×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈમરાનનું પાકિસ્તાનમાં ચૂંટણી કરાવવા માટે શરીફ સરકારને છ દિવસનું અલ્ટિમેટમ


- પાકિસ્તાનમાં ઠેર-ઠેર આગજનીની ઘટના, ઈસ્લામાબાદમાં ભારે તંગદિલી

- પીટીઆઈના કાર્યકરો અને પાક. સૈન્ય વચ્ચે હિંસક અથડામણ પછી પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની આઝાદી માર્ચ રદ્

- ઈમરાન ખાન સામે બદનક્ષીનો કેસ ચલાવવાની અરજી પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે રદ્ કરી

ઈસ્લામાબાદ : પાકિસ્તાનમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનોથી હિંસા ફાટી નીકળી છે. ઈસ્લામાબાદમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને શાહબાઝ શરીફની સરકારને છ દિવસમાં ચૂંટણી યોજવાની જાહેરાત કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે. પાટનગર ઈસ્લામાબાદ સહિત ઠેર-ઠેર આગ ચાંપવાના બનાવો બન્યા હતા.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને આઝાદી માર્ચ યોજવાની જાહેરાત કરી હતી. એ પછી ઈમરાન ખાનની પાર્ટી તહેરિક-એ-ઈન્સાફના કાર્યકરો અને સમર્થકોએ હિંસક દેખાવો કર્યા હતા. ઈસ્લામાબાદમાં સ્થિતિ ખૂબ જ તંગ થઈ જતાં સૈન્ય ઉતારવું પડયું હતું. પીટીઆઈના સમર્થકોએ મેટ્રો સ્ટેશનમાં આગ ચાંપી દીધી હતી. બીજી તરફ પોલીસ અને સૈન્યએ બળપ્રયોગ કર્યો હતો. કેટલાય સ્થળોએ લાઠીચાર્જ કરવો પડયો હતો. કેટલાય સ્થળોએ ટીઅરગેસ છોડવો પડયો હતો. સ્થિતિ ખૂબ જ તંગ બની જતાં ઈમરાન ખાને આઝાદી માર્ચ રદ્ કરી હતી, પરંતુ શાહબાઝ શરીફની સરકારને છ દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું.

હજારો સમર્થકો સાથે ઈસ્લામાબાદ પહોંચેલા ઈમરાન ખાને કહ્યું હતું કે તેની સરકારને વિશ્વાસમતના ષડયંત્રથી પાડી દઈને શાહબાઝ શરીફને વડાપ્રધાન બનાવવાનું અમેરિકાનું કાવતરું હતું. દેશમાં ફરીથી ચૂંટણી યોજાય અને નાગરિકો જેમને ચૂંટી કાઢે તેમને જ સરકાર ચલાવવાનો અધિકાર છે. ઈમરાને શરીફની સરકારને છ દિવસમાં ચૂંટણીની જાહેરાત કરવાનું અલ્ટિમેટમ આપ્યું હતું, જો એવું નહીં થાય તો સાતમા દિવસે ફરીથી દેશભરમાં દેખાવો કરવાની ચિમકી પણ ઈમરાને આપી હતી. હિંસા વકરી ગઈ હોવાથી ઈમરાન ખાને આઝાદી માર્ચને અટકાવી હતી. ઈમરાન ખાને ટ્રક ઉપરથી હજારો સમર્થકોને સંબોધ્યા હતા. બીજી તરફ સુપ્રીમ કોર્ટમાંથી પણ ઈમરાન ખાનને રાહત મળી હતી. ઈમરાન ખાન સામે સુપ્રીમ કોર્ટની બદનક્ષી થઈ હોવાથી એનો કેસ ચલાવવાની અરજી શાહબાઝ શરીફની સરકાર દ્વારા થઈ હતી. સુપ્રીમે એ અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમે કહ્યું હતું કે અરજી ફગાવી દેવાના તાર્કિક કારણો લેખિત ચુકાદામાં આપવામાં આવશે. શાંતિપૂર્ણ માર્ચના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે કરેલા નિર્દેશોનું ઈમરાન ખાને પાલન ન કર્યું હોવાનો આરોપ સરકારે લગાવ્યો હતો. 

ઈમરાન ખાનના ઈશારે હિંસા ભડકી હોવાની દલીલ કોર્ટમાં થઈ હતી, પરંતુ કોર્ટે અરજીને ફગાવી દીધી હતી. પાંચ ન્યાયધીશોની બેચે કહ્યું હતું કે રાજકીય સંઘર્ષ હંમેશા દેશને નુકસાન પહોંચાડે છે. જો કોઈ મજબૂત કારણ ન હોય તો કોર્ટ હસ્તક્ષેપ કરશે નહીં.

ઈવીએમ પર પ્રતિબંધનો પ્રસ્તાવ પાકિસ્તાન સંસદમાં પસાર થયો

ઈમરાન ખાનની સરકારે ઈ-વોટિંગનો જે કાયદો બનાવ્યો હતો તેના વિરોધમાં પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં નવું બિલ પસાર થયું હતું, તેને બહુમતીથી મંજૂરી મળી ગઈ છે. નવા બિલ પ્રમાણે ચૂંટણીમાં ઈવીએમના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાશે. સંસદીય મંત્રી મુર્તજા જાવેદ અબ્બાસીએ બિલ રજૂ કર્યું હતું, તેને બહુમતી સાંસદોએ સમર્થન આપ્યું હતું. જીડીએ નામના સંગઠનના એક માત્ર સાંસદે વિરોધમાં મતદાન કર્યું હતું. ઈમરાન ખાનની પાર્ટીએ સંસદમાં બહિષ્કાર કર્યો હતો. નીચલા ગૃહમાં બિલ પસાર થયું હોવાથી હવે તેને ઉપરના હાઉસમાં મોકલવામાં આવશે. જો એમાં પસાર થશે તો પાકિસ્તાનમાં આવતા વર્ષે થનારી ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થશે નહીં. પાકિસ્તાન બહાર રહેતા મૂળ નાગરિકોને ઈમરાન ખાને ઈ-વોટિંગથી મતદાન કરવાની જોગવાઈ કરી હતી. એ પણ નવા બિલમાં રદ્ કરવામાં આવી હતી.