×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈન્ડિયન ઓઈલ તરફથી નવા વર્ષની ભેટઃ કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં રૂ. 100નો ઘટાડો


- કોમર્શિયલ સિલિન્ડર્સના ભાવમાં ઘટાડો કરવાના કારણે રેસ્ટોરા અને હોટેલ ચલાવનારા કારોબારીઓને ભારે રાહત મળશે

નવી દિલ્હી, તા. 01 જાન્યુઆરી, 2022, શનિવાર

વર્ષ 2022ની શરૂઆત ખુશખબર સાથે થઈ છે. સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલે પહેલી જાન્યુઆરીથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડર્સની કિંમતોમાં 100 રૂપિયાનો ઘટાડો કરીને લોકોને ભારે મોટી રાહત આપી છે. જોકે ઘરેલુ એલપીજી સિલિન્ડર્સની કિંમતોમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. 

ડિસેમ્બરમાં 100 રૂપિયા વધી હતી કિંમત

અગાઉ ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં ઈન્ડિયન ઓઈલે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો હતો. ડિસેમ્બરમાં 19 કિગ્રા વજનવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડર્સની કિંમતમાં 100 રૂપિયાની વૃદ્ધિ કરવામાં આવી હતી. જોકે સામાન્ય લોકો માટે રાહતની વાત એ છે કે, ઘરેલુ એલપીજી સિલિન્ડર્સની કિંમતોમાં તે વખતે કોઈ પણ જાતનો વધારો નહોતો કરાયો અને આ વખતે પણ કિંમત સ્થિર રાખવામાં આવી છે. કોમર્શિયલ સિલિન્ડર્સના ભાવમાં ઘટાડો કરવાના કારણે રેસ્ટોરા અને હોટેલ ચલાવનારા કારોબારીઓને ભારે રાહત મળશે. 

ઈન્ડિયન ઓઈલ દ્વારા સિલિન્ડરની કિંમતોમાં કરવામાં આવેલા ઘટાડા બાદ દેશના મોટા શહેરો પર નજર નાખીએ તો કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં કરવામાં આવેલા 100 રૂપિયાના ઘટાડા બાદ દિલ્હીમાં 19 કિગ્રા વજનવાળા કોમર્શિયલ એલપીજીની કિંમત 2001 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતા ખાતે તે 2077 રૂપિયામાં મળશે જ્યારે મુંબઈમાં તેની કિંમત 1951 રૂપિયા થઈ ગઈ છે.