×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઇસ્ટ ઇન્ડિયાની માફક નરેન્દ્ર મોદી ‘વેસ્ટ ઇન્ડિયા’ એટલે કે માત્ર ગુજરાતીઓ દ્વારા શાસન કરવા માંગે છે : મલ્લિકાર્જૂન ખડગે

- બંધારણે અનામતના માધ્યમથી નોકરીઓની ગેરંટી આપી છે, ભાજપ સરકાર તેને ખતમ કરવા માંગે છે

નવી દિલ્હી, તા. 19 માર્ચ 2021, શુક્રવાર

રાજ્યસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે જેવી રીતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ દેશમાં રોકાણ કરીને 150 વર્ષ શાસન કર્યુ તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘વેસ્ટ ઇન્ડિયા’ એટલે કે માત્ર ગુજરાતીઓ દ્વારા આખા દેશ પર શાસન કરવા માંગે છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર વીમા ક્ષેત્રમાં એફડીઆઇ વધારવાના બહાને વિદેશી કંપનીઓને કંટ્રોલ સોંપવા માંગે છે. જેના માધ્યમથી નોકરીઓમાં મળતી અનામતને દૂર કરાવા માંગે છે.

તેમણે સદનમાં નાણમંત્રીએ આપેલા નિવેદનનો સંદર્ભ આપીને કહ્યું કે દેશભરમાં વીમાક્ષેત્રની માત્ર છ સરકારી કંપવનીઓ છે, જેમાં 1.75 લાખ કર્મચારીઓ કામ કરે છે. જ્યારે ખાનગી ક્ષેત્રમાં વીમાની કુલ 50 કંપનીઓ કાર્યરત છે. જેની અંદર 2.67 લાખ કર્મચારીઓ કામ કરે છે. ખડગેએ કહ્યું કે બંધારણે દેશના 60-70 ટકા લોકોને અનામતના માધ્યમથી તેમની નોકરીઓની ગેરંટી આપી છે, જ્યારે હવે ભાજપ સરકાર તેને ખતમ કરવા માંગે છે.

ખડગેએ કહ્યું કે 1956ના વર્ષમાં પંડિત નેહરુએ વીમા કંપનોનું રાષ્ટ્રીયકરણ કર્યુ હતું અને ઇંદિરાજીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યુ હતું.. જેથી લોકોનું જીવન સુધરી શકે અને તેમને નોકરી મળી શકે. તેમણે કહ્યું કે વીમા સંશોધન વિધેયક 2021માં ઘણી બધી ખામીઓ છે. જેથી તેને સ્થાયી સમિતિ પાસે મોકલવામાં આવે. તેમણે કહ્યું કે જો વીમા કંપનીમાં એફડીઆઇ વધારવામાં આવી તો મોદીજી દ્વારા ગુજરાતના કેટલાક લોકોની મદદથી વેસ્ટ ઇન્ડિયા કંપની શરુ કરાશે. માટે આ બિલની અંદર વિદેશીઓને નિયંત્રણ આપવામાં આવ્યું છે.