×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈરાક ખાતેના અમેરિકી દૂતાવાસ પર મોટો હુમલો, ઈરાનથી છોડવામાં આવી 12 મિસાઈલ્સ


- વીડિયોમાં મિસાઈલ પડવાના કારણે થયેલા અનેક વિસ્ફોટોના અવાજ સાંભળી શકાય છે અને બાદમાં આગ લાગી તે પણ દેખાય છે

બગદાદ, તા. 13 માર્ચ 2022, રવિવાર

ઈરાકના ઈરબિલ ખાતે સ્થિત અમેરિકી દૂતાવાસ પર 12 મિસાઈલ્સ વડે હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકાના સુરક્ષા અધિકારીઓ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. અમેરિકી સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે, ઈરબિલ શહેર પર આ મિસાઈલ્સ પાડોશી દેશ ઈરાન ખાતેથી તાકવામાં આવી હતી. ઈરાક અને અમેરિકા એમ બંને તરફથી આ મિસાઈલ હુમલાને લઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. અન્ય એક અમેરિકી અધિકારીએ કોઈ નુકસાન અને જાનહાનિ ન થયા હોવાની માહિતી આપી હતી. 

ઈરાકના અધિકારીઓએ જણાવ્યું કે, અનેક મિસાઈલ્સ વડે અમેરિકી દૂતાવાસને નિશાન બનાવવામાં આવ્યું. આ ઈમારત દૂતાવાસની નથી અને તાજેતરમાં જ સ્ટાફ અહીં શિફ્ટ થયો છે. અમેરિકી અધિકારીના કહેવા પ્રમાણે કુલ કેટલી મિસાઈલ્સ વડે ટાર્ગેટ કરવામાં આવેલા અને તેમાંથી કેટલી લેન્ડ થઈ તે પણ હજુ સ્પષ્ટ નથી થયું. 

અડધી રાત પછીના સમયે આ ઘટના બની હતી અને તેમાં ભારે નુકસાન થવાની આશંકા પણ છે. સોશિયલ મીડિયામાં આ હુમલાના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. 

વીડિયોમાં સંભળાયા વિસ્ફોટના અવાજ

વીડિયોમાં મિસાઈલ પડવાના કારણે થયેલા અનેક વિસ્ફોટોના અવાજ સાંભળી શકાય છે અને બાદમાં આગ લાગી તે પણ દેખાય છે. એક ઈરાકી અધિકારીના કહેવા પ્રમાણે આ બેલેસ્ટિક મિસાઈલ ઈરાન તરફથી તાકવામાં આવી હતી. 

અમેરિકા દ્વારા નિંદા

અમેરિકાએ આ હુમલાની નિંદા કરીને તેને 'ઈરાકની સંપ્રભુતા વિરૂદ્ધ અપમાનજનક હુમલો અને હિંસાનું પ્રદર્શન' ગણાવ્યું છે. આ હુમલો સીરિયાના દમિશ્ક પાસે એક ઈઝરાયલી હુમલાના અમુક દિવસો બાદ થયો છે જેમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના 2 સદસ્યો માર્યા ગયા હતા. 

ઈરાનના વિદેશ મંત્રાલયે બુધવારે થયેલા હુમલાની આકરી ટીકા કરી હતી અને બદલો લેવાની કસમ ખાધી હતી.