×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તરાખંડઃ કોંગ્રેસે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કિશોર ઉપાધ્યાયને 6 વર્ષ માટે પાર્ટીમાંથી કાઢ્યા, જોડાઈ શકે છે ભાજપમાં


- કોંગ્રેસમાં ટિકિટોમાં ફેરફારને લઈ પાર્ટીમાં પરિવારવાદની વાત પણ ઉઠવા લાગી 

નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી, 2022, ગુરૂવાર

કોંગ્રેસમાં ટિકિટની વહેંચણી બાદ અનેક બેઠકો પર સતત બગાવતી તેવર સામે આવી રહ્યા છે. અસંતોષના પરિણામ પણ સામે આવવા લાગ્યા છે. તેના અનુસંધાને ઉત્તરાખંડના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ કિશોર ઉપાધ્યાયને પાર્ટીવિરોધી ગતિવિધિઓના કારણે 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. તેઓ આજે ભાજપમાં જોડાઈ શકે છે. તેમનો ભાજપ સાથેનો ઘરોબો વધી રહ્યો હોવાના સમાચારો વચ્ચે પાર્ટીએ તેમને તમામ પદો પરથી દૂર કરી દીધા હતા. જોકે ઉપાધ્યાયે તેમના અંગેની ચર્ચાઓ અંગે સ્પષ્ટીકરણ મોકલ્યું હતું પરંતુ હવે તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. 

આ બધા વચ્ચે કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર થયા બાદ ગઢવાલથી કુમાઉં સુધી વિભિન્ન બેઠકો પર કાર્યકરોમાં રોષ છે. ત્યાર બાદ મોડી રાતે યાદીમાં અનેક ફેરફારો પણ કરવામાં આવ્યા હતા. પૂર્વ મંત્રી હરક સિંહ રાવતની પુત્રવધૂ અનુકૃતિ ગુસાઈંને લેંસડાઉનથી ટિકિટ આપવાને લઈ નારાજ થયેલા કેટલાક કાર્યકરોએ બુધવારે બપોરના સમયે કોંગ્રેસ ભવન ખાતે પ્રદર્શન કર્યું હતું. મોડી રાતે ઋષિકેશથી અનેક કાર્યકરો પૂર્વ મુખ્યંમત્રી હરીશ રાવતના ઓલ્ડ મસૂરી રોડ સ્થિત આવાસ પર પહોંચ્યા હતા અને નારાજગી દર્શાવી હતી. 

કોંગ્રેસમાં પરિવારવાદની છાયા

કોંગ્રેસમાં ટિકિટોમાં ફેરફારને લઈ પાર્ટીમાં પરિવારવાદની વાત પણ ઉઠવા લાગી છે. હરીશ રાવત, હરક સિંહ રાવત, યશપાલ આર્ય, સ્વ. ઈન્દિરહ રદ્દેશ અને સાંસદ કેસી સિંહ બાબાના પરિવારના સદસ્યોને ટિકિટ મળી છે. 

હરક સિંહની પુત્રવધૂને લેંસડાઉનથી, પૂર્વ સાંસદ કેસી સિંહ બાબાના દીકરાને કાશીપુરથી, ઈંદિરાના દીકરા સુમિત હૃદયેશને હલ્દ્વાની ખાતેથી અને હરીશ રાવતની દીકરી અનુપમાને હરિદ્વાર ગ્રામીણ ખાતેથી ઉમેદવાર બનાવવામાં આવી છે. યશપાલ આર્યનો દીકરો સંજીવ આર્ય નૈનીતાલથી ઉમેદવાર છે. 

દાવેદારોને ટિકિટ ન મળી એટલે બગાવત

દેહરાદૂન જિલ્લાની 10 વિધાનસભા બેઠકો પર તૈયારી કરી રહેલા દાવેદારો ખૂબ જ નાખુશ છે. તેમની બગાવતને રોકવામાં ભાજપ અને કોંગ્રેસને પરસેવો છૂટી ગયો છે. અનેક દાવેદારો અપક્ષમાં રહીને ચૂંટણી લડવાની જાહેરાત કરી ચુક્યા છે અને અનેક તે માટે વિચારી રહ્યા છે.