×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈમરાનના મંત્રીએ કહ્યુંઃ અમે તાલિબાનના સંરક્ષક, તેમણે અમારા પાસેથી જ શરણ અને શિક્ષણ લીધું


- પાકિસ્તાની રાજનેતાઓ ઉપરાંત પાકિસ્તાની ખેલાડીઓએ પણ તાલિબાનના સમર્થનમાં પોતાનો અવાજ ઉઠાવ્યો 

નવી દિલ્હી, તા. 02 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર

અફઘાનિસ્તાનમાં તાલિબાને સરકાર રચવા તરફ પગલા માંડી દીધા છે. આ બધા વચ્ચે તાલિબાનને સૌથી વધારે સમર્થન પાકિસ્તાનનું મળી રહ્યું છે. પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારમાં મંત્રી શેખ રાશિદે ફરી એક વખત જાહેરમાં તાલિબાનનું સમર્થન કર્યું હતું અને અમે (પાકિસ્તાન) તાલિબાની નેતાઓના સંરક્ષક છીએ તેમ જણાવ્યું હતું. 

પાકિસ્તાની સરકારમાં મંત્રી શેખ રાશિદે જણાવ્યું કે, તેમણે તાલિબાની નેતાઓની લાંબા સમય સુધી સંભાળ રાખી, તેમણે (તાલિબાની નેતાઓએ) અમારા ત્યાં શરણ લીધું, શિક્ષણ લીધું અને અહીં ઘર બનાવ્યું. પાકિસ્તાની મંત્રીના કહેવા પ્રમાણે તેમણે તાલિબાન માટે બધું જ કર્યું છે. 

પાકિસ્તાનમાં સતત તાલિબાનના સમર્થનમાં નિવેદન

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન તરફથી સતત તાલિબાનના સમર્થનમાં અને તેની પ્રશંસા કરતા નિવેદનો અપાઈ રહ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ તાજેતરમાં જાણકારી આપી હતી કે, તાલિબાન આગામી કેટલાક દિવસોમાં સરકાર બનાવશે, તેના થોડા સમય બાદ તાલિબાને પણ તેની પૃષ્ટિ કરી હતી. 

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પહેલા જ તાલિબાનના સમર્થનમાં અનેક વખત પોતાના દિલની વાત કહી ચુક્યા છે. જે દિવસે તાલિબાને કાબુલ પર કબજો જમાવ્યો હતો તે દિવસે પણ ઈમરાન ખાને તેને મહત્વનો વિજય ગણાવ્યો હતો. 

પાકિસ્તાની રાજનેતાઓ ઉપરાંત પાકિસ્તાની ખેલાડીઓએ પણ તાલિબાનના સમર્થનમાં પોતાનો અવાજ ઉઠાવ્યો છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફરીદીએ તાજેતરમાં જ એવું નિવેદન આપ્યું હતું કે, તાલિબાન આ વખતે પોઝિટિવ માઈન્ડ સેટ સાથે આવ્યું છે, તે મહિલાઓને કામ કરવા દઈ રહ્યું છે અને ક્રિકેટનું મોટું સમર્થક છે. 

ઉલ્લેખનીય છે કે, તાલિબાનના કબજા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાન છોડી દીધું છે. 31 ઓગષ્ટના રોજ અમેરિકાએ સત્તાવાર રીતે પોતાની 2 દશકા લાંબી ચાલેલી લડાઈનો અંત કર્યો હતો.