×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તરાખંડના ચમૌલીમાં ગ્લેશિયર તુટવાથી મોટી તબાહી, 10 મૃતદેહો મળ્યા, બચાવકાર્ય શરૂ

નવી દિલ્હી, તા. 07 ફેબ્રુઆરી 2021, રવિવાર

ઉત્તરાખંડના ચમૌલીના રેણી ગામ નજીક ગ્લેશિયર તુટ્યો છે. આ ગ્લેશિયર તુટવાના કારણે અહીંના પાવર પ્રોજેક્ટ ઋષિ ગંગાને મોટું નુંકસાન પહોંચ્યું છે. સાથે જ ધૌલીગંગા ગ્લેશિયરની તબાહી સાથે તપોવનમાં બેરેજને મોટું નુકસાન થયું હોવાની જાણકારી મળી રહી છે.

તંત્રની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. હજુ સુથી સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી થઈ રહી કે આ તબાહીમાં કેટલું નુંકસાન થયું છે પરંતુ સ્થાનિકોએ બનાવેલા વીડિયો પરથી આ દુર્ઘટનાનો અંદાજો લગાવી શકાય છે. હાલ રાહત બચાવની કામગીરી માટે તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. અહીં સ્થિતિને પહોંચી વળવા સેનાના 600 જવાન તૈનાત કરવામાં આવ્યા છે.

આ ઘટનામાં જાનમાલનું મોટું નુંકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટના સવારે આઠ થી નવ વાગ્યા વચ્ચેની છે. આ ઘટનાને લઈને તંત્ર એલર્ટ થઈ થયું છે. NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. આ ગ્લેશિયર ચમેલી થઈને ઋષિકેશ સુધી પહોંચશે. જેને લઈને જોશીમઠ, શ્રીનગર સુધી હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે.

10 મૃતદેહો મળી આવ્યા

દેવભૂમિમાં મચેલી તબાહીને લઈને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 10 મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે તપોવન ટનલમાં 15-20 લોકો ફસાયા હોવાની જાણકારી મળી છે. ત્રાસદીના કારણે નદીના કિનારે સમગ્ર વિસ્તાર સંપૂર્ણ તબાહ છે. ITBPના લોકોની સામે આ પડકાર છે ટનલમાં ફસાયેલા લોકોને કેવી રીતે બહાર કાઢવામાં આવે.

150 લોકો છે ગુમ

ચમોલીમાં ધૌલીગંગામાં મોટી હોનારત સર્જાય જેના કારણે ઋષિ ગંગા પ્રોજેક્ટને મોટું નુંકસાન પહોંચ્યું છે. આ પ્રોજેક્ટમાં કામ કરતા 150 લોકો ગુમ છે. ઉત્તરાખંડના મુખ્યસચિવ ઓમ પ્રકાશે જણાવ્યું કે, ચમોલીમાં ગ્લેશિયર તૂટવાને કારણે 100-150ની જાનહાનિની આશંકા છે.

રાહુલ ગાંધીએ દુ:ખ વ્યક્ત કર્યું

ચમોલીમાં આવેલી હોનારત પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરી કહ્યું કે, ચમોલીમાં ગ્લેશિયર ફાટવાને કારણે સર્જાયેલી હોનારત ખુબ દુ:ખદ છે. મારી સંવેદના ઉત્તરાખંડના લોકો સાથે છે. રાજ્ય સરકાર તમામ પીડિતોને તુરંત મદદ પહોંચાડે અને કોંગ્રેસના સાથીઓ પણ મદદમાં જોડાય.

ઉત્તરપ્રદેશના કાનપુરથી વારાણસી સુધી એલર્ટ

ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી મોટી તબાહી મચી છે. આ આપદા બાદ ઉત્તરપ્રદેશમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગંગા કિનારાવાળા જિલ્લામાં તંત્રને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશના બિજનૌર, કનૌજ, ફતેહગઢ, પ્રયાગરાજ, કાનપુર, મિર્ઝાપુર, ગઢમુક્તેશ્વર, ગાઝીપુર, વારાણસીમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હેલ્પલાઈન નંબર જાહેર

મુખ્યમંત્રી રાવતે ટ્વીટ કરી હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. તેમણે ટ્વીટ કરી કહ્યું કે, જો તમે પ્રભાવિત ક્ષેત્રમાં ફસાયા છો, કોઈ પણ પ્રકારની મદદની જરૂર છે તો કૃપા કરી ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટરના નં. 1070 અથવા 9557444486 સંપર્ક કરે. કૃપા કરી અફવા નહી ફેલાવો, હું પોતે ઘટના સ્થળે જવા રવાના થઈ રહ્યો છું, મારી સૌને વિનંતિ છે કે કૃપા કરી કોઈ જુનો વીડિયો શેર કરી દહેશત નહી ફેલાવતા. સ્થિતિનો સામનો કરવા માટે જરૂરી પગલાં ભરવામાં આવ્યા છે. તમે સૌ ધીરજ રાખજો.

મુખ્યમંત્રીએ આપ્યા આદેશ

ઉત્તરાખંડના સીએમ ત્રિવેંદ્ર સિંહ રાવતે કહ્યું કે, ચમોલી જિલ્લામાં એક આપદાની માહિતી મળી છે. જિલ્લા તંત્ર, પોલીસ અને ડિઝાસ્ટર સહિતના સંબંધિત વિભાગોને પરિસ્થિતિને પહોંચી વળવા સુચના આપી દેવામાં આવી છે.

ITBPનું નિવેદન

ITBPએ પણ નિવેદન જાહેર કરતા કહ્યું કે, રેણી ગામ નજીક ધૌલીગંગામાં ભારે પુર જોવા મળ્યું છે. ત્યાં આભ ફાટવાના કારણે જળાશય તુટવાના કારણે કેટલાંક જળસ્ત્રોતમાં પુરની સ્થિતિ આવી ગઈ છે અને ઘણી નદીઓના કિનારે ઘર તુટ્યા છે. જાનમાલ હાનિની નુંકસાનની સંખ્યા વધવાની શક્યતા છે. બચાવ કામગીરી માટે સેંકડો ITBPના જવાન પહોંચી ગયા છે.

પાવર પ્રોજેક્ટ ધ્વસ્ત

ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટ્યો છે જેમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે ઋષિગંગા પાવર પ્રોજેક્ટ પણ ધ્વસ્ત થવાની વિગતો સામે આવી રહી છે. આ દુર્ઘટના બાદ તંત્ર એલર્ટ મોડ પર છે. નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યાં છે. ધૌલી ગંગા નદીનું જળ સ્તર અચાનક વધી રહ્યું છે. શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્વાર સુધી એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ સમગ્ર સ્થિતિની સમિક્ષા કરી છે.