×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈમરાન ખાન શાસનનો અંત: ફિલ્મી કથા જેવા ઘટનાચક્રમાં ફ્લોર ટેસ્ટમાં નાપાસ


- 342 સભ્યોના ગૃહમાં 174 સભ્યોએ ઇમરાન સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવને ટેકો આપતા સરકાર પડી ભાંગી

ઈસ્લામાબાદ, તા. 10 એપ્રિલ 2022, રવિવાર

પાકિસ્તાનમાં વડાપ્રધાન ઇમરાન ખાન સામે ચાલી રહેલા એક મહિના જૂના વિપક્ષના 'પદ હટાવો' આંદોલનનો અંત આવ્યો છે. શનિવારે નેશનલ એસેમ્બ્લીમાં  વડાપ્રધાન સામે મુકવામાં આવેલા પ્રસ્તાવમાં 174 સભ્યોએ સુર પુરાવ્યો હતો. પાકિસ્તાનના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ વડાપ્રધાન વિશ્વાસનો મત હારી સત્તાથી દૂર થયા છે.

 સવારે 10:00 વાગ્યે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર શરૂ થયેલા સત્રમાં એક તબક્કે મતદાન નહિ થાય અને ફરી સુપ્રીમ કોર્ટના અનાદરની કાર્યવાહી થશે એવો ઘાટ ઘડાયો હતો. દિવસભર ઇમરાન ખાન, તેના સાથીઓ અને તેમની પાર્ટી પાકિસ્તાન તહરિક એ ઇન્સાફ (PTI) ના સભ્યોએ વિરોધ પક્ષ સાથે વાટાઘાટો ચલાવી હતી. એમની શરત હતી કે સરકાર રાજીનામું આપે તો ઇમરાન, કેબિનેટના સભ્યો સામે કોઈ કોર્ટ કાર્યવાહી નહિ કરવી, જેલમાં નહિ મોકલવા. આ ઉપરાંત, ઇમરાનની શરત હતી કે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ અને વિરોધ પક્ષના નેતા શેહબાઝ શરીફ નવા વડાપ્રધાન બને નહિ. આ અંગે કોઈ પુષ્ટિ મળી નહોતી અને વિરોધ પક્ષોએ હાઉસમાં સતત મતદાનની માંગણી કરે રાખી હતી. બીજી તરફ, નો કોનફિડન્સ મિશનની તરફ અને વિરોધમાં સતત ભાષણ થયા હતા.

મતદાન પહેલા પણ નાટક થયું હતું. ગુહમાં સ્પીકર અસદ કૈઝર આખો દિવસ કાર્યવાહી કરી રહ્યા હતાં તેમણે સુપ્રીમ કોર્ટનો આદર કરવાની અને બંધારણની રક્ષા કરવાની જાહેરાત કરી હતી. પણ, મતદાન પહેલા પોતે આ પ્રસ્તાવ થકી વિદેશી શક્તિઓનું મહોરું નહિ બને એવી જાહેરાત કરી રાજીનામું આપ્યું હતું.

એમના રાજીનામા બાદ મતદાન થયું હતું જેમાં 342 સભ્યોના ગૃહમાં 174 સભ્યોએ ઇમરાન સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવને ટેકો આપતા સરકાર પડી ભાંગી છે. પાકિસ્તાનના બંધારણ અનુસાર હવે ઇમરાન વડાપ્રધાન રહ્યા નથી. હવે નવી સરકારની રચના માટે પ્રયત્ન હાથ ધરવામાં આવશે.