×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈમરાન, જરદારી, શરીફે કંગાળ પાકિસ્તાનને આવી રીતે ‘લૂંટ્યો’ : મોંઘો માલ સસ્તામાં ઘરભેગો કર્યો

ઈસ્લામાબાદ, તા.13 માર્ચ-2023, સોમવાર

સૌથી ખરાબ આર્થિક તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનની હાલત દિવસે ને દિવસે કફોડી બની રહી છે. વિશ્વભરમાંથી પણ તેને કોઈ મદદ મળી રહી નથી. પાકિસ્તાનના દેશની ખરાબ સ્થિતિ માટે વડાપ્રધાન શાહબાજ શરીફ પૂર્વ PM ઈમરાન ખાનને જવાબદાર ગણાવી રહ્યા છે, તો ઈમરાન ખાન દેશની આર્થિક સ્થિતિ પડી ભાંગવાનો ટોપલો શાહબાજ શરીફ પર ઢોળી રહ્યા છે. જો કે પાકિસ્તાનમાં તોશાખાના ગિફ્ટ વિવાદે ફરી એકવાર દેશના અનેક નેતાઓને નિશાને લીધા છે.

કોરોડોની ગિફ્ટ લાખોમાં ખરીદવામાં ઈમરાન-શરીફ પણ આગળ

તોશાખાના ગિફ્ટ વિવાદથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, પૂર્વ વડાપ્રધાન સહિત અનેક નેતાઓ ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે. આ લોકોએ સત્તાનો દુરુપયોગ કર્યો છે. વાસ્તવમાં લાહોર હાઈકોર્ટ દ્વારા 2002થી અત્યાર સુધીના તોશાખાના ગિફ્ટ રેકોર્ડેને સાર્વજનિક કરવાનો આદેશ અપાયો હતો. કોર્ટના આદેશ બાદ શાહબાજ સરકારને મજબુરીમાં તોશાખાના ગિફ્ટ રેકોર્ડને જારી કરવો પડ્યો છે. આ રેકોર્ડમાં જાણવા મળ્યું છે કે, કરોડોના ગિફ્ટ લાખોમાં લેવામાં આવ્યા છે અને આમાં ઈમરાન ઉપરાંત શરીફ પરિવાર પણ આગળ છે.

તોશાખાના ગિફ્ટ વિવાદનો રેકોર્ડ જાહેર

શાહબાઝ સરકાર દ્વારા તોશાખાના ગિફ્ટ વિવાદનો 466 પેજનો રેકોર્ડ સરકારી વેબસાઈટ પર મૂકવામાં આવ્યો છે. આ રેકોર્ડ જોયા બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. જાહેર કરાયેલી વિગતોને જોતા ઈમરાનથી લઈને શાહબાઝ સુધીની વિગતો બહાર આવતા સૌકોઈ ચોંકી ગયા છે.

ઈમરાન ખાન : 9.61 કરોડની ગિફ્ટના માત્ર 2 કરોડ આપ્યા

જાહેર કરાયેલા રેકોર્ડ્સ મુજબ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને 8.5 કરોડ પાકિસ્તાની રૂપિયાની સોનાની ઘડિયાળ, 56 લાખની કફલિંક, 15 લાખની પેન અને 85 લાખની વીંટી મળી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ માટે ઈમરાન ખાને માત્ર 2 કરોડ રૂપિયા આપ્યા હતા.

આસિફ અલી ઝરદારી : 10.7 કરોડની બે કાર માત્ર 1.6 કરોડની ખરીદી

પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની વાત કરીએ તો તેમણે 5.7 કરોડ રૂપિયાની BMW 760 Li કાર અને રૂ.5 કરોડની Toyota Lexus LX 470 કાર માત્ર 1.6 કરોડ રૂપિયામાં ખરીદી હતી.

શાહબાજ શરીફ : 11.40 લાખની ગિફ્ટના ચૂકવ્યા માત્ર 24 હજાર

પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે 2013માં 11 લાખ રૂપિયાની રોલેક્સ ઘડિયાળ, 25000 રૂપિયાની કફલિંક તેમજ પેન અને 15000 રૂપિયાની કિંમતની કુવૈત સેન્ટ્રલ બેંકના 4 સ્મારક સિક્કા પોતાની પાસે રાખ્યા, તેના બદલામાં શાહબાજ શરીફે માત્ર 24 હજાર રૂપિયા જમા કરાવ્યા.

પાકિસ્તાનમાં તોશાખાના શું છે?

તોશાખાના એટલે એક રૂમ, જેમાં રાજા કે અમીરકોના કપડાં, ઘરેણાં અને મોંઘી વસ્તુઓ જેવી કે ભેટ વગેરે સંભાળીને રખાય છે. પાકિસ્તાનમાં સરકારના સંગ્રહસ્થાનનું નામ તોશાખાના રખાયું છે, જે અંગ્રેજીમાં સ્ટેટ ડિપોઝિટરી તરીકે ઓળખાય છે. પાકિસ્તાનના કાયદા અનુસાર વિદેશમાંથી અથવા વિદેશી મહેમાનો તરફથી મળેલી ગિફ્ટ આ તોશાખાનામાં જમા કરાય છે. જો PM આ ગિફ્ટ પોતાની પાસે રાખવા ઈચ્છતા હોય તો તેમણે તેની કિંમત ચૂકવવી પડે છે. આ ગિફ્ટોની હરાજી પણ થઈ શકે છે. હરાજીમાંથી મળેલી રકમ સરકારી તિજોરીમાં જ જશે. એકંદરે વડાપ્રધાનને મળેલી ભેટ રાષ્ટ્રની સંપત્તિ છે.