×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈમરાનનો નવો દાવઃ અવિશ્વાસના પ્રસ્તાવ પહેલા પ્રદર્શનની આડમાં રચ્યું હિંસાનું ષડયંત્ર


- વિપક્ષી સાંસદ લોજમાંથી બહાર આવીને સંસદમાં ઘૂસવાનો પ્રયત્ન પણ કરશે તો તેમના સાથે મારપીટ કરવામાં આવશે

ઈસ્લામાબાદ, તા. 03 એપ્રિલ 2022, રવિવાર 

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર બચશે કે નહીં તેનો આજે ફેંસલો આવી જશે. પાકની નેશનલ અસેમ્બલીમાં આજે સવારે 11:30 કલાકે અવિશ્વાસના પ્રસ્તાવ પર કાર્યવાહી શરૂ થઈ જશે. એવું માનવામાં આવે છે કે, આ મામલે હંગામા બાદ આજે જ વોટિંગ પણ થઈ શકે છે. 

ત્યારે આ બધા વચ્ચે પોતાની સરકારને જોખમમાં મુકાયેલી જોઈને ઈમરાન ખાને શનિવારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કારનામાનું પુનરાવર્તન કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે પોતાના સમર્થકો, ખાસ કરીને યુવાનોને વિનંતી કરી છે કે, તેઓ પાકિસ્તાનના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરનારી વિદેશી શક્તિઓ સામે પ્રદર્શન કરે. સાથે જ એવો દાવો પણ કર્યો હતો કે, અવિશ્વાસના પ્રસ્તાવને લઈ જે મતદાન થવાનું છે તેને લઈ તેમના પાસે એકથી વધારે યોજનાઓ છે. 

એક અહેવાલ પ્રમાણે ઈમરાન સરકાર અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના કાર્યકરો શાંતિપૂર્ણ પ્રદર્શનના બહાને હિંસા ભડકાવવાના છે. સરકારનો ઉદ્દેશ્ય વિપક્ષી સાંસદો સંસદીય લોજમાંથી નીકળી જ ન શકે તેવો રહેશે જેથી તેઓ નેશનલ અસેમ્બલી સુધી પહોંચી ન શકે. જો વિપક્ષી સાંસદ આ દરમિયાન લોજમાંથી બહાર આવીને સંસદમાં ઘૂસવાનો પ્રયત્ન પણ કરશે તો તેમના સાથે મારપીટ કરવામાં આવશે. 

શું છે ઈમરાનનું ષડયંત્ર?

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન હિંસક પ્રદર્શનો દ્વારા પોતાના વિરૂદ્ધ રજૂ થયેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર વોટિંગ રોકવા ઈચ્છે છે. જોકે નેશનલ અસેમ્બલીના સ્પીકર અસદ કૈસર અને પાકિસ્તાનના એટર્ની જનરલ ખાલિદ જાવેદ ખાન એવી સ્પષ્ટતા કરી ચુક્યા છે કે, સરકાર કોઈ પણ સંજોગોમાં અવિશ્વાસના પ્રસ્તાવ પરનું મતદાન નહીં અટકાવી શકે કારણ કે, પાકિસ્તાનનું બંધારણ તેની મંજૂરી નથી આપતું. 

ડોનાલ્ડ ટ્રમ્પે પણ અપનાવ્યો હતો આવો રસ્તો

2020માં અમેરિકી ચૂંટણીના પરિણામો બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એવો આરોપ લગાવ્યો હતો કે, ડેમોક્રેટ પાર્ટીએ ચૂંટણી જીતવા માટે છેતરપિંડી કરી છે. ત્યાર બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા અનેક ફેક ન્યૂઝ અને ઉશ્કેરણીજનક પોસ્ટ્સ વાયરલ કરી હતી. એક પ્રસંગે તો તેમણે પોતાના સમર્થકોને પરિણામોનો વિરોધ કરવા માટે પણ કહી દીધું હતું. તેની અસર એ થઈ કે, ટ્રમ્પના સમર્થકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. 6 જાન્યુઆરી 2021ના રોજ પ્રદર્શનકારીઓએ અમેરિકી કેપિટલ (સંસદ ભવન) પર હુમલો કરી દીધો હતો અને ઈલેક્ટોરલ વોટ્સની સત્તાવાર ગણતરી દરમિયાન જોરદાર ઉત્પાત મચાવ્યો હતો. તે દરમિયાન અનેક અમેરિકી સાંસદોએ પોતાનો જીવ બચાવવા માટે ગુપ્ત રૂમમાં પોતાની જાતને કેદ કરવી પડી હતી.