અલગ જિલ્લાઓમાં મોકલી દેવામાં આવી છે.