×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈસરો દ્વારા PSLV-C52નું સફળ લોન્ચિંગ, EOS-04 સાથે 2 સેટેલાઈટ અંતરિક્ષમાં મોકલ્યા


- ઈસરો આ વર્ષની શરૂઆતના 3 મહિનામાં 5 લોન્ચિંગ કરવાની તૈયારીમાં

નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી, 2022, સોમવાર

ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ISRO)એ પોતાના આ વર્ષના પ્રથમ મિશન અંતર્ગત સોમવારે સેટેલાઈટ લોન્ચ કર્યું. સોમવારે સવારે 5:59 કલાકે મિશન પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (PSLV-C52)નું સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી પ્રક્ષેપણ કરવામાં આવ્યું. 

એજન્સીના અહેવાલ પ્રમાણે ઈસરોએ સોમવારે સવારે PSLV-C52 મિશન અંતર્ગત 3 સેટેલાઈટ લોન્ચ કર્યા છે. તેમાંથી એક EOS-04 રડાર ઈમેજિંગ છે જે કૃષિ, વનસંવર્ધન અને વૃક્ષારોપણ, જમીનનો ભેજ અને જળ વિજ્ઞાન અને પૂર અને હવામાનની સ્થિતિઓ સંબંધી હાઈ રિઝોલ્યુશન ફોટોઝ મોકલવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. 

જાણવા મળ્યા મુજબ PSLV-C52 દ્વારા ધરતીનો પર્યવેક્ષણ ઉપગ્રહ (ઓબ્ઝર્વેશન સેટેલાઈટ) (EOS)- 04 અંતરિક્ષમાં મોકલવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઈસરોએ જણાવ્યું હતું કે, તેઓ સોમવારે પોતાની યુટ્યુબ ચેનલ પર PSLV-C52 સેટેલાઈટના પ્રક્ષેપણ એટલે કે લોન્ચિંગનું સીધું પ્રસારણ કરશે. સોમવારે સવારે 5:30 કલાકથી તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. 


ભારતીય અવકાશ સંશોધન કેન્દ્રના કહેવા પ્રમાણે આ સેટેલાઈટના લોન્ચિંગથી ઈસરોની યોજનાઓને ગતિ મળશે. આ સાથે જ અંતરિક્ષ એજન્સીનું લક્ષ્ય ચંદ્રયાન-3 અને ગગનયાન સહિત 19 સેટેલાઈટ લોન્ચ કરવાનું છે. 

ઈસરોના કહેવા પ્રમાણે પૃથ્વી અવલોકન સેટેલાઈટ EOS-04ની સાથે જ 2 નાના સેટેલાઈને પણ PSLV-C52 રોકેટ દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે. આ સેટેલાઈટ પોતાની કક્ષામાં સ્થાપિત થઈ ગયા છે. 

ઈસરો આ વર્ષની શરૂઆતના 3 મહિનામાં 5 લોન્ચિંગ કરવાની તૈયારીમાં છે. પહેલું તો EOS-4 હશે. ત્યાર બાદ PSLV-C53 પર OCEANSAT-3 અને INS-2B માર્ચમાં લોન્ચ કરવામાં આવશે. એપ્રિલમાં SSLV-D1 માઈક્રોસૈટનું લોન્ચિંગ થશે. જોકે કોઈ પણ લોન્ચિંગની નિર્ધારિત તારીખ અંતિમ ઘડીએ પણ બદલાઈ શકે છે કારણ કે, કોઈ પણ લોન્ચ પહેલા અનેક પ્રકારના ધોરણો ધ્યાનમાં રાખવાના હોય છે.