×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈન્ડોનેશિયાના કોલસાના ભાવોમાં એક વર્ષમાં 439 ટકાનો વધારો, જાણો કોલસા સંકટનુ કારણ

નવી દિલ્હી,તા.12 ઓક્ટોબર 2021,મંગળવાર

ચીનની જેમ ભારતમાં પણ કોલસાની અછત દેખાઈ રહી છે અને તહેવારો પર અંધારપટનુ જોખમ ઉભુ થયુ છે.

પહેલા થર્મલ પાવર પ્લાન્ટમાં 17 થી 20 દિવસનો સ્ટોક રહેતો હતો અને હવે 50 ટકાથી વધારે પાવર પ્લાન્ટમાં એક કે બે દિવસનો જ સ્ટોક બચ્યો છે. કેન્દ્ર સરકારના ઉર્જા વિભાગનુ કહેવુ છે કે, વિદેશથી આયાત થતા કોલસાની કિંમતમાં થયેલા વધારાના કારણે ઘરેલુ કોલસાની માંગ વધી છે અને તેના કારણે અછત સર્જાઈ છે.

ઈન્ટરનેશનલ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે એશિયામાં કોલસાની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી છે. જેની અસર ભારત પર પડી રહી છે. ઓસ્ટ્રેલિયાનો હાઈ ગ્રેડ થર્મલ કોલ કોલસાની કિંમત 8 ઓક્ટોબરે 229 ડોલર પ્રતિ ટન પહોંચી હતી. જ્યારે આ વર્ષે 30 એપ્રિલે તેની કિંમત 88.52 ડોલર પ્રતિ ટન હતી. જાપાન અને સાઉથ કોરિયાઈ કોલસાની કિંમતમાં પણ ગયા વર્ષ કરતા 400 ટકાનો વધાર થયો છે. ઈન્ડોનેશિયન કોલસાની કિંમતમાં 439 ટકાનો વધારો થયો છે.

જોકે ઓસ્ટ્રેલિયા હજી પણ ભારતને કોલસો સપ્લાય કરી રહ્યુ છે. બીજી તરફ ચીને ઓસ્ટ્રેલિયાની જગ્યાએ ઈન્ડોનેશિયા પાસેથી કોલસો ખરીદવાનુ શરૂ કરી દીધુ છે. વધતી કિંમતોના કારણે કોલસાની ઈમ્પોર્ટ પ્રભાવિત થઈ છે. ભારતે કોલસાની આયાત ઓછી કરી દીધી છે. ભારતે ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં 2,67 મિલિયન ટન કોલસો આયાત કર્યો હતો. જે ગયા વર્ષે આ સમયે 3.99 મિલિયન ટન હતો.

જોકે ચીનમાં કોલસાની આયાત વધી રહી છે. આ વર્ષે ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ચીને 3.27 ટન કોલસો આયાત કર્યો છે. જે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન આયાત કરેલા કોલસાની તુલનાએ 1.47 મિલિયન ટન વધારે છે.

જોકે ચીનની જેમ ભારત માટે પણ કોલસાની આયાત બહુ જરૂરી છે. જોકે વધી ગયેલા ભાવોના કારણે બંને દેશો ઘરેલુ ઉત્પાદન વધારવા માટે કોશિશ કરી રહ્યા છે. આ પ્રયત્નોને પણ સફળ થતા હજી કેટલાક મહિનાનો સમય લાગશે અને ત્યાં સુધી આયાતી કોલસાનો ભાવ ઘટવાની આશા નથી.