×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈરાનના વિમાનમાં બોમ્બની ધમકી: વાયુસેનાના સુખોઈ મદદે, આખરે ચીન રવાના થયું

નવી દિલ્હી,તા.3 ઓક્ટોબર 2022,સોમવાર

ઈરાનના એક પેસેન્જર પ્લેનમાં બોમ્બ હોવાની ધમકી બાદ દિલ્હીથી જયપુર સુધીના એરફોર્સ સ્ટેશનો પર વાયુસેનાને એલર્ટ કરી દેવામાં આવી હતી.

ઈરાની પાયલોટે વિમાનમાં બોમ્બ હોવાનો કોલ કરીને દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ માટે જીદ કરી હતી.જોકે દિલ્હી એટીએસ દ્વારા વિમાનને જયપુરમાં ઉતારવા માટે કહેવામાં આવ્યુ હતુ.

પાયલોટે જોકે દિલ્હી જ લેન્ડિંગ કરવાની જીદ પકડી રાખતા એર ટ્રાફિક કંટ્રોલે તેને ચંદીગઢમાં વિમાન ઉતારવાનો વિકલ્પ આપ્યો હતો પણ પાયલોટે કોઈ જવાબ આપ્યો નહોતો. ઈરાનની મહાન એરલાઈન્સનુ વિમાન 45 મિનિટ સુધી ભારતીય વાયુસીમાંમાં રહ્યુ હતુ.

વિમાનમાં બોમ્બ હોવાની ખબર મળતા જ ભારતીય વાયુસેનાના સુખોઈ ફાઈટર જેટ્સે ઉડાન ભરી હતી અને નિયમ પ્રમાણે આ બંને ફાઈટર જેટ વિમાનની પાછળ સુરક્ષિત અંતરે ઉડતા રહ્યા હતા.

વાયુસેનાના સૂત્રોએ કહ્યુ હતુ કે, ઈરાનના અધિકારીઓએ આ દરમિયાન વિમાનમાં બોમ્બ હોવાની ધમકીને બોગસ કોલ ગણાવ્યો હતો અને એ પછી વાયુસેનાએ ઈરાનના વિમાનને ચીનના એરસ્પેસમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી.

વાયુસેનાએ કહ્યુ છે કે, ચીનના ગ્વાંગઝાઉ જઈ રહેલા આ વિમાનને ભારતની વાયુસીમાની બહાર મોકલી દેવામાં આવ્યુ છે.જોકે પાયલોટની દિલ્હીમાં જ લેન્ડિંગ કરવાની જીદે સવાલો પણ ઉભા કર્યા છે.