×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉડુપીની પ્રી-સ્કૂલમાંથી ઉદ્ભવેલો વિવાદ સુપ્રીમની મોટી બેન્ચ સુધી પહોંચ્યો

નવી દિલ્હી, તા.૧૩

કર્ણાટક સરકારે સ્કૂલ-કોલેજોના ક્લાસરૂમમાં હિજાબ સહિતનો ધાર્મિક પહેરવેશ પહેરવા પર પ્રતિબંધ મૂકવાની સાથે દેશભરમાં હિજાબ મુદ્દે વિવાદ સર્જાયો હતો. ઉડુપીની પ્રી-યુનિવર્સિટીમાં કેટલીક વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરતા શરૂ થયેલા વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે ખંડિત ચૂકાદો આવ્યો હતો. આ કેસ હવે મોટી બેન્ચને ટ્રાન્સફર કરાયો છે. ત્યારે આ વિવાદ પર એક નજર...

કેવી રીતે વિવાદ શરૂ થયો : ગયા વર્ષે કર્ણાટકના ઉડુપી જિલ્લામાં એક પ્રી-યુનિવર્સિટીએ કેટલીક વિદ્યાર્થિનીઓએ સ્કૂલમાં હિજાબ પહેરીને આવવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. વિદ્યાર્થિનીઓએ કોલેજ ઓથોરિટીના નિર્ણય સામે દેખાવો કર્યા હતા અને આ નિર્ણયને જાન્યુઆરી ૨૦૨૨માં કર્ણાટક હાઈકોર્ટમાં પડકાર્યો હતો. 

અન્ય જિલ્લામાં પણ વિવાદ સર્જાયો : ઉડુપી જિલ્લા પછી શિવમોગા અને બેલગાવી સહિતની અન્ય કોલેજોમાં પણ હિજાબ પહેરીને આવતી વિદ્યાર્થિનીઓ પર પ્રતિબંધ મૂકાયો હતો. બીજીબાજુ હિન્દુ સમાજના વિદ્યાર્થીઓએ હિજાબ પહેરનાર વિદ્યાર્થિનીઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યો હતો. હિન્દુ વિદ્યાર્થીઓ ભગવા ખેસ પહેરીને સ્કૂલ-કોલેજમાં આવવા લાગ્યા. જોત-જોતામાં બંને સમાજના વિદ્યાર્થીઓ આમને-સામને આવી ગયા હતા અને એકબીજા વિરુદ્ધ દેખાવો કરવા લાગ્યા હતા.

કર્ણાટકના મુખ્યમંત્રીનો આદેશ : રાજ્યમાં સ્થિતિ ખરાબ થવાથી મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ સરકારી આદેશ જાહેર કર્યો, જેમાં બધા જ વિદ્યાર્થીઓ માટે સ્કૂલ-કોલેજ દ્વારા લાગુ ડ્રેસ કોડ ફરજિયાત કરાયો હતો. આદેશમાં કહેવાયું કે ડ્રેસ કોડ સિવાય કશું જ પહેરવાની મંજૂરી નથી.

દેખાવો, હિંસા અને લાઠીચાર્જ : મુખ્યમંત્રીના આદેશ પછી હિજાબ પ્રતિબંધનો વિવાદ ખતમ થવાના બદલે વધી ગયો. હિજાબ પ્રતિબંધ વિરુદ્ધ ઉગ્ર દેખાવો થવા લાગ્યા. રાજ્યમાં હિંસક ઘટનાઓ પણ થઈ. પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ પણ છોડવા પડયા. મુખ્યમંત્રીએ તકેદારીના ભાગરૂપે સ્કૂલ-કોલેજો બંધ કરવાનો આદેશ પણ આપવો પડયો.

હાઈકોર્ટનો હિજાબ પર પ્રતિબંધનો ચૂકાદો : મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ કોલેજ ઓથોરિટીના નિર્ણયને કર્ણાટક હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ૧૧ દિવસ સુધી બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી હાઈકોર્ટે તેનો ચૂકાદો સંભળાવ્યો અને હિજાબ પર પ્રતિબંધના રાજ્ય સરકારના આદેશને જાળવી રાખ્યો.

સુપ્રીમ કોર્ટનો ચૂકાદો : કર્ણાટક હાઈકોર્ટના ચૂકાદાને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો. અરજદારો તરફથી તેમજ અન્યો દ્વારા આ મુદ્દે સુપ્રીમમાં ૨૮થી વધુ અરજીઓ થઈ. સુપ્રીમની બે ન્યાયાધીશોની બેન્ચે સતત ૧૦ દિવસ સુધી સુનાવણી કરી અને ૨૨મી સપ્ટેમ્બરે ચૂકાદો અનામત રાખ્યો હતો. અંતે ગુરુવારે સુપ્રીમનો ચૂકાદો આવ્યો, પરંતુ તેમાં કોઈ રસ્તો સ્પષ્ટ થયો નહીં. બંને ન્યાયાધીશે અલગ અલગ મત આપ્યા.